છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ કરી ખેડૂતોના દેવામાફી સહિત ત્રણ મોટી જાહેરાત
મુખ્યમંત્રીપદની શપથ લીધાના થોડા કલાકમાં જ ભૂપેશ બધેલે કરી ત્રણ મોટી જાહેરાત, ડાંગરના ટેકાના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.1700થી વધારી રૂ.2500 કર્યા અને ઝિરામ ઘાટીમાં થયેલા હત્યાકાંડની તપાસ માટે એસઆઈટીની રચનાની જાહેરાત કરી
રાયપુરઃ ભૂપેશ બધેલે છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના થોડા કલાકોમાં જ ત્રણ મોટી જાહેરાત કરી દીધી છે. તેમણે રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની સાથે જ ડાંગરના ટેકાના ભાવમાં ધરખમ વધારો કર્યો છે. આ સાથે જ ઝીરામ ઘાટીમાં થયેલા નકસલી હુમલાની તપાસ માટે એસઆઈટીની રચનાની જાહેરાત કરી છે.
છત્તીસગઢના નવા મુખ્યમંત્રી ભૂપેશ બધેલે જણાવ્યું કે, "કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે કોંગ્રેસની સરકાર બન્યાના 10 દિવસના અંદર ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે, પરંતુ અમે આજે જ ખેડૂતોનું દેવું માફ કરી રહ્યા છે. આ ઉપરાંત, ડાંગરની ખરીદીનો લઘુત્તમ ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ.1700થી વધારીને રૂ.2500 કરવામાં આવ્યો છે."
મધ્યપ્રદેશમાં ખેડૂતોનું દેવું માફ, કમલનાથે શપથ લીધા પછી તરત જ દેવામાફીની ફાઈલ પર કર્યા હસ્તાક્ષર