નવી દિલ્હીઃ ભારતીય હવાઈ દળના પ્રમુખ બી.એસ. ધનોઆએ પડોશી દેશો સાથે ભારતના વધતા જતા જોખમની આશંકા વ્યક્ત કરતા બુધવારે જણાવ્યું કે, આપણે સહરદ પારથી વિદ્રોહનો સામનો કરી રહ્યા છીએ. આપણા પડોશી દેશ ખાલી બેઠા નથી. તેમણે ખુલાસો કરતા જણાવ્યું કે, ચીને તિબેટમાં યુદ્ધ વિમાન ગોઠવી દીધા છે. આપણને વધુ યુદ્ધ વિમાનની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવાઈ દળના પ્રમુખે વધુમાં જણાવ્યું કે, રાફેલ વિમાન અને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ એસ-400 આપીને કેન્દ્ર સરકાર ભારતીય સેનાને મજબૂત કરી રહી છે. તેમણે જણાવ્યું કે, આપણી પાસે સ્વીકૃત શક્તીની સરખામણીમાં યુદ્ધ વિમાનોની 42 સ્ક્વાડ્રન નથી. આપણી પાસે 31 સ્ક્વાડ્રન છે. ત્યાં સુધી કે 42 સ્ક્વાડ્રનની સરખામણીએ આપણે બે સ્થાનિક હરીફની સંયુક્ત સંખ્યાથી પણ નીચે રહીશું. 



ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગયા એપ્રિલ મહિનામાં ભારતીય વાયુસેનાના પ્રમુખ બી.એસ. ધનોઆએ જણાવ્યું હતું કે, ચીન ભારત સરહદ પર તિબેટના સ્વાયત્ત ક્ષેત્રમાં પોતાની હવાઈ ક્ષમતા વધારી રહ્યું છે. એર ચીફ માર્શલે એક સંબોધનમાં જણાવ્યું કે, તમામ આકસ્મિક સ્થિતિમાં અભિયાનોના પૂર્ણ સંચાલન માટે યુદ્ધ વિમાનની 42 સ્ક્વાડ્રનની જરૂર છે. જોકે, જ્યારે પણ જરૂર જણાશે ત્યારે આઈએએફમાં 'ઝડપથી' યુદ્ધ કરવાની ક્ષમતા છે. 



પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદ અંગે તેમણે જણાવ્યું કે, આતંકવાદી સંગઠનો દ્વારા સતત કરાઈ રહેલા હુમલાથી સંકેત મળે છે કે કેટલાક વિસ્તારમાં ભારતની સુરક્ષા વ્યવસ્થા યોગ્ય રીતે કામ કરી નથી રહી. તેમણે ભાર મુક્યો કે, આ વિસ્તારોમાં ક્ષમતા વધારવાની જરૂર છે, જેથી ઈસ્લામાબાદના વ્યવહારુ વલણમાં પરિવર્તન સુનિશ્ચિત કરી શકાય.