`મિશન શક્તિ` અંગે પીએમ મોદીના સંબોધન સામે CPMએ ઉઠાવ્યા સવાલ, ચૂંટણી પંચને લખ્યો પત્ર
સીપીએમ દ્વારા ચૂંટણી પંચને પત્ર લખીને પુછ્યું છે કે, શું વડા પ્રધાન દ્વારા દેશને સંબોધિત કરવા અંગે ચૂંટણી પંચને પહેલાથી માહિતી આપવામાં આવી હતી
નવી દિલ્હીઃ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા દ્વારા એન્ટી સેટેલાઈટ મિસાઈલના સફળ પ્રયોગ અંગેની માહિતી આપવા માટે વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા દેશને સંબોધન સામે સવાલ ઉઠાવાયો છે. તેમણે ચૂંટણી પંચને પત્ર લખીને પુછ્યું છે કે, ચૂંટણી દરમિયાન આ ઉપલબ્ધિનો 'રાજકીય લાભ' લેવા માટે તેમને શા માટે મંજૂરી આપવામાં આવી?
સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ બુધવારે ચૂંટણી પંચને પત્ર લખીને જણાવ્યું છે કે, આ પ્રકારના અભિયાનની દેશ-દુનિયાને માહિતી સામાન્ય રીતે સંબંધિત વૈજ્ઞાનિક સંસ્થા દ્વારા જ આપવામાં આવતી હોયચે. તેના બદલે વડાપ્રધાને તેના માટે દેશને સંબોધિત કરવાનો માર્ગ અપનાવ્યો હતો.
આ જાહેરાત ચૂંટણીની આચારસંહિતાનું ઉલ્લંઘન
યેચુરીએ વડાપ્રધાન દ્વારા આ ઉપલબ્ધીને જાહેર કરવા સામે સવાલ ઉઠાવતા જણાવ્યું કે, ચૂંટણી દરમિયાન જ્યારે વડાપ્રધાન પોતે ઉમેદવાર છે ત્યારે આ પ્રકારની જાહેરાત ચૂંટણીની આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. તેમણે ચૂંટણી પંચને પુછ્યું છે કે, શું વડાપ્રધાન દ્વારા દેશને સંબોધિત કરવા અંગે ચૂંટણી પંચને અગાઉથી જાણ કરાઈ હતી?
DRDOએ બહાર પાડ્યો 'મિશન શક્તિ'નો વીડિયો, જૂઓ કેવી રીતે તોડી પાડ્યું સેટેલાઈટ
તેમણે ઉપગ્રહ રોધી મિસાઈલ ASATના સફળ પ્રયોગ માટે DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું કે, આ ટેક્નોલોજીનો 2012માં જ વિકાસ કરી લેવાયો હતો. જેની જાહેરાત તત્કાલિન ડીઆરડીઓ પ્રમુખે પણ કરી હતી.
અંતરિક્ષ ક્ષેત્રે ભારત બન્યું વિશ્વની ચોથી મહાસત્તાઃ 10 મુદ્દામાં જાણો 'મિશન શક્તિ'
વિરોધ પક્ષે પીએમ પર લગાવ્યો રાજનીતિ કરવાનો આરોપ
સીપીએમ ઉપરાંત દેશના અન્ય રાજકીય પક્ષોએ પણ 'મિશન શક્તિ'ની સફળતા માટે DRDOના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવવાની સાથે આરોપ લગાવ્યો કે, વડા પ્રધાન મોદી આ મુદ્દે રાજનીતિ કરી રહ્યા છે.
શા માટે LEOમાં જ જાસુસી સેટેલાઈટ છોડવામાં આવે છે? મિશન શક્તિનો અર્થ શું છે?
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, "અતિસુંદર DRDO. તમારા કાર્ય પર અમને ગર્વ છે." ત્યાર પછી તેમણે વડાપ્રધાન મોદી દ્વારા રાષ્ટ્રને નામ સંબોધન અંગે કટાક્ષ કરતા જણાવ્યું કે, 'હું વડાપ્રધાનને રંગમંચ દિવસના અભિનંદન પાઠવવા માગું છું.'
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના નેતા મમતા બેનરજીએ દાવો કર્યો કે, મિશન શક્તિની જાહેરાત વડા પ્રધાન મોદીનું વધુ એક નાટક અને પ્રચારની રીત છે.
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ મિશન શક્તિ અંગે ડીઆરડીઓના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ બેરોજગારી, કૃષિ સંકટ અને મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પરથી ધ્યાન દૂર કરવા માટે ટીવી પર આવીને જાહેરાત કરી છે.