ગુજરાત-રાજસ્થાન બાદ હવે UPમાં `મત મેળવવા` કોંગ્રેસનું હિંદુ કાર્ડ, તૈયાર કર્યો એક ખાસ પ્લાન
લોકસભા ચૂંટણી 2019માં ઉત્તર પ્રદેશ માટે પ્રિયંકા ગાંધી વાડ્રાને રાજકારણમાં ઉતારાયા બાદ હવે કોંગ્રેસ પાર્ટીએ એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે.
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ઉત્તર પ્રદેશ માટે પ્રિયંકા ગાંધી વાડ્રાને રાજકારણમાં ઉતારાયા બાદ હવે કોંગ્રેસ પાર્ટીએ એક ખાસ પ્લાન તૈયાર કર્યો છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યાં મુજબ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી ફેબ્રુઆરીના બીજા અઠવાડિયામાં કુંભના મેળામાં આસ્થાની ડૂબકી લગાવવા જશે. એવું કહેવાય છે કે આ દરમિયાન પહેલીવાર જનોઈધારી રાહુલ ગાંધીની પહેલી તસવીર જોવા મળશે. તે વખતે રાહુલ ગાંધી પીળી ધોતી અને પીળો ખેસ નાખીને કુંભમાં પહોંચશે. રાહુલ ગાંધી કુંભમાં લગભગ એક ડઝન બ્રાહ્મણોના મંત્રોચ્ચાર વચ્ચે સંગમમાં ડૂબકી લગાવશે.
આઝમ ખાનની કોંગ્રેસને 'ગર્ભિત ધમકી'- UPમાં 'મત કાપવાનું' કામ ન કરતા, નહીં તો....
જાણકારો કહે છે કે કોંગ્રેસ યુપીના લગભગ 24 ટકા સવર્ણ વોટરોને સાધવાની તૈયારી કરી રહી છે. આથી રાહુલ ગાંધીની કુંભમાં ડૂબકી લગાવવાની સાથે જ કોંગ્રેસ પાર્ટી પોતાની એન્ટી હિંદુ છબીને દૂર કરવાનો છેલ્લો પ્રયત્ન કરશે. અત્રે જણાવવાનું કે ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધી દ્વારા મંદિર જવાના અને સોમનાથ મંદિરના રજિસ્ટરમાં પોતાને બિન હિંદુ લખાયા બાદ ઉઠેલા વિવાદ પર કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ તેમને જનોઈધારી બ્રાહ્મણ ગણાવ્યાં હતાં.
આ દરમિયાન સૂરજેવાલાએ રાહુલ ગાંધીની એક જનોઈધારી તસવીર પણ જારી કરી હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી વખતે પુષ્કર બ્રહ્માજી મંદિરમાં પૂજા વખતે રાહુલે પોતાને બ્રાહ્મણ ગણાવીને પોતાનું ગોત્ર દત્તાત્રેય કહ્યું હતું. કર્ણાટક ચૂંટણીમાં પણ રાહુલ ગાંધીએ અનેક મંદિરોમાં દર્શન કર્યા હતાં.
અમેઠીના રાજકારણમાં જબરદસ્ત ખળભળાટ, એક વાઈરલ કાર્ડથી ઉડી રાહુલ ગાંધીની નીંદર
લખનઉમાં ફેબ્રુઆરીમાં રાહુલ પ્રિયંકાની કુલ 12 રેલીઓ
રાહુલ ગાંધીના હિંદુ કાર્ડ ઉપરાંત પ્રિયંકા ગાંધીના ચૂંટણી પ્રચારમાં પણ યુપી સેન્ટર રહેશે. રાહુલ ગાંધીની ફેબ્રુઆરીમાં જ યુપીમાં લગભગ 12 રેલીઓ છે. જેમાંથી મોટાભાગની રેલીઓમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એક જ મંચ પર જોવા મળશે. પ્રિયંકા ગાંધીનું સેન્ટર આ ચૂંટણીમાં લખનઉ જ રહેશે. એમ પણ કહેવાય છે કે જે રીતે વડાપ્રધાન મોદીએ 2014 અગાઉ અમિત શાહને મહાસચિવ બનાવીને યુપીની જવાબદારી સોંપી હતી. બરાબર તે જ રીતે રાહુલ ગાંધીને પણ પ્રિયંકા ગાંધીથી એવી જ આશા છે.