અરબ સાગરમાંથી ઉદભવેલું વાવાઝોડું બિપરજોય હવે ઝડપથી ગુજરાતના  કાંઠા વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. અરબ સાગરને અડીને આવેલા રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ વગેરેમાં તેની અસર પણ જોવા મળી રહી છે. પહેલા કેરળ, કર્ણાટક અને ગોવા બાદ મહારાષ્ટ્રમાં અનેક ઠેકાણે અને ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છના તટો પર પવન ફૂંકાઈ રહ્યો છે અને કેટલેક ઠેકાણે વરસાદ પડી રહ્યો છે. જામનગર, મુંબઈમાં હાઈ ટાઈડ જોવા મળી રહ્યા છે. જેને જોતા આ રાજ્યોના કાંઠા વિસ્તારોમાં હાઈ અલર્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની કેટલે નજીક પહોંચ્યું વાવાઝોડું
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ બિપરજોય વાવાઝોડું 12-13 મધરાતે અઢી વાગે પોરબંદરથી 290 કિમિ , દેવભૂમિ દ્વારકાથી 300 કિમિ , જખૌ થી 360 કિમિ અને નલિયા થી 370 કિમિ દૂર છે. 13 થી 15 જૂન દરમ્યાન દરિયાઈ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ બધા વચ્ચે હજુ પણ એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે કે વાવાજોડું બિપરજોય થોડા સમય પહેલા ગુજરાતની હચમચાવી નાખનારા તૌકતે વાવાઝોડા જેટલી જ તારાજી સર્જે તેવી શક્યતા છે. વર્ષ 2021માં આવેલું તૌકતે નામનું વાવાઝોડું ગુજરાતમાં 11 હજાર કરોડનું નુકસાન કરી ગયું હતું. IMDના જણાવ્યાં મુજબ બિપરજોય સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠા વિસ્તારોથી 15 જૂનના રોજ પસાર થઈ શકે છે. 


Live Tracker માં આ રીતે જુઓ પળેપળની અપડેટ
ગુજરાત તરફ આગળ વધી રહેલા બિપરજોય વાવાઝોડાની લાઈવ ટ્રેકરમાં મૂવમેન્ટ જોવા માટે અહીં આપેલી લિંક પર ક્લિક કરો. બિપરજોય વાવાઝોડાને ટ્રેક કરવા માટે Live Tracker. 


અસર શરૂ
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે બિપોરજોય વાવાઝોડાની સીધી અસર જોવા મળી રહી છે. દરિયાના આ ભાગોમાં હવે વાવાઝોડાનું તાંડવ શરૂ થઈ ગયું છે. ભારે ગતિ ગતિ સાથે પવન ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. તો અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 62 તાલુકામાં વરસાદ પડ્યો છે. વેરાવળ પંથકમા 10 ઈચ જેટલો ભારે વરસાદ ખાબકતા નજીકના તાતીવેલા ડાભોરની દેવકા નદીમાં પ્રથમ વરસાદે જ ઘોડાપૂર આવ્યું છે. તો સૌથી વધુ સુત્રાપાડા અને વેરાવળમાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો. આજે પણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. 



પોરબંદરમાં જમીન ઘસતા એકનુ મોત 
વેરાવળમાં છેલ્લા એક જ દિવસમાં 10 ઈચ જેટલો ભારે વરસાદ પડતા વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં નાળિયેરીના પાકોને ભારે નુકસાન જોવા મળ્યું છે. બગીચાઓ બેટ બન્યા, તો ભારે પવનથી અનેક નાળિયેરીના ઝાડ જમીન દોસ્ત થયા છે. પોરબંદરમાં ભારે વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા છે. ચોપાટી ગેટથી એનએફસી તરફ જવાના રોડ પર વરસાદ બાદ પાણી ભરાયા છે. પોરબંદરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. વાવાઝોડા બિપોરજોયના કારણે ફૂંકાઈ રહેલા ભારે પવનના કારણે મકાન ધરાશાયી થયું છે.



આ વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા
હવામાનની આગાહી કરનારી ખાનગી એજન્સી સ્કાઈમેટના જણાવ્યાં મુજબ મહુવા, પોરબંદર, ઓખા, દીવ, સોમનાથ, જામનગર, દ્વારકા વગેરે કાંઠા વિસ્તારોમાં તથા ભૂજ, માંડવી, નલીયા વગેરે સ્થળોએ ભારે વરસાદ કે મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. 


ચક્રવાતી તોફાન જેમ જેમ આગળ વધી રહ્યું છે તેમ તેમ પવન ઝડપથી ફૂંકાશે. જેના કારણે ઝાડ પડવાની અને વીજળી અને ફોન લાઈનોને નુકસાન થવાની પણ  ભીતિ છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. 


અમદાવાદમાં કન્ટ્રોલ રૂમ ઉભો કરાયો 
બીપારજોય વાવાઝોડાને લઇ અમદાવાદના પાલડી ખાતે AMC દ્વારા કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે. તમામ સ્ટાફને એલર્ટ કરી દેવાયો છે. એસ્ટેટ, ઈજનેર,  ફાયર,  ટોરેન્ટ પાવરનો સ્ટાફ કંટ્રોલ રૂમમાં 24/7 હાજર રહેશે. ત્રણ શિફ્ટમાં 100 જેટલો સ્ટાફ કંટ્રોલ રૂમમાં તૈનાત કરવામાં આવ્યો છે. મુશ્કેલીના સમયે પાલડી કંટ્રોલ રૂમનો સંપર્ક  કરવા ચાર નંબર જાહેર કરવામાં આવ્યા છે. 9726416167, 6359961867, 6359961868, 6359961870 નંબર ઉપર સંપર્ક કરી શકાશે. 



જામનગરમાં વાવાઝોડાની અસરના પગલે આજ સવારથી જ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જામનગર મનપા દ્વારા આજે શહેરમાં પ્રભાવિત થનાર લોકોનું સ્થળાંતર કરાશે. દરિયા કાંઠાથી નજીકના વિસ્તારમાં રહેતા આશરે 5000 લોકોનું સ્થળાંતર કરવામાં આવશે. NDRF ની બીજી ટીમ આજે જામનગર આવી પહોંચશે.