કોંગ્રેસ ધારાસભ્યોને બેંગ્લુરુની બહાર મોકલશે, JDS પણ કરશે અન્ય જગ્યાએ શિફ્ટ
કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લુરુથી બહાર મોકલવા પર વિચાર માટે અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, સિદ્ધારમૈયા, ડી કે શિવકુમાર અને પાર્ટી નેતાઓ વચ્ચે વાતચીત થઈ. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને કેરળ કે પંજાબ મોકલી શકે છે.
બેંગ્લુરુ: કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્યોને બેંગ્લુરુથી બહાર મોકલવા પર વિચાર માટે અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, સિદ્ધારમૈયા, ડી કે શિવકુમાર અને પાર્ટી નેતાઓ વચ્ચે વાતચીત થઈ. કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને કેરળ કે પંજાબ મોકલી શકે છે. પાર્ટીને એવો ડર સતાવી રહ્યો છે કે યેદિયુરપ્પા કેટલાક ધારાસભ્યોને તોડી શકે છે. આ બાજુ એ પણ સ્પષ્ટ થઈ ગયુ છે કે જેડીએસ ધારાસભ્યોને કોઈ અન્ય જગ્યા પર શિફ્ટ કરવામાં આવશે.
મીટિંગ બાદ કોંગ્રેસના નેતા રામલિંગા રેડ્ડીએ કહ્યું કે અમે આજ જ શિફ્ટ થઈશું. અમે આ અંગે વધુ જાણકારી પછી આપીશું. જેડીએસ ધારાસભ્ય કર્ણાટકની બહાર નહીં જાય. જગ્યા હજુ સુધી નક્કી કરાઈ નથી. રામલિંગાએ કહ્યું કે ઈગલટોન રિસોર્ટની બહારથી પોલીસ હટાવ્યાં બાદ ભાજપના નેતા અંદર આવી ગયા અને રૂપિયાની રજૂઆત કરી. તેઓ સતત અમારા ધારાસભ્યોને ફોન કરી રહ્યાં છે.
જ્યાં કોંગ્રેસના ધારાસભ્યોને રખાયા છે તે ઈગલટોન રિસોર્ટ બહારથી સુરક્ષા હટાવાઈ
કર્ણાટકમાં થઈ રહેલા રાજકીય ડ્રામા વચ્ચે ઈગલટોન રિસોર્ટ બહારથી સુરક્ષા વ્યવસ્થા હટાવી લેવામાં આવી છે. સુરક્ષા હટાવવામાં આવતા કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. કોલારથી સાતવાર ચૂંટાઈ આવેલા સાંસદ તથા પૂર્વ મંત્રી કે એચ મુનિયપ્પાએ તેના પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ યોગ્ય નથી. કોંગ્રેસના ધારાસભ્યોને આ જ ઈગલટોન રિસોર્ટમાં રોકવામાં આવ્યાં છે. આ એ જ રિસોર્ટ છે જ્યાં 2017માં ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોનો રોકવામાં આવ્યાં હતાં. તે સમયે પણ એમએલએની ખરીદ વેચાણના આરોપ લાગ્યા હતાં. કોંગ્રેસના સંકટમોચક બનેલા ડી કે શિવકુમાર આ વખતે પણ ફરીથી એ જ ભૂમિકામાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને એમએલએના હોર્સ ટ્રેડિંગને રોકવાની જવાબદારી સોંપી છે.
કોંગ્રેસે ભાજપને ફેંક્યો પડકાર, 'જો યેદિયુરપ્પા પાસે સંખ્યા હોય તો કાલે જ સાબિત કરે બહુમત'
કે એચ મુનિયપ્પાએ આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ સિસ્ટમ નથી. સરકાર ભલે ગમે તેની હોય. ચૂંટાયેલા પ્રતિનિધિઓને સુરક્ષા આપવી એ તેમનું કર્તવ્ય છે. જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ પણ સુરક્ષા હટાવવાના મુદ્દા પર કહ્યું કે અમારા ધારાસભ્યોને સુરક્ષા ઉપલબ્ધ કરાવવી એ અમારી જવાબદારી છે. યેદિયુરપ્પા જે પ્રકારનો વ્યવહાર કરી રહ્યાં છે તેના ઉપર મને આશ્ચર્ય થઈ રહ્યું છે. શપથગ્રહણ બાદ તેમણે 4 આઈપીએસ અધિકારીઓની બદલી કરી નાખી છે. ભાજપની આ કોશિશ હાસ્યાસ્પદ છે. અમારા તમામ 38 ધારાસભ્યો અમારી સાથે છે.