નવી દિલ્હી : પાંચ દિવસીય દિવાળીના તહેવારના એક દિવસ પહેલા નાની દિવાળી ઉજવવાનો રિવાજ છે. ભારતીય શાસ્ત્ર અનુસાર, નાની દિવાળીના દિવસે રાક્ષસ નરકાસુરનો વધ થયો હતો. જેના બાદથી નાની દિવાળીના દિવસને નરક ચતુર્થીના તહેવાર તરીકે ઉજવવાનું શરૂ કરાયું. માનવામાં આવે છે કે, નરકાસુરના વધ બાદ ઉત્સવ મનાવતા લોકોએ દીવા પ્રગટાવ્યા હતા, ત્યારથી જ દિવાળી પહેલા નાની દિવાળી કે નરક ચતુર્થી ઉજવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે કથા
પ્રાગજ્યોતિષપુર નગરમાં નરકાસુર નામનો એક રાજા હતો, જે એક રાક્ષસ હતો. તેણે પોતાની શક્તિથી ઈન્દ્ર અને અન્ય તમામ દેવતાઓને પરેશાન કરી મૂક્યા હતા. તે લોકોની સાથે સાધુઓ પર પણ અત્યાચાર કરતો હતો. તેણે પોતાની પ્રજા અને સંતોની 16 હજાર જેટલી સ્ત્રીઓને બંદી બનાવી હતી. તેના અત્યાચારથી પરેશાન દેવતા અને સંત મદદ માંગવા માટે ભગવાન કૃષ્ણના શરણમાં ગયા. ભગવાન શ્રીકૃષ્ણએ તેઓને નરકાસુરમાંથી મુક્તિ અપાવવાનું આશ્વાસન આપ્યું હતું. નરકાસુરને સ્ત્રીના હાથે મરવાનો શ્રાપ હતો, તેથી ભગવાન શ્રીકૃષ્ણએ પત્ની સત્યભામાને સારથી બનાવી અને પછી તેની સહાયતાથી નરકાસુરનું વધ કર્યું. 



આ પ્રકારે શ્રીકૃષ્ણએ કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ નરકાસુરનો વધ કરીને દેવતાઓ તેમજ સંતોને તેના આતંકમાંથી મુક્તિ અપાવી હતી. આ ખુશીમાં બીજા દિવસે એટલે કે કાર્તિક માસની અમાસના રોજ લોકો ઘરમાં દીવડા પ્રગટાવે છે. ત્યારથી નરક ચતુર્થી અને નાની દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે. 


આવી રીતે પૂજા કરવી
નરક ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ. આ દિવસે તેલથી નાહવામાં આવે છે. નાહ્યા બાદ સૂર્યને જળ ચઢાવવું અને બાદમાં ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરવી. પૂજાના સમયે ફળ, ફૂલ અને ધૂપ લગાવવા. માટીના દીવાને બદલે લોટના દીવા પ્રગટાવવા. સાંજે ઉંબરા પર પાંચ કે સાત દીવા પ્રગટાવવા.