84 રમખાણઃ દિલ્હી વિધાનસભાના પ્રસ્તાવમાં રાજીવ ગાંધીના ઉલ્લેખથી વિવાદ
પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને મરણોપરાંત સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પરત લેવાની માગનો એક પ્રસ્તાવ દિલ્હી વિધાનસભામાં પાસ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાએ શુક્રવારે 1984ના શીખ વિરોધી રમખાણને લઈને એક પ્રસ્તાવ પાસ કર્યો, જેમાં માંગ કરવામાં આવી કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આપેલું ભારત રત્ન સન્માન પરત લઈ લેવામાં આવે. પરંતુ સત્તાધારી આમ આદમી પાર્ટીએ પ્રસ્તાવમાં કોંગ્રેસના નેતાના સંદર્ભમાં પોતાને દૂર કરી લીધી છે.
આપ પ્રવક્તા સૌરભ ભારદ્વાજનું કહેવું છે કે, પૂર્વ વડાપ્રધાન વિશે જે પંક્તિ છે, તે સદનમાં રજૂ કરાયેલા મૂળ પ્રસ્તાવનો ભાગ ન હતી અને એક સભ્યએ તેને હાથે લખીને સામેલ કરી હતી. ભારદ્વાજે કહ્યું કે, આ પ્રકારનો પ્રસ્તાવ પાસ ન થઈ શકે.
આપ ધારાસભ્ય જરનૈલ સિંહે વિધાનસભામાં પ્રસ્તાવને રજૂ કરતા સમયે રાજીવ ગાંધીના નામનો ઉલ્લેખ કર્યો અને શીખ વિરોધી રમખાણનો બચાવ કરવા માટે કોંગ્રેસ નેતા પાસેથી ભારત રત્ન પરત લેવાની માંગ કરી હતી. પરંતુ ભારદ્વાજના નિદેવન બાદ જરનૈલ સિંહે કહ્યું કે, તે એક ટેકનિકલ ભૂલ હતી. તેમણે કહ્યું કે, પ્રસ્તાવની લેખિત કોપીમાં રાજીવ ગાંધીના નામનો સંદર્ભ ન હતો, તેને મૌખિક રીતે સામેલ કરવામાં આવ્યો હતો. જેને સદને ધ્વનિ મતથી પાસ કર્યો હતો. પ્રસ્તાવમાં શીખ વિરોધી રમખાણને નરસંહાર ગણાવતા તેની સાથે જોડાયેલા મામલામાં ઝડપથી સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી.
બીજીતરફ કોંગ્રેસે સંપૂર્ણ વિવાદ પર આકરી પ્રતિક્રિયા આપી છે. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને કહ્યું કે, રાજીવ ગાંધીએ દેશ માટે પોતાનું બલિદાન આપ્યું. તેમણે આપને ભાજપની બી ટીમ ગણાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટીનો અસલી રંગ સામે આવી ગયો છે.
આપ ધારાસભ્ય જરનૈલ સિંહે ખુદ પત્રકારોને રાજીવ ગાંધી પાસેથી ભારત રત્ન પરત લેવાની માગ સંબંધિત પ્રસ્તાવ વિધાનસભામાં પાસ થવાની જાણકારી આપી હતી. વિધાનસભા બહાર તેમણે પત્રકારોને જણાવ્યું કે, વિધાનસભામાં તેમના પ્રસ્તાવને પાસ કરી દેવામાં આવ્યો છે અને રાજીવ ગાંધી તે ટિપ્પણી જ્યારે મોટુ વૃક્ષ પડે છે તો ધરતી કાંપે છે, માટે તેમની પાસેથી ભારત રત્ન પરત લેવાની માગ કરવામાં આવી છે.