BSFએ લીધો બદલો, પાકિસ્તાન પર વળતી કાર્યવાહીમાં 6 રેન્જર્સનો ખાત્મો
બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનના શસ્ત્રવિરામના ભંગમાં એક બીએસએફ જવાન શહીદ થઈ ગયો હતો. બીએસએફએ પાકિસ્તાનની આ કાયરતાપૂર્ણ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે.
જમ્મુ: બુધવારે જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાનના શસ્ત્રવિરામના ભંગમાં એક બીએસએફ જવાન શહીદ થઈ ગયો હતો. બીએસએફએ પાકિસ્તાનની આ કાયરતાપૂર્ણ હરકતનો જડબાતોડ જવાબ આપ્યો છે. ગુરુવારે સાંભા સેક્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ મોટા પાયે કાર્યવાહી કરતા ભારતીય જવાનોએ 6 પાકિસ્તાની રેન્જર્સને ઠાર કર્યા છે. સેનાના હવાલે જણાવવામાં આવી રહ્યું છે કે આ કાર્યવાહીમાં પાકિસ્તાનની બે ચોકીઓને નષ્ટ કરવામાં આવી છે. બીએસએફના આઈજી રામ અવતારે જણાવ્યું કે બીએસએફના જવાનોએ બુધવારે 2 પાકિસ્તાની મોર્ટારની પોઝિશન્સની જાણકારી મેળવી અને તેમને નિશાન બનાવી નષ્ટ કરી દેવાઈ.
અત્રે જણાવવાનું કે બુધવારે પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગમાં હેડ કોન્સ્ટેબલ આરપી હાજરા શહીદ થઈ ગયાં. પાકિસ્તાની સરહદ તરફથી થયેલા ફાયરિંગમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતાં. તેમને તરત સેનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં તેમણે દમ તોડી દીધો. શહીદ જવાનનો બુધવારે જ જન્મદિવસ હતો. તેમનો 1967માં 3જી જાન્યુઆરીના રોજ જન્મ થયો હતો. આ વર્ષે પાકિસ્તાન તરફથી ફાયરિંગની આ પહેલી ઘટના હતી. હાલમાં જ 31મી ડિસેમ્બરના રોજ રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા ઉપર એક જવાનનું મોત થયું હતું.
31 ડિસેમ્બરના રોજ પણ જમ્મુ અને કાશ્મીરના પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ યુદ્ધવિરામનો ભંગ કરતા ફાયરિંગ કર્યું. ફાયરિંગની આડમાં કેટલાક આતંકીઓને ભારતીય સીમામાં ઘૂસાડવાની કોશિશ કરી. પરંતુ ભારતે તેનો બરાબર જવાબ આપ્યો અને ઘૂસણખોરીની કોશિશ નાકામ બનાવી. આ ફાયરિંગમાં એક જવાન શહીદ થયો. આ ઉપરાંત પુલવામામાં સીઆરપીએફના કેમ્પ પર આતંકી હુમલો થયો તેમાં 4 જવાનો શહીદ થયા હતાં.