યોગી આદિત્યનાથ અને અખિલેશ યાદવ કરતા પણ પ્રખ્યાત છે આ IAS, સીબીઆઇએ પાડ્યા દરોડા
પોતાની કડક અને ઇમાનદાર છબીના કારણે સમગ્ર યુપીમાં પ્રખ્યાત બી.ચંદ્રકલાનાં UPના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પુર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ કરતા પણ વધારે ફોલોઅર્સ
નવી દિલ્હી : રેતીનાં બિનકાયદેસર ખનન અંગેના કેસ મુદ્દે કેન્દ્રીય તપાસ પંચ (સીબીઆઇ)એ શનિવારે ઉત્તરપ્રદેશ અને દિલ્હીમાં 12 સ્થળો પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, આઇએએસ અધિકારી બી.ચંદ્રકલા સહિત વરિષ્ઠ અધિકારીઓનાં ઘરે દરોડા પાડવામાં આવ્યા. ચંદ્રકલા ભ્રષ્ટાચારની વિરુદ્ધ પોતાનાં અભિયાનો મુદ્દે સોશિયલ મીડિયામાં ખુબ જ લોકપ્રિય છે. તેમણે જણાવ્યું કે, દરોડા ઉત્તરપ્રદેશનાં જાલૌન, હમીરપુર, લખનઉ સહિત અનેસ જિલ્લાઓની સાથે જ દિલ્હીમાં પણ પાડવામાં આવ્યા હતા.
બીજી તરફ સીબીઆઇ અલ્હાબાદ હાઇકોર્ટનાં નિર્દેશ પર આ મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. બી.ચંદ્રકલાનું ઘર યોજના ભવન નજીક સફાયર એન્ડ વિલામાં છે. હાલ બી.ચંદ્રકલા ડેપ્યુટેશન પર છે. યુપીમાં તેમની છબી એક કડક અને ઇમાનદાર અધિકારી તરીકેની રહી છે. પહેલા બુલંદશહેર, હમીરપુર સહિત અનેક જિલ્લાઓમાં ડીએમ ચંદ્રકલાએ પોતાનાં કામ અને કડક અંદાજનાં કારણે વાહવાહી લુંટી હતી. સીબીઆઇએ ચંદ્રકલાનાં હમીરપુર ખાતેનાં મકાન પર દરોડા પાડ્યા હતા.
બી.ચંદ્રકલા 2008 બેંચની IAS અધિકારી છે. સોશિયલ મીડિયા પર ચંદ્રકલા ખુબ જ પ્રખ્યાત છે. લોકપ્રિયતા મુદ્દે ચંદ્રકલા ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી અખીલેશ યાદવ કરતા પણ આગળ છે. ફેસબુક પર ચંદ્રકલાનાં 8636348 કરતા પણ વધારે ફોલોઅર્સ છે. બીજી તરફ અખિલેશનાં ફોલોઅર્સની સંખ્યા 6816363 છે.
અગાઉ પણ ચંદ્રકલા પર લાગી ચુક્યા છે દાગ
વર્ષ 2017માં IAS બી.ચંદ્રકલા પોતાની સંપત્તીનો રિપોર્ટ આપવામાં ડિફોલ્ટર સાબિત થયા હતા. સિવિલ સેવા અધિકારીઓને 2014 માટે 15 જાન્યુઆરી 2015 સુધી પોતાની સંપત્તીનો રેકોર્ડ રજુ કરવાની હતી. જો કે એક વર્ષ પસાર થયા બાદ પણ આ અધિકારીઓએ પોતાની સંપત્તીની માહિતી નહોતી આપી. ચંદ્રકલાનું નામ પણ તેમાં જોડાયેલું છે.
કેન્દ્ર સરકાર સામાન્ય પ્રશાસન અને પ્રશિક્ષણ વિભાગની માહિતી અનુસાર ચંદ્રકલાની સંપત્તી 2011-12માં માત્ર 10 લાખ રૂપિયા હતી. 2013-14માં તે વધીને 1 કરોડ રૂપિયા થઇ ગઇ. એટલે કે એક વર્ષમાં તેમની સંપત્તી 90 ટકા વધી ગઇ.
2011-12માં પોતાનાં ઘરેણા વેચીને ચંદ્રકલાએ આંધ્રપ્રદેશમાં ઉપ્પલમાં 10 લાખનો ફ્લેટ ખરીદ્યો હતો. હવે તેમની પાસે લખનઉનાં સરોજિની નાયડૂ માર્ગ પર પોતાની પુત્રી કીર્તિ ચંદ્રકલાનાં નામથી 55 લાખનો ફ્લેટ છે. જો કે તેમણે દાવો કર્યો હતો કે આ ફ્લેટ તેમનાં સાસુ-સસરાએ ગિફ્ટ કરી હતી. તે ઉપરાંત આંધ્રપ્રદેશના અનૂપનગરમાં પણ તેમણે 30 લાખનું એક મકાન ખરીદ્યું છે. તેના કારણે તેઓ 1.50 લાખ રૂપિયા વાર્ષિક કમાણીનો દાવો કરે છે.