અંતરિક્ષ ક્ષેત્રે ભારત બન્યું વિશ્વની ચોથી મહાસત્તાઃ 10 મુદ્દામાં જાણો 'મિશન શક્તિ'

વડાપ્રધાને ભારતીય અંતરિક્ષ વૈજ્ઞાનિકો દ્વારા મેળવવામાં આવેલી આ ઉપલબ્ધી બાદ જણાવ્યું કે, ભારત દ્વારા જે પ્રયોગ કરાયો છે તે દેશની સુરક્ષા માટે છે અને તેનો ઉપયોગ કોઈ દેશના વિરુદ્ધમાં કરાયો નથી 
 

અંતરિક્ષ ક્ષેત્રે ભારત બન્યું વિશ્વની ચોથી મહાસત્તાઃ 10 મુદ્દામાં જાણો 'મિશન શક્તિ'

નવી દિલ્હીઃ બુધવારે બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કરતા જણાવ્યું કે, "આજનો દિવસ ભારત માટે ઐતિહાસિક છે. ભારત અંતરિક્ષ મહાસત્તાઓની એલીટ ક્લબમાં સામેલ થઈ ગયું છે. ભારતે એન્ટી સેટેલાઈટ મિસાઈલ(ASAT)નો ઉપયોગ કરીને લો અર્થ ઓબ્રિટ (પૃથ્વીની નિચલી ભ્રમણકક્ષા)માં રહેલા ઉપગ્રહને તોડી પાડ્યો છે."

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, "'મિશન શક્તિ'ની સફળતાની સાથે જ ભારત હવે અમેરિકા, રશિયા અને ચીન પછી અંતરિક્ષ ક્ષેત્રે વિશ્વની ચોથી મહાસત્તા બની ગયું છે. અગાઉ માત્ર આ દેશો જ એન્ટી-સેટેલાઈટ મિસાઈલ ધરાવતા હતા. ભારત દ્વારા જે પ્રયોગ કરાયો છે તે દેશની સુરક્ષા માટે છે અને તેનો ઉપયોગ કોઈ દેશના વિરુદ્ધમાં કરાયો નથી."

વડાપ્રધાનના દેશને સંબોધન બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા 'મિશન શક્તિ'ને 10 મુદ્દામાં સમજાવ્યું હતું. જાણો એ 10 મુદ્દા કયા છે?...

1. આ પરીક્ષણનું નામ શું હતું અને કેવા પ્રકારનું હતું?
ભારતે 'મિશન શક્તિ' સફળતા પૂર્વક પાર પાડ્યું છે. આ મિશનમાં ડો. એ.પી.જે. અબ્દુલ કલામ આઈલેન્ડ પર આવેલા લોન્ચપેડ પરથી બુધવારે એક એન્ટી સેટેલાઈટ મિસાઈલ છોડવામાં આવી હતી અને તેના દ્વારા લો અર્થ ઓર્બિટ (LEO)માં ભ્રમણ કરતા લાઈવ સેટેલાઈટને માત્ર 3 મિનિટમાં તોડી પડાયો હતો. ભારતની ડીફેન્સ રિસર્ચ ડેવલપેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા આ મિસાઈલ બનાવાઈ હતી. આ મિસાઈલની ટેક્નોલોજી સંપૂર્ણપણે સ્વદેશી પદ્ધતિથી બનાવાઈ છે. આ મિશનની સાથે જ ભારત અંતરિક્ષ ક્ષેત્રે અમેરિકા, રશિયા અને ચીનની હરોળમાં આવી ગયું છે. 

2. કયા સેટેલાઈટનો ઉપયોગ કરાયો હતો?
આ મિશન પાર પાડવા માટે ભારતીય સેટેલાઈટનો જ ઉપયોગ કરાયો હતો. 

3. કઈ મિસાઈલનો ઉપયોગ કરાયો હતો? 
Low Earth Orbit (LEO)ની ભ્રમણકક્ષામાં ફરતા સેટેલાઈટને તોડી પાડવા માટે 'બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ ઈન્ટરસેપ્ટર ઓફ ડીઆરડીઓ'નો ઉપયોગ કરાયો હતો. તેને સાદી ભાષામાં 'એન્ટી સેટેલાઈટ મિસાઈલ' (ASAT) કહેવામાં આવે છે. તેની ટેક્નોલોજી સંપૂર્ણ સ્વદેશી છે. 

4. ASAT ક્ષમતા બતાવવા માટે 'ફ્લાય બા ટેસ્ટ' અને જામિંગ જેવા અન્ય રસ્તા પણ છે. પછી ભારતે શા માટે 'કાઈનેટિક કીલ' ટેક્નોલોજીનો જ ઉપયોગ કર્યો?
ભારતે આ ટેક્નોલોજીનો વિકાસ કરવાની ક્ષમતા હાંસલ કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે, અંતરિક્ષ ક્ષેત્રે સતત નવી ટેક્નોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. ડીઆરડીઓ દ્વારા જે ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો છે તે 'મિશન શક્તિ'નો હેતુ સિદ્ધ કરવા જ બનાવાઈ છે. 

