જેલમાં સલમાનને મળવા જેલકર્મીઓનો ધસારો, ભડકેલા આસારામ બોલ્યાં-મને તો કોઈ મળવા નથી આવતું
કાળિયારના શિકાર મામલે પાંચ વર્ષની જેલની સજા મળ્યા બાદ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન જોધપુર જેલમાં બંધ છે.
નવી દિલ્હી/ જોધપુર: કાળિયારના શિકાર મામલે પાંચ વર્ષની જેલની સજા મળ્યા બાદ બોલિવૂડ સ્ટાર સલમાન ખાન જોધપુર જેલમાં બંધ છે. બેચેનીમાં જેલમાં દિવસો પસાર કરી રહ્યો છે સલમાન, ખુબ તણાવમાં પણ છે. બીજા દિવસે પણ જેલકર્મીઓ આખી રાત તેને મળવા માટે બેરકમાં આવતા રહ્યાં હતાં. આ જ જેલમાં આસારામ પણ છે અને સલમાનને લોકો મળવા આવતા જોઈને તે નારાજ થયા હોવાનું કહેવાય છે. તેમણે જેલકર્મીઓને કહ્યું કે મને તો કોઈ મળવા માટે નથી આવતું.
દૈનિક ભાસ્કરમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ સજા મળ્યાના બીજા દિવસે સલમાન ખાન મોડી રાત સુધી પોતાની બેરકમાં જ બેસી રહ્યો હતો. ખુબ તણાવમાં પણ જોવા મળ્યો હતો. તેણે જેલકર્મીઓને કહ્યું કે ખુબ મચ્છર છે અને તેઓ કરડી રહ્યાં હોવાથી તેને ઊંઘ આવતી નથી. જેને કારણે સલમાનને બેરક નંબર 2માં શિફ્ટ કરી દેવાયો. ત્યારબાદ જેલ પ્રહરી અને સુરક્ષાકર્મીઓ ઉપરાંત ડ્યૂટીવાળા કર્મીઓ પણ વારાફરતી તેને મળવા માટે આવતા હતાં. સલમાનની બેરકમાં ભીડ જોઈને આસારામ નારાજ થયા. સલમાનને આટલા લોકો મળવા માટે આવ્યાં તે તેમને ગમ્યુ નહીં. આસારામે જેલકર્મીઓને કહ્યું કે મને તો કોઈ મળવા માટે ન આવ્યું, તેને સેલિબ્રિટી હોવાના કારણે મળવા માટે જાઓ છો?
વાત જાણે એમ છે કે સલમાન ખાનને 20 વર્ષ જૂના કાળિયારના શિકાર કેસમાં કોર્ટે પાંચ વર્ષની જેલની સજા કરી છે. ત્યારબાદથી તે જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ અગાઉ પણ તે જોધપુર જેલમાં રહી ચૂક્યો છે. જેલમાં તેની ઓળખ કેદી નંબર 343 તરીકે હતી. છેલ્લા બે દાયકાઓમાં સલમાન ખાને અત્યાર સુધી 18 દિવસ જેલમાં વિતાવ્યા છે. આ જ જેલમાં શારીરિક શોષણનો આરોપી આસારામ પણ કેદ છે. મુસ્લિમ વ્યક્તિને ઘાયલ કરીને જીવતો બાળી મૂકનાર શંભુલાલ રેગર પણ આ જ જેલમાં કેદ છે. એવામાં સલમાનના જેલમાં જવાથી એવી અટકળો હતી કે તેને આસારામની નજીકની બેરકમાં રખાશે. હકીકતમાં આ જેલમાં સુરક્ષિત બેરક એકસાથે જ બની છે. તેમાંની એક બેરેકમાં સલમાન ખાનને શિફ્ટ કરાયો. આસારામ પહેલેથી ત્યાં છે.
વર્ષ 2015માં આસારામે કહ્યું હતું કે જો સજા મેળવેલા સલમાનને જામીન મળી શકે તો મને કેમ નહીં. હું તો ફક્ત આરોપ છું. સંયોગની વાત એ છે કે 3 વર્ષ બાદ સલમાન ખાન કાળિયાર કેસમાં દોષિત ઠરતા આ જ જોધપુર જેલ પહોંચી ગયો છે. હકીકતમાં હિટ એન્ડ રન કેસમાં નિચલી કોર્ટમાંથી સજા મળ્યા બાદ પણ સલમાનને જેલ જવું પડ્યું નહતું. સજા મળ્યાના ચાર કલાકની અંદર જ સલમાનને બોમ્બે હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતાં. જેને આધાર બનાવીને આસારામે પોતાના માટે જામીનની માગણી કરી હતી. આસારામ 2014થી જોધપુરની સેન્ટ્રલ જેલમાં બંધ છે.