પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીની આગામી ભારત ન્યાય યાત્રા 14 જાન્યુઆરીથી મણિપુરના ઈમ્ફાલથી શરૂ થશે. આ યાત્રાના માર્ગમાં આવનારા 14 રાજ્યોમાંથી કેટલાક રાજ્યોને વધુ મહત્વ અપાય તેવી શક્યતા છે. જેમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત સામેલ છે. એચટીના એક રિપોર્ટ મુજબ બે નેતાઓએ નામ ન છાપવાની શરતે કહ્યું કે રાહુલ ગાંધીની યાત્રાનો અંતિમ રૂટ હજુ નક્કી થયો નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકો છે અને ત્યાંથી કોંગ્રેસના ફક્ત એક જ સાંસદ છે અને તે છે રાયબરેલીથી સોનિયા ગાંધી. જ્યારે ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને ગત બે લોકસભા ચૂંટણીથી તમામ બેઠકો ભાજપને ફાળે જ ગયેલી છે. ગુજરાતમાં ભાજપ 1998થી સત્તામાં છે. માર્ચ પ્લાનિંગમાં સામેલ બે નેતાઓએ આ અંગે કહ્યું કે ગત વર્ષ ભારત જોડો યાત્રા દરમિયાન સામેલ ન કરાયેલા રાજ્યોને ભારત ન્યાય યાત્રામાં પ્રાથમિકતા આપવામાં આવશે. બંને નેતાઓમાંથી એક નેતાએ કહ્યું કે, યાત્રા દરમિયાન યુપી અને ગુજરાત  બંનેને પ્રમુખતા આપવામાં આવશે. ભારત જોડો યાત્રાએ ગુજરાતને સ્પર્શ કર્યો નહીં અને યુપીમાં તો ફક્ત 3 જ દિવસ વિતાવ્યા. તેમના જણાવ્યાં મુજબ આ વખતે યુપી અને ગુજરાત બંનેમાં 6-7 દિવસ પસાર કરવામાં આવી શકે છે. 


અત્રે જણાવવાનું કે કોંગ્રેસે હાલમાં જ જાહેરાત કરતા કહ્યું હતું કે પાર્ટી નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 14 જાન્યુઆરીથી 20 માર્ચ સુધી મણિપુરથી મુંબઈ (પૂર્વથી પશ્ચિમ) સુધી ભારત ન્યાય યાત્રા કાઢવામાં આવશે. પાર્ટીએ કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા આયોજિત થનારી આ યાત્રા 67 દિવસમાં 14 રાજ્યો અને 85 જિલ્લાઓમાંથી પસાર થશે. ભારત ન્યાય યાત્રા દરમિયાન લગભગ 6200 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. યાત્રા મોટાભાગે બસમાં રહેશે પરંતુ ક્યાંક ક્યાંક પગપાળા રહેશે. 


રોજ સરેરાશ 120 કિમીનું અંતર કપાશે
ભારત ન્યાય યાત્રાનો મુખ્ય વિષય સંવિધાન બચાવવાનો રહેશે અને 2024ની લોકસભા ચૂંટણી પહેલા બસ દ્વારા બે મહિના સુધી રોજના સરેરાશ 120 કિમીનું અંતર કાપવામાં આવશે. 8 જાન્યુઆરીના રોજ અંતિમ રૂટ નક્કી કરાશે. હંગામી રૂટ મુજબ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરતા પહેલા મણિપુર અને નાગાલેન્ડમાં ફક્ત એક દિવસ અને અસમમાં 3-4 દિવસ વિતાવવાની યોજના છે. પશ્ચિમ બંગાળમાં જ્યાં કોંગ્રેસના ફક્ત 2 લોકસભા સાંસદ છે ત્યાં યાત્રા રાજ્યના ઉત્તરી ભાગ પર ધ્યાન કેન્દ્રીત કરશે. જે એક સમયે કોંગ્રેસનો ગઢ હતો. કોંગ્રેસના નેતાએ કહ્યું કે ઉત્તર બંગાળ અમારા માટે એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે વિસ્તારની ચાર બેઠકોમાંથી 3 બેઠકો અનામત છે. યાત્રા કદાચ કોલકાતા અને દક્ષિણ બંગાળ સુધી ન જાય, જે તૃણમૂલનો ગઢ છે. પરંતુ કોંગ્રેસના ગઢ પર ફોકસ કરશે. 


યુપીમાં કોંગ્રેસે 2009માં 21 બેઠકો જીતી હતી અને મનમોહન સિંહ સરકારને 200થી વધુ સીટો જીતીને કેન્દ્રમાં સત્તા પર રહેવામાં મદદ કરી હતી. ત્યારથી ભાગ્ય સાથ છોડતું રહ્યું છે. 2009માં 21થી કોંગ્રેસની સંખ્યા 2014માં ઘટીને બે થઈ ગઈ. 2019માં ફક્ત એક જ સીટ રહી  ગઈ. એક અન્ય કોંગ્રેસના નેતાએ નામ ન છાપવાની શરતે એચટીને કહ્યું કે ભારત જોડો યાત્રામાં અમારે  ફક્ત લોજિસ્ટિક મુદ્દાઓના કારણે ગુજરાત છોડવું પડ્યું. કારણ કે નહીં તો મુસાફરી લાંબી  થઈ જાત. આ વખતે રાહુલ ગાંધી ગુજરાતમાં મોટા પાયે યાત્રા કરી શકે છે. જેને યાત્રા મહારાષ્ટ્રમાં પ્રવેશ કરે તે પહેલા કવર રરાશે. 


55 દિવસમાં 14 રાજ્યોમાં યાત્રા
ભારત ન્યાય યાત્રા 55 દિવસમાં 14 રાજ્યોને કવર કરશે. આ 14 રાજ્યો લોકસભાની કુલ 543 બેઠકોમાંથી 358 બેઠકો ધરાવે છે. યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય યાત્રી કન્ટેઈનરોમાં સૂઈ શકે છે. જે 14 જાન્યુઆરીએ હિંસા પ્રભાવિત મણિપુરના ઈમ્ફાલથી રવાના થશે અને 20 માર્ચના રોજ મુંબઈ પહોંચશે.