મિશન શક્તિ: ભારતે હાંસલ કરી મોટી સિદ્ધિ, અંતરીક્ષમાં 3 જ મિનિટમાં LIVE સેટેલાઈટ તોડી પાડ્યો

5. શું આ પ્રયોગથી અંતરિક્ષમાં કચરો એક્ઠો થશે?
આ ટેસ્ટ પૃથ્વીની નિચલી ભ્રમણકક્ષામાં કરવામાં આવ્યો છે, એટલે તેનાથી અંતરિક્ષમાં કોઈ કચરો એક્ઠો નહીં થાય. સેટેલાઈટ તોડી પાડવાના કારણે જે કચરો પેદા થયો હશે તે એક સપ્તાહના અંદર પૃથ્વી પર પડી જશે. 

6. ભારતે આ પરીક્ષણ શા માટે કર્યું? 
કેન્દ્ર સરકારે આ પરીક્ષણ કરવાની મંજૂરી એ ચકાસવા માટે આપી હતી કે, ભારત તેની અંતરિક્ષમાં રહેલી સંપત્તિઓની સુરક્ષા કરવામાં સક્ષમ છે કે નહીં? અંતરિક્ષમાં રહેલા ભારતીય હીતોની સુરક્ષા કરવી એ પણ ભારત સરકારની જવાબદારીમાં આવે છે. 

7. આ પરીક્ષણ અત્યારે શા માટે કરવામાં આવ્યું?
DRDOને જ્યારે સંપૂર્ણ ખાતરી થઈ ગઈ કે તેઓ આ પરીક્ષણ સંપૂર્ણ સફળતા સાથે પાર પાડી શકશે ત્યારે તેણે મંજૂરી આપી હતી. આ મિશન દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલું હતું. ઉલ્લેખનીય છે કે, ભારતે 2014 પછી અંતરિક્ષ વિકાસ કાર્યક્રમમાં તેજી લાવી છે. 

8. શું ભારત અંતરિક્ષ ક્ષેત્રે હથિયારોની સ્પર્ધામાં જોડાયું છે? 

અંતરિક્ષ ક્ષેત્રે હથિયારોની સ્પર્ધામાં સામેલ થવાનો ભારતનો કોઈ ઈરાદો પણ નથી કે ઈચ્છા પણ નથી. ભારત અંતરિક્ષનો શાંતિપૂર્ણ ઉપયોગ કરવા પ્રત્યે કટિબદ્ધ છે. ભારત સરકાર અંતરિક્ષ ક્ષેત્રના હથિયારિકરણની તદ્દન વિરોધમાં છે. ભારત માને છે કે અંતરિક્ષ ક્ષેત્રે માનવજાતનો અમૂલ્ય વારસો છે. આ ઉપરાંત, ભારત અંતરિક્ષ ક્ષેત્ર સાથે સંબંધિત નીચેના વિવિધ આંતરરાષ્ટ્રીય કરારો સાથે બંધાયેલું છે. 

  • ટ્રાન્સપરન્સી એન્ડ કોન્ફિડન્સ બિલ્ડિંગ મેઝર્સ (TCBM)
  • યુએન સ્પેસ મિટિગેશન ગાઈડલાઈન્સ
  • ઈન્ટર-એજન્સી સ્પેસ ડેબ્રીસ કો-ઓર્ડિનેશન (IADC)
  • સ્પેસ ઓબ્જેક્ટ પ્રોક્સિમિટી એવેરનેસ (SOPA)
  • કોલાઈઝન એવોઈન્ડન્સ (COLA)
  • વિવિધ આંતરરાષ્ટ્રીય સહકાર પ્રવૃત્તિઓ 
  • અંતરિક્ષ ક્ષેત્રે હથિયારોની તૈનાતી અંગેનો UNGA 69/32 ઠરાવ 

અંતરીક્ષનો એ વિસ્તાર LEO... જ્યાં ભારતે ઝળહળતી સફળતા મેળવી દુનિયાને સ્તબ્ધ કરી

9. અંતરિક્ષ ક્ષેત્રે હથિયારો અંગેનો આંતરરાષ્ટ્રીય કાયદો શું છે? 
અંતરિક્ષ ક્ષેત્રે અંગે 1967માં 'આઉટર સ્પેસ ટ્રીટી' નામનો કરાર કરાયો હતો અને ભારતે આ કરાર પર હસ્તાક્ષર કરેલા છે. આ કરારમાં અંતરિક્ષ ક્ષેત્રે સામુહિક વિનાશના હથિયારોના ઉપયોગ પર પ્રતિબંધ છે, સામાન્ય હથિયારોના ઉપયોગ પર નહીં. ભારતે આ પરીક્ષણ કરીને એક પણ આંતરરાષ્ટ્રીય કાયદા કે કરારનો ભંગ કર્યો નથી જેમાં તે સામેલ હોય અથવા કોઈ રાષ્ટ્રના ઉપકાર હેઠળ દબાયેલો હોય.

10. શું આ પરીક્ષણ કોઈ દેશની વિરુદ્ધમાં કરાયું હતું?
આ પરીક્ષણ કોઈ દેશની વિરુદ્ધમાં કરાયું ન હતું. ભારત સરકરા દેશની રાષ્ટ્રીય સુરક્ષા, તેને સંબંધિત હિતો અને નવી ટેક્નોલોજીના વિકાસની સાથે પેદા થયેલા જોખમોનો સામનો કરવા માટે કટિબદ્ધ છે. એન્ટી સેટેલાઈટ મિસાઈલ પરીક્ષણ ભારતને લાંબા અંતરની મિસાઈલોની વધતી જતી સ્પર્ધામાં સુરક્ષા પુરી પાડે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news