Organ Donation in AIIMS Delhi: એક પિતા પોતાની દીકરીને યાદ કરતા કહ્યું મારી દીકરી તો આ દુનિયામાં રહી નથી પરંતુ અન્ય કોઈના બાળકોની સ્માઈલ છીનવાય નહીં. તેથી તેમણે દીકરીના અંગો દાન કરવા સંમતિ દર્શાવી છે. દિલ્હીના AIIMS ના ઇતિહાસમાં 5 વર્ષ 10 મહિનાની બાળકી અંગદાન કરનાર સૌથી નાની ડોનર બની છે. અંગ દાન બાદ તે દુનિયાને અલવિદા કહી ચૂકી છે પરંતુ 2 લોકોને નવું જીવન દાન આપ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 વર્ષની રોલીએ હજુ તો બરોબર દુનિયા પણ જોઈ ન હતી એવામાં માથા પર ગોળી વાગવાથી તેને દુનિયાને અલવિદા કહેવું પડ્યું, પરંતુ જતાં-જતાં પણ શરીરના અંગોનું દાન કરી ઇતિહાસ રચી ગઈ છે. રોલીએ દિલ્હીની એમ્સ હોસ્પિટલના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરમાં અંગ દાન કરી અન્ય બે લોકોને નવું જીવન આપી ગઈ છે. રોલીના પિતા હરિનારાણય પ્રજાપતિએ જણાવ્યું હતું કે, રોલી 27 એપ્રિલની સાંજે નોઈડા સેક્ટર 121 સ્થિત ઘરની બહાર રમી રહી હતી. પિતા ઘરમાં હતા અને માતા ઘરકામમાં વ્યસ્ત હતી. જો કે, તે દરમિયાન એકદમ ધડાકાનો અવાજ આવ્યો અને ત્યારબાદ રોલીના રડવાનો અવાજ સંભળાવવા લાગ્યો હતો.


રોલીના પિતા હરિનારાયણ ઘરની બહાર દોડીને ગયા તો જુએ છે કે રોલી લોહીલુહાણ પડી છે. જો કે, હરિનારાયણ રોલીને લઇને નોઈડાની સરકારી હોસ્પિટલ દોડ્યા હતા. સરકારી હોસ્પિટલમાંથી રોલીને દિલ્હી એમ્સમાં ખસેડવામાં આવી હતી. જ્યાં રોલીને દાખલ કર્યા બાદ તેના માથાનું સીટી સ્કેન કરવામાં આવતા જાણવા મળ્યું કે તેના માથામાં ગોળી વાગી છે અને બે હાડકા તૂટી ગયા છે. જો કે 5 વર્ષની રોલીની સારવાર કરી રહેલા એમ્સના ન્યુરોસર્જન ડો. દીપક ગુપ્તાએ જણાવ્યું કે, બાળકીને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવી ત્યારથી જ તેની સ્થિતિ ગંભીર હતી. બે દિવસ સુધી સતત રોલીની સારવાર કરવામાં આવી અને તપાસ પણ કરવામાં આવી. પરંતુ શુક્રવાર સવારે 11 વાગ્યાની આસપાસ રોલીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી હતી.


ડો. ગુપ્તાના જણાવ્યા અનુસાર રોલીના માતા-પિતા ગરીબ છે પરંતુ સમજદાર ઘણા છે. જ્યારે ડોક્ટર ગુપ્તાએ તેમને અંગ દાન કરવા વિશે જણાવ્યું તો પહેલા તેમણે ના પાડી હતી પરંતુ થોડા સમય પછી તેઓ માની ગયા હતા. ઝી ન્યુઝ સાથે વાત કરતા રોલીના પિતા હરિનારાયણ રડતા રડતા તેમની દીકરીની સ્માઈલને યાદ કરતા કહે છે કે તેમની હસમુખી દીકરી તો આ દુનિયામાંથી જતી રહી પરંતુ અન્ય કોઈના બાળકનું હાસ્ય છીનવાય નહીં તેથી તેમણે રોલીના અંગોને દાન કરવા પર પોતાની સંમતિ દર્શાવી છે.


પરિવારની મંજૂરી બાદ રોલીના લીવરને એપોલોમાં દાખલ બાળકના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને બંને કિડની એમ્સમાં જ દાખલ દર્દીને ટ્રાન્સપ્લાનટ કરવામાં આવી છે. આ ઉપરાંત રોલીના હાર્ટ વાલ્વ અને આંખોની કોર્નિયાને સુરક્ષિત કરવામાં આવી છે, જેના દ્વારા જરૂરિયાતમંદ લોકોની મદદ થઈ શકે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube