ચંડીગઢ:  પંજાબમાં કેપ્ટન અમરિન્દર સિંહના રાજીનામા બાદ કોંગ્રેસે નવા મુખ્યમંત્રી તરીકે દલિત નેતા ચરણજીત સિંહ ચન્ની પર પસંદગીનો કળશ ઢોળ્યો. ચરણજીત સિંહ ચન્નીએ આજે રાજ ભવન ખાતે પંજાબના મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ સામેલ થયા. ચરણજીત સિંહ ચન્ની સરકારમાં સુખજિન્દર રંધાવા અને ઓપી સોનીએ પણ આજે મંત્રી પદના શપથ લીધા. તેમને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ચરણજીત સિંહ ચન્ની અમરિન્દર સિંહ સરકારમાં ટેક્નિકલ શિક્ષણ અને ઔદ્યોગિક તાલિમ મંત્રી હતા. જો કે હંમેશા અમરિન્દર સિંહ વિરુદ્ધ બળવાનો ચહેરો પણ રહ્યા. 


શપથ લઈ લીધા બાદ પહોંચ્યા રાહુલ ગાંધી
ચરણજીત સિંહ ચન્ની પંજાબના 16માં મુખ્યમંત્રી બન્યા અને રાજ્યના પહેલા દલિત મુખ્યમંત્રી છે. ખાસ વાત એ છે કે આ શપથગ્રહણ સમારોહથી કેપ્ટન અમરિન્દર સિંહે અંતર જાળવ્યું અને સામેલ થયા નહીં. જો કે રિપોર્ટ્સ મુજબ શપથ લીધા બાદ નવા સીએમ ચરણજીત ચન્ની કેપ્ટનને મળવા માટે ફાર્મ હાઉસ જવાના છે. બીજી બાજુ રાહુલ ગાંધી જ્યારે શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા ત્યાં સુધીમાં તો ચન્ની શપથ લઈ ચૂક્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube