નવી દિલ્હી: સમગ્ર દેશમાં ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણના કેસ વચ્ચે દિલ્હીમાં સંક્રમણની રફતાર રોકવા માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોના પર કાબૂ મેળવવા માટે આજે થયેલી DDMA ની બેઠકમાં એકવાર ફરીથી વીકેન્ડ કરફ્યૂ લગાવવાનો નિર્ણય લેવાયો છે. બેઠક બાદ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને વીકન્ડ કરફ્યૂના નિર્ણય અંગે જાણકારી આપી. આ ઉપરાંત દિલ્હી સરકારે અન્ય પગલાં પણ લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિસોદિયાનું નિવેદન
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે દિલ્હી સહિત સમગ્ર દેશમા ઓમિક્રોનનો ગ્રાફ સતત વધી રહ્યો છે. જો કે ઓમિક્રોનથી વધુ નુકસાન થતું નથી. દિલ્હીમાં પણ એ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે હાલ સમગ્ર દુનિયામાં છે. દિલ્હીની હોસ્પિટલોમાં 350 લોકો  દાખલ છે. જેમાંથી 124 લોકો ઓક્સિજન સપોર્ટ પર છે. જ્યારે 7 લોકો વેન્ટિલેટર પર છે. 


તેમણે કહ્યું કે આપણે બધાએ કોઈ પણ સંજોગોમાં કોવિડથી બચીને રહેવું જરૂરી છે. આથી આજે થયેલી ડીડીએમએની બેઠકમાં જે નિર્ણય લેવાયા છે. તેની જાણકારી વધુમાં વધુ લોકોને હોવી જોઈએ. 



DDMAનો નિર્ણય
શનિવાર અને રવિવારે દિલ્હીમાં કરફ્યૂ રહેશે.
દિલ્હીની સરકારી ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ રહેશે. 
એસેન્શિયલ એટલે કે જરૂરી સેવાઓની ઓફિસો ખુલ્લી રહેશે. 
પ્રાઈવેટ ઓફિસ 50 ટકા ક્ષમતા પર ચાલશે. અન્ય લોકો વર્ક ફ્રોમ હોમ એટલે કે ઓનલાઈન કામ કરશે. 


એમ્સે રજાઓ રદ કરી
કોરોનાના વધતા કેસ જોતા દિલ્હી એમ્સે પોતાની વિન્ટર વેકેશન્સ એટલે કે બચેલી રજાઓ (5થી 10 જાન્યુઆરી) રદ કરી છે. એમ્સે લીવ પર ગયેલા સ્ટાફને જલદી ડ્યૂટી પર પાછા ફરવા જણાવ્યું છે. વાત જાણે એમ છે કે હવે પોઝિટિવિટી રેટ 6.46% પર પહોંચી ગયો છે. જો કે આ દરમિયાન 1509 લોકો સાજા પણ થયા છે. 


અરવિંદ કેજરીવાલ સહિત આ VVIP કોરોના પોઝિટિવ
અત્રે જણાવવાનું કે ઓમિક્રોનના માઈલ્ડ હોવાના દાવા વચ્ચે જે ઝડપથી કોરોના દિલ્હીમાં ફેલાઈ રહ્યો છે તેના આંકડા ચિંતાજનક બની રહ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે કોરોના પોઝિટિવ થયા. અન્ય મોટા નામની વાત કરીએ તો ભાજપના સાંસદ મનોજ તિવારી, પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો પણ કોરોના પોઝિટિવ છે. 


આ બાજુ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે દિલ્હીમાં કોરોનાના કેસની સંખ્યા છેલ્લા એક સપ્તાહમાં ચરમસીમાએ હશે. તાજા જીનોમ સિક્વેન્સિંગ રિપોર્ટ મુજબ દિલ્હીમાં ટેસ્ટ કરાયેલા કોરોના સેમ્પલમાંથી 81 ટકામાં ઓમિક્રોન ડિટેક્ટ થયો છે. જ્યારે અન્ય વેરિએન્ટ ડેલ્ટાના ફક્ત 8.5 ટકા કેસ જ સામે આવ્યા છે. તેમણે કહ્યું કે ઓમિક્રોનથી હજુ પણ જોખમ વધુ છે.