ભયાનક ગતિથી ટકરાયું વાવાઝોડું મિચૌંગ, આ રાજ્યો પાણીમાં ડૂબ્યાં, આ VIDEO તમારા હોંશ ઉડાવી દેશે!
Cyclone Michaung on Chennai city: દેશ પર જાણે વાવાઝોડાના ખતરા ઓછા થવાનું નામ જ નથી લઈ રહ્યા, એક વાવાઝોડુ જાય ત્યાં બીજુ વાવાઝોડું આવીને ઉભું જ હોય છે. બિપરજોય વાવાઝોડાની તમાહીમાંથી લોકો હજુ બહાર જ નીકળ્યા છે ત્યાં હવે દેશ પર મિચૌંગ વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. બંગાળની ખાડીમાંથી ઉદ્દભવેલું તોફાન મિચૌંગ આખરે તામિલનાડુના તટિય વિસ્તારોમાં ટકરાઈ ગયું છે.
Cyclone Michaung: તમિલનાડુ અને આંધ્રપ્રદેશ પર આ વાવાઝોડાનો સૌથી વધુ ખતરો મંડરાઈ રહ્યો છે. તમિલનાડુના દરિયાઈ વિસ્તારમાં વાવાઝોડાની અસર દેખાવાની શરૂ પણ થઈ ચુકી છે. વાવાઝોડાની દસ્તકની સાથે જ મેઘરાજાએ પણ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આંધ્રપ્રદેશ સહિત તમિલનાડુના અનેક વિસ્તારોમાં મૂશળાધાર વરસાદ થઈ રહ્યો છે. ચેન્નઈમાં હાલ જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. ચેન્નઈના રસ્તા તો ઠીક એરપોર્ટ પણ પાણીમાં ડૂબી ચુક્યો છે. જેના કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પ્રભાવિત થઈ છે. હજુ તો વાવાઝોડા દરિયાકાંઠાથી દૂર છે. અને મંગળવાર બપોર સુધીમાં લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે.
મિચૌંગ વાવાઝોડું હજુ દરિયાકાંઠે પહોંચે તે પહેલા જ તેનું તાંડવ શરૂ થઈ ચુક્યુ છે. વાવાઝોડાની અસરના કારણે ચેન્નઈ સહિત તમિલનાડુના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થતાં જળભરાવની સ્થિતિ થઈ ગઈ છે. અમુક વિસ્તારોમાં તો નદીઓ વહેવા લાગતાં રસ્તામાં પાર્ક કરેલી અનેક કાર રમકડાની જેમ તણાવા લાગી છે.
વાવાઝોડાના તાંડવમાં ચેન્નઈની હાલત સૌથી વધુ ખરાબ છે. કારણ કે બે-ત્રણ દિવસથી થઈ રહેલા મૂશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ચેન્નઈનો વડાપલાની વિસ્તારો તો જાણે આખો પાણીમાં જળમગ્ન થઈ ચુક્યો છે. જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણીનું વર્ચસ્વ છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અનેક વાહનો પાણીમાં ડૂબી ચુક્યા છે. રસ્તા સહિત સોસાયટીઓ પણ પાણીના હવાલે થઈ ચુકી છે. સર્વત્ર પાણી પાણી થઈ જતાં લોકો ત્રાહિમામ પોકારી ચુક્યા છે.
સર્વત્ર જગ્યાએ પાણીએ ડેરો જમાવી દેતાં લોકોની હાલત કફોડી થઈ ચુકી છે. સમાન્ય જનતા તો ઠીક દર્દીઓને પણ હોસ્પિટલ સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. ચારે તરફ પાણી ભરાયેલા હોવાથી એમ્બ્યુલન્સને પણ હોસ્પિટલ સુધી પહોંચવા માટે ભારે જહેમત કરવી પડી રહી છે. હજુ તો વાવાઝોડા તમિલનાડુના દરિયાકાંઠાથી દૂર છે તેમ છતાં અત્યારથી જ દરિયાકાંઠા પર વાવાઝોડાની અસર વર્તાવાની શરૂઆત થઈ ચુકી છે. દરિયાના પાણી ધીમે ધીમે આગળ વધવા લાગ્યા છે. જેના કારણે માછીમારો પણ પોતાની બોટ બચાવવાના પ્રયાસમાં લાગી ગયા છે.
