જહાજ, તારો, પંચકોણ જેવા વિવિધ આકારના અનોખા ચર્ચની ડિઝાઈન પાછળ શું છે રહસ્ય?
કેરળમાં તમને દરિયાને બદલે શહેરની વચ્ચે શીપ ઉભેલી જોવા મળે એ પણ વિશાળકાય! પણ આ શીપ કોઈ હકીકતની શીપ નથી એટલે કે પાણીમાં તરી શકે તેવું કોઈ જહાજ નથી. આ તો બાંધકામ છે. અને આ બાંધકામ પણ કોઈનું નિવાસસ્થાન નથી. પણ ખ્રિસ્તી સંપ્રદાયના આસ્થાના સ્થાન એવું ચર્ચનું બાંધકામ છે. લાગીને નવાઈ!
ઝી બ્યૂરો, અમદાવાદઃ જો તમે અવલોકન કરવાના શોખીન છો અને કેરળની યાત્રાએ જઈ ચૂક્યાં છો. તો કદાચ તમે આ તમામ ચર્ચને જોયા હશે અથવા તેના વિશે સાંભળ્યું હશે. કેરળમાં આવેલાં વિવિધ ચર્ચ પ્રાચીન પદ્ધતિથી અત્યંત અલગ અને ધ્યાન ખેંચનારા છે. ખાસ કરીને તેનો બાહ્ય દેખાવ તરત જ તમારી નજરને આકર્ષે છે? શું તેની પાછળ કોઈ રહસ્ય છે કે પછી કેરળમાં ખ્રિસ્તી સંપ્રદાયમાં આ ટ્રેન્ડ છે?
કેરળના અનેક ચર્ચનો બાહ્ય આકાર દિલ જીતી લે તેવો છે!
કેરળ દેશના સૌથી વધુ શિક્ષિત રાજ્ય તરીકે અગ્રેસર છે. આ સાથે જ અહીં ખૂબ મોટી માત્રામાં ખ્રિસ્તી સમૂદાયના લોકો રહે છે. તેથી જ કેરળના કેટલાંક શહેરમાં તમને ચર્ચ દેખાવા ખૂબ જ સામાન્ય છે.જો કે સામાન્યતઃ તમે જ્યારે કોઈ ચર્ચની મુલાકાત લો તો એની એક ટિપિકલ બાંધકામની શૈલી હોય છે.
એ જ શૈલીમાં દેશના અનેક રાજ્યોમાં ચર્ચ બંધાયેલાં છે. પણ કેરળના ચર્ચમાં બાંધકામની શૈલીમાં બહુ મોટી વિશેષતા જોવા મળે છે. ચર્ચની જેવી અનોખી ડિઝાઈન કેરળમાં જોવા મળે છે તે પ્રકારની વિવિધ પ્રકારની ડિઝાઈન તમને આખી દુનિયામાં ક્યાંય નહીં જોવા મળે. અને કંઈક આવા જ આશયથી તેને નિર્માણ કરવામાં આવ્યાં છે.
જર્મન ફોટોગ્રાફર સ્ટેફની ઝોઈ અને હોબિત્ઝ જ્યારે 2011થી 2016ની વચ્ચે ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે તેમણે પણ ચર્ચની આ વિવિધતા નોટિસ કરી હતી. તેમને તેમાં રસ પડ્યો. તેમણે નક્કી કર્યું તેમનો ફોટોગ્રાફીનો નેક્સ્ટ પ્રોજેક્ટ આ ચર્ચ પરનો હશે. રિસર્ચ પછી તેમને જાણવા મળ્યું કે ભારતમાં વસતા માલાબાર કેથોલિક સંપ્રદાયમાં આ પ્રકારના ચર્ચ બને છે.
જાણવા મળ્યું કે માલાબાર કેથોલિક સંપ્રદાય અગાઉ પથ્થર અને લાકડામાંથી બનતા ચર્ચની ક્લાસિકલ ડિઝાઈનમાં આધુનિકતા ભેળવી તેને નવું સ્વરૂપ આપવા માગતા હતાં જેથી એ પ્રકારના ચર્ચ તેમના સંપ્રદાયની ઓળખ બને. 1950થી 1970ના દશકમાં આવું બાંધકામ વધવા લાગ્યું. માલાબાર સંપ્રદાયના ચર્ચ વિવિધ આકારના બનવા લાગ્યાં. ખાસ કરીને અંદરની સંરચનામાં વધારે ફેર નહીં પણ બાહ્ય દેખાવમાં વિવિધતા લેવા માટે આર્કિટેક્ટ છૂટછાટ લેતાં ગયા. તેના પરિણામે જ કેરળના ચર્ચમાં આટલી વિવિધતા જોવા મળે છે.
અને આઝાદી પૂર્વે બંધાયેલાં ચર્ચ કરતાં આ ચર્ચ અલગ અલગ આકારના અને સ્વરૂપના જોવા મળે છે. અહીં તમને આખા જહાજના આકારમાં કે પછી તારાના આકારમાં કે પંચકોણ આકારમાં ચર્ચ જોવા મળી શકે છે. વર્ષો પછી ફરી ક્લાસિક સ્ટાઈલમાં જ પરત ફરતો સંપ્રદાય જોવા મળ્યો. જો કે ફોટોગ્રાફીના પ્રોજેક્ટ દરમિયાન જ પોતાના સાથી હોબિત્ઝનું નિધન થઈ જતાં સ્ટેફનીએ એકલીએ આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો. સ્ટેફની પોતાના પ્રોજેક્ટ પૂર્ણ કરવાના અંતિમ દોરમાં નોંધે છે કે હવે સિત્તેરના દાયકામાં જે ચર્ચ અલગ અલગ રંગના અને વિવિધ બાહ્ય દેખાવના બનતા હતાં એની સાથે લોકોને કનેક્શન વર્તાતું નહોતું.
અંતે હવે ફરી એકવાર આ સંપ્રદાય જૂની ક્લાસિકલ ડિઝાઈનમાં જ ચર્ચ બનાવવા તરફ વળ્યો છે. સ્ટેફની કહે છે કે હવે નવા ચર્ચ બની રહ્યાં છે તેના બાહ્ય દેખાવમાં પણ પ્રયોગ કરવાને બદલે આઝાદી પૂર્વેની ડિઝાઈન પ્રમાણે જ ચર્ચ બનાવાય છે.
અને બાહ્ય રંગ પણ હવે સફેદ જ રાખવામાં આવે છે. કેરળમાં અલગ અલગ આકાર અને રંગના ચર્ચની ફોટોગ્રાફીની એ સિરિઝ સ્ટેફનીએ જર્મનીમાં પ્રદર્શિત પણ કરી. 'હોબિત્ઝ+ઝોઈ પોસ્ટ કોલોનિયલ' એપિફની નામથી તેમણે પોતાની ફોટોગ્રાફીનું પ્રદર્શન રાખ્યું હતું.