નવી દિલ્હી: કોરોનાના દર્દીઓના ઉપચારને લઈને દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચે ફરીથી એકવાર તણાવ જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરા્જયપાલ પર દિલ્હીવાળાઓ માટે ખુબ મોટી સમસ્યા અને પડકાર પેદા કરવાનો આરોપ લગાવ્યો છે. આ બધા વચ્ચે ઉપરાજ્યપાલના નિર્ણય બાદ ભાજપને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધવાની તક મળી ગઈ છે. ભાજપ પહેલેથી અરવિંદ કેજરીવાલ સરકારના આ નિર્ણયને નાગરિકોના અધિકારો વિરુદ્ધ ગણાવતા તેને રદ કરવાની માંગણી કરી રહ્યો હતો. આવામાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દ્વારા આ આદેશ પર રોક લગાવવામાં આવ્યા બાદ હવે ભાજપ કેજરીવાલ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલ મંત્રીમંડળે દિલ્હીની હોસ્પિટલોમાં ફક્ત દિલ્હીના કોરોના દર્દીઓની સારવારનો નિર્ણય લીધો હતો. જો કે 24 કલાકથી પણ ઓછા સમયમાં દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હી સરકારના આ નિર્ણયને પલટી નાખ્યો. ઉપરાજ્યપાલે પોતાના આદેશમાં દિલ્હી સરકારના નિર્ણયને પલટતા કહ્યું કે સમગ્ર દેશમાં ક્યાંય પણ રહેતી વ્યક્તિ દિલ્હીમાં કોરોનાની સારવાર કરાવી શકે છે. 


AAP Vs BJP
ત્યારબાદ ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષે ઉપરાજ્યપાલના નિર્ણય પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે ભાજપ પહેલેથી આ નિર્ણયને રદ કરવાની માગણી કરતો હતો. જે પ્રકારે નિષ્ફળતાથી બચવા માટે કેજરીવાલ સરકારે બહારના લોકોની સારવાર કરવાની ના પાડી અને પછી અસિમ્પટોમેટિક કેસના કોરોના ટેસ્ટ કરવા ઉપર પણ રોક લગાવી આ બંને આદેશોને ઉપરાજ્યપાલે રદ કરી નાખ્યા છે. જેનાથી જનતાને ખુબ રાહત મળશે. હું સીએમને અપીલ કરવા માંગુ છું કે તેઓ ગ્રાઉન્ડસ્તર પર કામ કરે. જેનાથી લોકોની સારવાર થાય. જેનાથી લોકોની અંદરનો ડર અને ભયનો માહોલ ખતમ થઈ શકે. 


ભાજપના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ આદેશકુમાર ગુપ્તાએ કહ્યું કે સારી સ્વાસ્થ્ય સેવા દરેક નાગરિકનો અધિકાર છે અને રાજ્ય સરકારનું કર્તવ્ય છે. કોઈ પણ રાજ્ય સરકાર કોઈ નાગરિક સાથે ભેદભાવ કરી શકે નહીં. 


આ બાજુ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ આ બદલ ભાજપને જવાબદાર ઠેરવ્યું છે. આ સાથે જ તેમણે ઉપરાજ્યપાલ ઉપર દબાણમાં કામ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ કહ્યું કે ભાજપની રાજ્ય સરકારો પીપીઈ કિટ કૌભાંડ અને વેન્ટિલેટર કૌભાંડમાં વ્યસ્ત છે. દિલ્હી સરકાર સમજી વિચારીને ઈમાનદારીથી ડિઝાસ્ટરને મેનેજ કરવાની કોશિશ કરી રહી છે, તે ભાજપથી જોવાતું નથી. આથી તેણે ઉપરાજ્યપાલ પર દબાણ સર્જીને છીછરી રાજનીતિ કરી છે. 


આ બાજુ ઉપરાજ્યપાલના આ નિર્ણય પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે એલજી સાહેબના આદેશે દિલ્હીના લોકો માટે ખુબ મોટી સમસ્યા અને પડકાર પેદા કર્યો છે. દેશભરમાંથી આવનારા લોકો માટે કોરોના મહામારી દરમિયાન સારવારની વ્યવસ્થા કરવી મોટો પડકાર છે. કદાચ ભગવાનની આ જ મરજી છે કે અમે આખા દેશની સેવા કરીએ. અમે બધાની સારવારની વ્યવસ્થા કરવાની કોશિશ કરીશું. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube