દિલ્હી: સીલમપુરમાં થયેલી હિંસા અને તોફાનોના આરોપી અબ્દુલ રહેમાનને AAPએ આપી ટિકિટ, ઉઠ્યા સવાલ
આમ આદમી પાર્ટીએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સીલમપુરમાં થયેલી હિંસા અને તોફાનોના આરોપી અબ્દુલ રહેમાનને સીલમપુરથી વિધાનસભા ટિકિટ આપી છે.
નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ સીલમપુરમાં થયેલી હિંસા અને તોફાનોના આરોપી અબ્દુલ રહેમાનને સીલમપુરથી વિધાનસભા ટિકિટ આપી છે. હાલ અબ્દુલ રહેમાન જાફરાબાદથી કોર્પોરેટર છે. અત્રે જણાવવાનું કે દિલ્હી પોલીસની એફઆઈઆરમાં અબ્દુલ રહેમાનનું નામ સામેલ છે. જો કે પોલીસે હજુ સુધી તેમની ધરપકડ કરી નથી. આ હિંસા 17 ડિસેમ્બરે થઈ હતી. એફઆઈઆર મુજબ અબ્દુલ રહેમાન ભીડનું નેતૃત્વ કરી રહ્યાં હતાં.
નોંધનીય છે કે વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. જ્યારે ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયા પટપડગંજથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. 46 સિટિંગ MLAને ટિકિટ અપાઈ છે. 15 સિટિંગ MLAને રિપ્લેસ કરાયા છે. આમ આદમી પાર્ટીમાંથી આ વખતે 8 મહિલાઓને પણ ટિકિટ અપાઈ છે. AAPએ તમામ મંત્રીઓને ફરીથી ટિકિટ આપી છે. 9 નવા ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત હાલમાં જ આપમાં સામેલ થયેલા કોંગ્રેસના નેતા મહાબલ મિશ્રાના પુત્ર વિનયને દ્વારકાથી ટિકિટ અપાઈ છે. નરેલાથી શરદ ચૌહાણ, બુરાડીથી સંજીવ ઝા, કિરાડીથી ઋતુરાજ ઝા અને માલવીય નગરથી સોમનાથ ભારતીને ટિકિટ અપાઈ છે.
અત્રે જણાવવાનું કે વર્ષ 2012માં આમ આદમી પાર્ટીની રચના બાદ પાર્ટી પ્રમુખ તરીકે અરવિંદ કેજરીવાલે પહેલીવાર 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટથી તત્કાલિન મુખ્યમંત્રી શીલા દિક્ષિતની સામે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તે વખતે દિલ્હીના રાજકારણમાં શીલા દિક્ષિત સામે ચૂંટણી લડવી એ મોટી વાત હતી. શીલા દિક્ષિત સતત ત્રણવાર દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતાં. આથી ચૂંટણીનો મુકાબલો રસપ્રદ હતો.
જુઓ LIVE TV
આ ચૂંટણીમાં કેજરીવાલે શીલા દિક્ષિતને 25,864 મતોથી હરાવ્યાં હતાં. જો કે ત્યારબાદ કોંગ્રેસ સાથે મળીને કેજરીવાલે દિલ્હીમાં સરકાર બનાવી હતી. આ સરકાર 49 દિવસ ચાલી અને ત્યારબાદ કેજરીવાલ જ્યારે દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ આવ્યાં તો કોંગ્રેસે તેમને સમર્થન ન આપ્યું અને આ બિલ પાસ થઈ શક્યું નહીં.
ત્યારબાદ કેજરીવાલે રાજીનામું આપી દીધુ અને પછી 2015માં દિલ્હીમાં ફરીથી વિધાનસભા ચૂંટણીમાં કેજરીવાલ આ બેઠકથી જ મેદાનમાં ઉતર્યા હતાં. આ વખતે તેમની સામે કોંગ્રેસે પૂર્વ મંત્રી પ્રોફેસર કિરણ વાલિયાને મેદાનમાં ઉતાર્યા હતાં તો ભાજપે દિલ્હી વિશ્વવિદ્યાલયના છાત્રસંઘના પૂર્વ અધ્યક્ષ નુપુર શર્માને ટિકિટ આપી. આ વખતે પણ કેજરીવાલ જીત્યા અને બીજીવાર દિલ્હીના સીએમ બન્યાં. તેમણે 31000થી વધુ મતોથી નુપુર શર્માને હરાવ્યા હતાં. 2015ની દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી હતી. હવે દિલ્હીમાં સિંગલ ફેઝમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી છે તથા પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે.