ચંદ્રયાન-2 લોન્ચિંગ: મિશનની આ 15 મિનિટ સૌથી કપરો સમય, બધાના શ્વાસ અધ્ધર થઈ જશે
આ મિશનનો સૌથી તણાવવાળો અને કપરો સમય ગણવો હોય તો તે ચંદ્ર પર લેન્ડિંગ અગાઉના 15 મિનિટ હશે. ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરોના ચીફ કે સિવને કહ્યું કે લેન્ડિંગ પહેલાની છેલ્લી 15 મિનિટ ખુબ જ પડકારજનક રહેશે.
નવી દિલ્હી: ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-2 ગણતરીના કલાકોમાં લોન્ચ થશે. ખુબ જ કપરાં મિશનના લક્ષ્ય સુધી પહોંચવું એ કોઈ ચમત્કારથી જરાય કમ નથી. શ્રી હરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્રથી લોન્ચિંગ બાદ મિશનને ચંદ્ર સુધી પહોંચવામાં 40 દિનથી પણ વધુ સમય લાગશે. આ મિશનનો સૌથી તણાવવાળો અને કપરો સમય ગણવો હોય તો તે ચંદ્ર પર લેન્ડિંગ અગાઉના 15 મિનિટ હશે. ભારતીય અંતરીક્ષ એજન્સી ઈસરોના ચીફ કે સિવને કહ્યું કે લેન્ડિંગ પહેલાની છેલ્લી 15 મિનિટ ખુબ જ પડકારજનક રહેશે. કારણ કે તે સમયે અમે કઈંક એવું કરીશું કે જે અત્યાર સુધી ક્યારેય કર્યું નથી. અત્રે જણાવવાનું કે 15 જુલાઈના રોજ ક્રાયોજેનિક એન્જિનમાં લીકેજના કારણે ચંદ્રયાન 2નું લોન્ચિંગ ટળી ગયું હતું. ત્યારબાદ ઈસરોએ લોન્ચિંગની નવી તારીખ 22 જુલાઈ બપોરે 2:43 કલાકનો સમય નક્કી કર્યો છે.
છેલ્લી 15 મિનિટ ખુબ પડકારજનક
ઈસરો ચીફ સિવને કહ્યું કે ચંદ્રની સપાટીથી 30 કિલોમીટર દૂર ચંદ્રયાન-2ના લેન્ડિંગ માટે તેની સ્પીડ ઓછી કરાશે. વિક્રમને ચંદ્રની સપાટી પર ઉતારવાનું કામ ખુબ જ મુશ્કેલ રહેશે. આ દરમિયાન 15 મિનિટ ખુબ પડકારજનક સાબિત થશે. અમે પહેલીવાર સોફ્ટ લેન્ડિંગ કરીશું. આ તણાવની ક્ષણ ફક્ત ઈસરો જ નહીં પરંતુ બધા ભારતીયો માટે હશે. ભારત જેવું ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવશે કે તે દુનિયાનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી માત્ર અમેરિકા, રશિયા અને ચીન પાસે જ આ વિશેષતા છે.
ચંદ્રની સપાટી સ્પર્શતા પહેલા શું થશે?
ધરતી અને ચંદ્રમા વચ્ચેનું અંતર લગભગ 3 લાખ 84 હજાર કિલોમીટર છે. લોન્ચિંગ બાદ ચંદ્ર માટે લાંબી મુસાફરી શરૂ થશે. ચંદ્રયાન-2માં લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્રમા સુધી જશે. ચંદ્રની સપાટી પર ઉતરવાના 4 દિવસ પહેલા રોવર 'વિક્રમ' ઉતરણની જગ્યાની સમીક્ષા કરવાનું શરૂ કરશે અને ત્યારબાદ 6-8 સપ્ટેમ્બરની વચ્ચે લેન્ડિંગની પ્રક્રિયા શરૂ થશે. લેન્ડિંગ બાદ લેન્ડર (વિક્રમ)નો દરવાજો ખુલશે અને તે રોવર (પ્રજ્ઞાન)ને રિલીઝ કરશે. રોવર નીકળવામાં લગભગ 4 કલાકનો સમય લાગશે. ત્યારબાદ તે વૈજ્ઞાનિક પરીક્ષણો માટે ચંદ્રની સપાટી પર નીકળી જશે. તેના 15 મિનિટની અંદર જ ઈસરોને લેન્ડિંગની તસવીરો મળવાનું શરૂ થઈ જશે.
જુઓ LIVE TV