વાવાઝોડાની અસરના કારણે દરિયાના પાણી હવે બીચ પરના મકાનો સુધી પહોંચવા લાગ્યા છે. તમિલનાડુના પલ્લાવેરકારૂ બીચ પર આવેલી અનેક સોસાયટીઓ સુધી પાણી આવી ચુક્યા છે. અમુક જગ્યાએ તો ઘુંટણ સુધીના પાણી ભરાયા છે. સતત પાણી વધતાં હોવાથી હવે લોકોએ પણ સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત થવાનું શરૂ કરી દીધું છે.
વાવાઝોડાની અસરના પગલે ભારે પવન ફૂંકાવા લાગ્યા છે. ચેન્નઈના કોસ્ટલ વિસ્તારમાં નિર્માણાધિન મકાનની દીવાલ ભારે પવનના કારણે ધરાશાયી થઈ. આ બનાવમાં 2 લોકોના તો મોત થઈ ચુક્યા, જ્યારે એક વ્યક્તિને ગંભીર હાલતમાં સારવારમાં ખસેડાયો છે. વાવાઝોડાની અસરથી શરૂ થયેલા વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે. રેલવે સ્ટેશનો પર પાણી ભરાઈ જવાના કારણે અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે. જેમાં સોમવારે કેરળથી આવતી અને જતી 40 જેટલી ટ્રેન કેન્સલ કરાઈ છે, જ્યારે અનેક ટ્રેનોનો રૂટ પણ ટુંકાવી દેવાયો છે.
ચેન્નાઈનો કોઈપણ વિસ્તાર એવો નથી કે જ્યાં પાણી ન હોય, દરેક જગ્યાએ હાલ પાણી જ પાણી દેખાઈ રહ્યા છે. હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, તે છે ચેન્નઈનો વડપલ્લાની વિસ્તાર. વાવાઝોડાની અસરના કારણે હાલ આ વિસ્તાર પાણીથી જળમગ્ન છે. લોકોને પાણીની વચ્ચેથી નીકળીને નોકરી-ધંધા પર જવાની ફરજ પડી રહી છે. તો અનેક જગ્યાએ વાહનો બંધ થઈ જતાં લોકો પોતાના વાહનો મુકીને જ ઘરભેગા ચુક્યા છે. રિક્ષા હોય કે કાર હોય, દરેક વાહનો પાણીમાં ડૂબતા દેખાઈ રહ્યા છે.
રિક્ષા અને કાર જેવા વાહનો તો ઠીક બસ અને ટ્રક જેવા વાહનોને પણ પાણીમાંથી નીકળવા માટે મહેનત કરવી પડી રહી છે. વડપલ્લાની વિસ્તારમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સર્વત્ર પાણી પાણી થયા છે. અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. જેથી વાહનો પણ રસ્તા પર અટવાયા છે. રસ્તાઓ પર વાહનોનો ખડકલો થઈ જતાં ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ રહી છે.
મિચૌંગ વાવાઝોડાની અસર ચેન્નઈ સહિત તમિલનાડુના અનેક વિસ્તારોમાં દેખાવા લાગતા પવનની પણ ગતિ વધી ગઈ છે. જેના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવા લાગ્યા છે. માત્ર ચેન્નઈમાં જ અત્યાર સુધીમાં 50 જેટલી જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થયા છે. જેમાં સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિ થઈ નથી. હાલ તો 30-40 કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે. પરંતુ જેમ જેમ વાવાઝોડુ નજીક આવશે, તેમ તેમ વાવાઝોડાની ઝડપ 70થી 80 પ્રતિકલાક સુધી પહોંચવાની શક્યતા સેવાઈ રહી છે. દેશ પર એક બાદ એક આવી રહેલા વાવાઝોડા ભારે વિનાશ વેરી રહ્યા છે, ત્યારે આ મિચૌંગ વાવાઝોડું કેટલો વિનાશ વેરે છે, તે જોવાનું રહેશે.