`ક્રિકેટર પૃથ્વી શો અને તેના પરિવારને ધમકાવી રહ્યાં છે MNSના કાર્યકર્તાઓ`, કોંગ્રેસ નેતાનો દાવો
બિહાર કોંગ્રેસ અભિયાન સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે શ્રી કૃષ્ણ સિંહ જયંતી સમારોહને સફળ બનાવવા માટે અરવલ પહોંચ્યા હતાં
પટણા: બિહાર કોંગ્રેસ અભિયાન સમિતિના અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે શ્રી કૃષ્ણ સિંહ જયંતી સમારોહને સફળ બનાવવા માટે અરવલ પહોંચ્યા હતાં. એક દિવસના પ્રવાસે આવેલા સિંહે ગુજરાતમાં બિહારના લોકો પર થઈ રહેલી હિંસાને લઈને નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે મહારાષ્ટ્રમાં પણ ભારતીય ક્રિકેટર પૃથ્વી શોના પરિવારને ધમકાવવામાં આવી રહ્યો છે.
સિંહે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે દેશમાં હાલ એવી સ્થિતિ છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર પૃથ્વી શોને ટીમમાંથી બહાર કરી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. સિંહે દાવો કરતા કહ્યું કે "મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓ પૃથ્વી શોને બિહારનો નિવાસી હોવાનું કહીને કિંમત ચૂકવવાની ધમકી આપી રહ્યાં છે." તેમણે એવો પણ દાવો કર્યો કે મનસેના કાર્યકર્તા ક્રિકેટર પૃથ્વી શોના પરિવારને પણ ધમકાવી રહ્યાં છે પરંતુ તેમના વિરુદ્ધ કોઈ બોલનારું નથી.
અખિલેશ સિંહે કહ્યું કે પૃથ્વી શો બિહારનો પુત્ર છે. આથી તેને આ રીતે ધમકાવવામાં આવી રહ્યો છે જે સહન નહીં કરાય. તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી જો બિહાર આવશે તો તેમનો વિરોધ કરાશે.
અખિલેશ સિંહે ગુજરાતમાં બિહારીઓ પર થઈ રહેલા હુમલાઓને લઈને કહ્યું કે આ સહન કરવામાં નહીં આવે. જો ગુજરાતમાં સતત બિહારના લોકો પર અત્યાચાર થશે તો તેઓ ચૂપ નહીં બેસે. અત્યાચાર વિરુદ્ધ અમે અમારો અવાજ ઊંચો કરીશું.
નોંધનીય છે કે પૃથ્વી શો હાલ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેણે આંતરરાષ્ટ્રીય કેરિયરની પહેલી જ ટેસ્ટમાં સદી મારી હતી. 18 વર્ષનો શો ડેબ્યુ ટેસ્ટમાં સદી મારનારો સૌથી યુવા ભારતીય ખેલાડી છે. પૃથ્વીએ રણજી ટ્રોફીમાં પણ પહેલી જ મેચમાં સદી ફટકારી હતી.
અત્રે જણાવવાનું કે પૃથ્વી શોના પિતા પંકજ બિહારના ગયાના રહીશ છે. વર્ષો પહેલા તેઓ રોજગારીની શોધમાં મહારાષ્ટ્ર આવ્યાં હતાં. ત્યારબાદ ત્યાં જ વસી ગયાં. પૃથ્વી શોએ પણ મહારાષ્ટ્રથી જ પોતાની કેરિયર શરું કરી. જો કે પૃથ્વી શોના દાદા અશોક ગુપ્તા હજુ પણ પોતાના પૈતૃક નિવાસ ગયામાં જ રહે છે.