Cyclone Fengal Latest Update: ઘરમાં જ રહેજો! આજનો દિવસ `ખતરનાક`; વાવાઝોડું ત્રાટકશે અને તબાહી મચાવશે, 7 રાજ્યો માટે ચેતવણી, શાળા-કોલેજો બંધ
ચક્રવાતી તોફાન ફેંગલ આજે લેન્ડફોલ કર્યા બાદ 7 રાજ્યોમાં તબાહી મચાવી શકે છે. આથી શાળા કોલેજો બંધ રાખવામાં આવ્યા છે. લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ અપાઈ છે. જાણો તોફાનના લેટેસ્ટ અપડેટ....
દેશના 7 રાજ્યો માટે આજનો દિવસ ખતરનાક સાબિત થઈ શકે છે. કારણ કે બંગાળની ખાડીમાં ઉઠેલું ચક્રવાતી તોફાન ફેંગલ આજે તબાહી મચાવવા માટે તૈયાર છે. આજે તોફાન પુડુચેરીના કરાઈકલ અને તમિલનાડુના મહાબલીપુરમ વચ્ચે સમુદ્ર તટે ટકરાય તેવી પૂરી શક્યતા છે. જેની અસરથી કેરળ, તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગણા અને આંદામાન નિકોબાર ટાપુઓમાં લગભગ 100 કિમી પ્રતિ કલાકનીઝ ડપે પવન ફૂંકાય તેવી વકી છે અને ભારે વરસાદની પણ શક્યતા છે.
હવામાન વિભાગે આ રાજ્યો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ છે. આજે તમિલનાડુ અને પુડુચેરીની શાળા કોલેજો બંધ રહેશે. અત્રે જણાવવાનું કે ચોમાસાની સીઝન પૂરી થયા બાદ ભારતને પ્રભાવિત કરનારું આ બીજું તોફાન છે. આ અગાઉ ઓક્ટોબરના આખરી દિવસોમાં દાના વાવાઝોડું આવ્યું હતું. જેણે ઓડિશા અને મહારાષ્ટ્રમાં તબાહી મચાવી હતી. હવે નવેમ્બર મહિનામાં સાઈક્લોન ફેંગલ તબાહી મચાવવા માટે તૈયર છે. તમામ 7 રાજ્યો હાલ હાઈ એલર્ટ પર છે.
તોફાનને પહોંચી વળવા માટે તૈયારીઓ
તમિલનાડુ અને પુડુચેરીની સરકારોએ હવામાન વિભાગના એલર્ટને જોતા આજે 30 નવેમ્બરના રોજ શાળા કોલેજો બંધ રાખવાના આદેશ આપ્યા છે. રાજ્યભરમાં રહાત શિબિરો બનાવવામાં આવ્યા છે. ચેન્નાઈ, તિરુવલ્લૂર, કાંચીપુરમ અને ચેંગલપટ્ટુ જિલ્લાઓમાં શાળા કોલેજો બંધ રહેશે. આ શહેરોમાં કોઈ પરીક્ષા નહીં થાયકે કોઈ કોચિંગ ક્લાસ ચાલુ નહી રહે. તમિલનાડુ સરકારે 30 નવેમ્બરની બપોરથી ઈસ્ટ કોસ્ટ રોડ (ECR) અને ઓલ્ડ મહાબલીપુરમ રોડ (OMR) સહિત મુખ્ય રસ્તાઓ પર જાહેર પરિવહન સેવાઓને બંધ કરી છે. જે માર્ગો દરિયા કાંઠા નજીકથી પસાર થાય છે તે અસ્થાયી રીતે બંધ રહેશે.
સરકારે આઈટી કંપનીઓને સલાહ આપી છે કે તેઓ કર્મચારીઓને 30 નવેમ્બર સુધી ઘરેથી કામ કરવાની મંજૂરી આપે. જેથી કરીને ચક્રવાત ફેંગલ ત્રાટકે ત્યારે લોકોને નુકસાનથી બચાવી શકાય. તમિલનાડુ રાજસ્વ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે રાજ્યભારમાં 2229 રાહત શિબિરો બનાવ્યા છે. સ્થાનિક અધિકારીઓએ સંભવિત પૂરની આશંકાના પગલે ચેન્નાઈ, કુડ્ડાલોર અને મયિલાદુથુરાઈમાં મોટરપંપ, જનરેટર અને બોટ સહિત જરૂરી સાધનોને તૈનાત કર્યા છે.
NDRF તૈનાત અને હેલ્પલાઈન નંબર જારી
મીડિયા રિપોર્ટ મુજબ તોફાન પ્રભાવિત લોકોની મદદ માટે ઈમરજન્સી ટોલ ફ્રી નંબર 112 અને 1077 રાખવામાં આવ્યા છે. સંકટ કોલ માટે એક વોટ્સએપ નંબર (9488981070) જારી કરાયો છે. NDRF અને SDRFની ટુકડીઓ તૈનાત કરાઈ છે. તોફાની પવન અને સમુદ્રમાં ઉઠી રહેલી ઊંચી લહેરોને જોતા અધિકારીઓએ માછીમારીને દરિયામાં ન જવાની સલાહ આપી છે.
ભારે પવનથી થનારા સંભવિત જોખમને ઘટાડવા માટે તમિલનાડુ સરકારે પડનારી વસ્તુઓ ક્રેન અને અન્ય મશીનોને જમીન પર ઉતારી દીધા છે. બિલબોર્ડ અને જાહેરાતોના હોર્ડિંગ્સ મજબૂત કરાયા છે અથવા હટાવવામાં આવ્યા છે. હવામાન વિભાગે આગામી 3 ડિસેમ્બર સુધી ચક્રવાતી તોફાનના પ્રભાવથી તમિલનાડુના અંતરના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આંધી તોફાન સાથે વીજળી ચમકી શકે છે.