નવી દિલ્હીઃ સમગ્ર દેશમાં આજે બંધારણ દિવસની ઉજવણી થઈ રહી છે. બંધારણ દિવસના પ્રસંગે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં દેશના મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈએ જણાવ્યું કે, આ એક ગર્વની બાબત છે કે આપણા બંધારણે છેલ્લા 7 દાયકામાં સોથી મોટી તાકાત સાથે જીવિત છે. રંજન ગોગોઈએ જણાવ્યું કે, ભારતીય બંધારણ સંકટના સમયે આપણું માર્ગદર્શન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરીબોનો અવાજ છે બંધારણ 
રંજન ગોગોઈએ જણાવ્યું કે, આઝાદીના 70 વર્ષમાં દરેક પરિસ્થિતિમાં બંધારણે ગરીબોનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આપણે બંધારણનો અવાજ સાંભળવો જોઈએ, નહિતર વિરોધીઓનો અવાજ અરાજક્તા ફેલાવશે. તેમણે જણાવ્યું કે, આપણને બંધારણને મહાન કરવામાં 7 દાયકા એટલે કે 70 વર્ષનો સમય લાગ્યો છે, તેનું મહત્ત્વ સમજવું જોઈએ. 


બંધારણની નૈતિક્તાની સ્પષ્ટ રીતે વ્યાખ્યા કરવામાં આવે : રવિશંકર પ્રસાદ
બંધારણ દિવસ નિમિત્તે કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, બંધારણની નૈતિક્તાની વ્યાખ્યા સ્પષ્ટ રીતે કરવી જોઈએ. તે જુદા-જુદા ન્યાયાધિશના હિસાબે જુદી-જુદી ન હોઈ શકે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 26/11ને યાદ કરતા જણાવ્યું કે, તેમાં નિર્દોષ નાગરિકોનાં મોત થયા હતા. તેમનાં પરિવારોને કોઈ તકલીફ ન થાય તેની જવાબદારી આપણા સૌની છે. 


રાષ્ટ્રપતિએ મુખ્ય ન્યાયાધિશની કરી પ્રશંસા 
રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટના ચૂકાદાની નકલ હિન્દી ભાષામાં ઉપલબ્ધ કરાવા માટે મુખ્ય ન્યાયાધિશ રંજન ગોગોઈના પ્રયાસની પ્રશંસા કરતા જણાવ્યું કે, તેઓ આશા રાખે છે કે હાઈકોર્ટ પણ આગામી વર્ષ સુધીમાં તેના ચૂકાદા સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરાવી દેશે. રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, રાજકીય ન્યાય માત્ર નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણી તથા તમામ મતાધિકાર આપવાથી પૂરો થઈ જતો નથી. ચૂંટણી પ્રચારના ખર્ચમાં પારદર્શક્તા લાવવી પણ એક રાજકીય ન્યાયનું ઉદાહરણ છે, જેના માટે સરકાર પ્રયાસ કરી રહી છે. 



26/11ની ઘટના યાદ કરાઈ
દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બંધારણ દિવસના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત 26/11ના રોજ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ આપવાથી થઈ. સુપ્રીમ કોર્ટે જસ્ટિસ મદન બી. લોકુરે 26/11ના આતંકવાદી હુમલાને યાદ કર્યો હતો. મુંબઈના હુમલાને યાદ કરતા લોકુરે જણાવ્યું કે, ત્યાર બાદ આપણે વધુ જાગૃત અને સતર્ક રહેવાની જરૂર છે. 


1.3 અબજ લોકોની ઉજવણી 
જસ્ટિસ લોકુરે જણાવ્યું કે, બંધારણ દિવસ 1.3 અબજ લોકોની ઉજવણી છે. તેમણે જણાવ્યું કે, બંધારણ માત્ર લોકોનો અવાજ જ બનતું નથી, લિંગ, ધર્મ વગેરેથી અલગ બંધારણ લોકોને સંરક્ષણ પણ આપે છે.