નવી દિલ્લીઃ ભારત સરકાર દ્વારા ૧ ઓક્ટોબરથી અમલમાં આવે તેવી રીતે નેચરલ ગેસનાં ભાવ mmBTu દીઠ ૮.૬૦ ડૉલરથી વધારીને ૯.૨૦ ડૉલર કરાયા છે. ૧ ઓક્ટોબરથી ૩૧ - ઓક્ટોબર સુધી તે અમલમાં રહેશે. સરકાર દ્વારા સતત બીજા મહિને નેચરલ ગેસનાં ભાવમાં વધારો કરાયો છે. અગાઉ સપ્ટેમ્બરમાં તે mmBtu દીઠ ૭.૮૫ ડૉલરથી વધારીને ૮.૬૦ ડૉલર કરાયા હતા. નેચરલ ગેસનાં ભાવમાં વધારાનો બોજ સીધો ગ્રાહકો પર લાદવામાં આવશે. આથી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) તેમજ પાઈપ્ડ નેચરલ ગેસ (PNG)નાં ભાવમાં પણ વધારો કરવામાં આવશે. PNGનો ઉપયોગ સામાન્ય રીતે રાંધણ ગેસ તરીકે કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકાર દ્વારા નેચરલ ગેસનાં ભાવની દર મહિને નવી ફોર્મ્યુલા મુજબ સમીક્ષા કરવામાં આવે છે. ખાસ કરીને ભારતનાં ક્રૂડ બાસ્કેટને ધ્યાનમાં લઈને ભાવમાં વધારો કે ઘટાડો કરાય છે. જો કે APM નાં ભાવ mmBtu દીઠ ૬.૫ ડૉલર રહેશે.


નેચરલ ગેસનાં ભાવ વધારાની અસર અન્ય સેક્ટર પર પણ પડશે જેમાં CNG-PNG ઉપરાંત સ્ટીલ પેટ્રોકેમિકલ્સ, ખાતર અને પાવર સેક્ટરનો સમાવેશ થાય છે. ભારત દ્વારા તેની નેચરલ ગેસની જરૂરિયાતનાં ૫૫ ટકા આયાત કરવામાં આવે છે. અમેરિકા, રશિયા, કતાર, સંયુક્ત આરબ અમીરાત ભારતનાં મોટા સપ્લાયર્સ છે. ઘર વપરાશ માટેનો LNG ઓએનજીસી પૂરો પાડે છે.