દિલ્હી: ખેડૂત રેલીમાં ભાગ લેવા આવેલ ખેડૂતનું આંબેડકર ભવનનાં ત્રીજા માળેથી પટકાતા મોત
પોલીસ અધિકારીના અનુસાર શુક્રવારે મોડી સાંજે રેલી ખતમ થયા બાદ આમ્બેડકર ભવનમાં મહારાષ્ટ્રનાં અનેક ખેડૂતો આવ્યા હતા
નવી દિલ્હી : દેવામાફી માટે દિલ્હીમાં પ્રદર્શન કરવા માટે આવેલા ખેડૂતોએ શુક્રવારે સંસદ સુધી માર્ચ કાઢી હતી. સંસદ સુધી હલ્લાબોલ કરીને સરકાર સામે પોતાની માંગ મુક્યા બાદ મોડી રાત્રે ખેડુત જ્યારે પોતાનાં ઘરેથી પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે એક દર્દનાક દુર્ઘટનાં થઇ હતી. રાજધાની દિલ્હીનાં પહાડગંજ વિસ્તારમાં આવેલ આમ્બેડકર ભવનનાં ત્રીજામાળેથી એક ખેડુતનું નીચે પડવાનાં કારણે મોત થયું હોવાનાં સમાચાર આવ્યા.
દુર્ઘટના અંગે માહિતી મળતા જ ઘટના સ્થળ પર પહોંચેલી દિલ્હી પોલીસે ખેડૂતને નજીકની હોસ્પિટલ ખસેડ્યો પરંતુ ફરજ પરનાં ડોક્ટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા. પોલીસ અધિકારીનાં અનુસાર શુક્રવારે સાંજે રેલી પુર્ણ થયા બાદ આમ્બેડકર ભવનમાં મહારાષ્ટ્રનાં અનેક ખેડૂતો આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે, મરનાર વ્યક્તિનું નામ સેંટા છે અને તે મહારાષ્ટ્રથી ખેડૂત મુક્તિ મોર્ચામાં ભાગ લેવા માટે આવ્યા હતા.
બીજી તરફ આ મુદ્દે આમ્બેડકર ભવનનાં મહામંત્રીનું કહેવું છે કે ખેડૂતે ત્રીજામાળેથી કુદીને આત્મહત્યા કરી છે. જો કે સાથી ખેડૂતો આ મુદ્દે કંઇ પણ બોલવાથી બચી રહ્યા છે. હાલ પોલીસ આ મુદ્દે તપાસ કરી રહી છે અને ખેડૂતનું શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે દિલ્હીનાં રામલીલા મેદાનથી સંસદ ભવન સુધી ખેડૂતે મુક્તિ માર્ચનું આયોજન કર્યું હતું. શુક્રવારે સવારે લગભગ 10.30 વાગ્યે આશરે 35 હજાર ખેડૂતોએ ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રામલીલા મેદાનથી સંસદ ભવન સુધી પગપાળા માર્ચ કાઢી હતી અને શુક્રવારે મોડી સાંજ સુધી માર્ચ સંસદ ભવન પાસે ખતમ થઇ ગઇ હતી. આ માર્ચમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં ખેડૂતો દિલ્હી પહોંચ્યા હતા.