VIDEO કોંગ્રેસ નેતાનું વિવાદિત નિવેદન,-`BJPના આ નેતાની જીભ કાપીને લાવનારને 5 લાખનું ઈનામ`
દહી હાંડીના ઉત્સવ દરમિયાન પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ભાજપના નેતા રામ કદમ ચારે બાજુથી ઘેરાઈ રહ્યાં છે.
મુંબઈ: દહી હાંડીના ઉત્સવ દરમિયાન પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે ભાજપના નેતા રામ કદમ ચારે બાજુથી ઘેરાઈ રહ્યાં છે. મહિલા આયોગે પણ તેમના નિવેદનની આલોચના કરતા આયોગ સામે રજુ થઈને પોતાની વાત રજુ કરવા માટે આઠ દિવસનો સમય આપ્યો છે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓએ પણ તેમને આડે હાથ લેવા માંડ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યમંત્રી સુબોધ સાવજીએ ભાજપના ધારાસભ્ય રામ કદમની જીભ કાપીને લાવનારે પાંચ લાખના ઈનામની જાહેરાત કરી છે. સાવજીએ કદમના નિવેદનની ટીકા કરતા કહ્યું કે રામ કદમે આ પ્રકારની વાતો કરીને મહારાષ્ટ્રની સંસ્કૃતિનું અપમાન કર્યું છે.
તેમણે કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજના વિચારવાળા મહારાષ્ટ્રમાં સ્ત્રીઓને માતાની જેમ જોવામાં આવે છે. આવા મહારાષ્ટ્રમાં જન્મેલા રામ કદમ યુવતીઓના અપહરણની વાતો કરે છે. તેમણે કહ્યું કે માતાઓને લઈને આ પ્રકારનું નિવેદન આપનારી વ્યક્તિની જીભ કાપી લેવી જોઈએ. તેમણે પોતાના આ પ્રકારના શરમજનક નિવેદનથી માત્ર મહિલાઓનું અપમાન જ નહીં પરંતુ મહારાષ્ટ્રની સંસ્કૃતિને પણ કલંકિત કરી છે. તેમણે કહ્યું કે જો મહારાષ્ટ્રમાં કોઈ પણ રામ કદમની જીભ કાપીને લાવે તો તેને 5 લાખ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.
અત્રે જણાવવાનું કે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ભાજપના ધારાસભ્યે કૃષ્ણ જન્માષ્ટમીના આગલા દિવસે દહી હાંડી ઉત્સવ કાર્યક્રમ દરમિયાન યુવાઓને સ્પષ્ટ રીતે કહ્યું કે તમે જે યુવતીને પસંદ કરતા હોવ તે જો તમારો પ્રસ્તાવ ઠુકરાવે તો તમારા માતા પિતા સાથે મારી પાસે આવો, હું તેનું 'અપહરણ' કરીને તમારી પાસે લાવીશ.
એક વીડિયો ક્લિપમાં તેઓ આવું કહેતા સાંભળવામાં આવે છે. તેઓ કહે છે કે તમે (યુવા) કોઈ પણ કામ માટે મને મળી શકો છો. કદમ આગળ કહે છે કે તેમને મદદ માટે એવા પણ કેટલાક યુવાઓની ભલામણ મળી છે જેમના પ્રસ્તાવ યુવતીઓએ ઠુકરાવી દીધા હતાં. વીડિયોમાં ભીડને સંબોધન કરતા તેઓ કહે છે કે હું મદદ કરીશ, 100 ટકા. તમારા માતા પિતા સાથે(મારી પાસે) આવો. જો માતા પિતા તેના પર મંજૂરી આપે તો હું શું કરીશ? હું તે યુવતીનું અપહરણ કરી લઈશ અને તેને (લગ્ન માટે) તમારા હવાલે કરી દઈશ. વીડિયોમાં કદમ ભીડને પોતાનો મોબાઈલ નંબર આપતા પણ જોવા મળી રહ્યાં છે.
જો કે આ વીડિયો ક્લિપ અંગે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો કદમે કહ્યું કે તેમની ટિપ્પણીઓને તોડી મરોડીને રજુ કરાઈ છે. કદમે કહ્યું કે મેં કહ્યું હતું કે દરેક યુવા પછી ભલે તે યુવક હોય કે યુવતી પોતાના માતા પિતાને વિશ્વાસમાં લઈને લગ્ન કરે. આમ કહ્યાં બાદ હું થોડીવાર ચૂપ રહ્યો, ત્યારે કોઈએ ભીડમાંથી કઈંક કહ્યું, મેં તેને માઈક પર રીપિટ કર્યું અને ત્યારબાદ હું પછી કઈંક પાછુ બોલ્યો.