ક્યાં અને કેવી રીતે ખર્ચ થશે 20 લાખ કરોડનું પેકેજ? આજે જણાવશે નાણા મંત્રાલય
કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ પેકેજથી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર દોડવા લાગશે. આ આર્થિક પેકેજનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે તે વાતની જાણકારી બુધવારે નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવશે.
નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી. તેમણે કહ્યું કે આ પેકેજથી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર દોડવા લાગશે. આ આર્થિક પેકેજનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થશે તે વાતની જાણકારી બુધવારે નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવશે.
અત્રે જણાવવાનું કે મંગળવારે પીએમ મોદીએ કોરોના કાળમાં આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલી દેશની ઈકોનોમીને બુસ્ટ કરવા માટે 20 લાખ કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી. પીએમ મોદીએ કહ્યું કે 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ ભારતની જીડીપીના લગભગ 10 ટકા છે. જેના દ્વારા દેશના વિભિન્ન વર્ગો અને આર્થિક કડીઓને જોડવામાં બળ મળશે. 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ 2020માં દેશની વિકાસ યાત્રાને આત્મનિર્ભર ભારત અભિયાનને એક નવી ગતિ આપશે.
આ બાજુ પીએમ મોદીની જાહેરાતની સાથે જ વિપક્ષ તરફથી પ્રતિક્રિયાઓ પણ આવવા માંડી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે આજે ભારત માતા રડી રહી છે. પીએમ મોદીના સંબોધન દરમિયાન જ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વિટ કરીને કહ્યું કે આજે ભારત માતા રડી રહી છે. રાહુલ ગાંધીએ માગણી કરી કે પીએમ મોદી રસ્તાઓ પર ચાલી રહેલા આપણા હજારો લાખો શ્રમિક ભાઈઓ બહેનોને તેમના ઘરો સુધી સુરક્ષિત પહોંચાડવા માટે વ્યવસ્થા કરે. આ સાથે જ સંકટ સમયે સહારો આપવા માટે તે તમામના ખાતામાં ઓછામાં ઓછા 7500 રૂપિયા સીધા ટ્રાન્સફર કરે.
જો કે કોંગ્રેસના નેતા સચિન પાઈલટે પીએમ મોદીના આ પેકેજના વખાણ કર્યાં. પીએમ મોદી તરફથી અપાયેલા 20 લાખ કરોડના પેકેજથી રાજ્યોનું સમસ્યાઓનું નિવારણ થશે તેવા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેના પર હાલ કઈ પણ કહેવું ઉતાવળ રહેશે. પૈસાનો ઉપયોગ કેવી રીતે થશે તેના પર કઈ પણ બોલવું ઉતાવળ કહેવાશે.