દિલ્લીનો મોટો ભાગ હજુ પણ પાણીમાં ગરકાવ, કેજરીવાલે 6 મંત્રીઓને પૂરગ્રસ્ત જિલ્લાની જવાબદારી સોંપી
Delhi Yamuna Flood: પૂરનો સામનો કરી રહેલી દિલ્હીમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. આ વચ્ચે કેજરીવાલે મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે.
નવી દિલ્હીઃ દિલ્લીમાં પૂર વચ્ચે ફરી શરૂ થયેલા વરસાદે લોકોની મુશ્કેલી વધારી છે. ઘણા વિસ્તારો હજુ પાણીને હવાલે છે, ત્યારે સ્થિતિ હજુ ગંભીર બની શકે છે, એવામાં દિલ્લી સરકારે આ સમસ્યા સામે લડવા નવો એક્શન પ્લાન તૈયાર કર્યો છે. શું છે આ એક્શનપ્લાન, જોઈએ આ અહેવાલમાં..
આગામી કેટલાક દિવસો સુધી દિલ્લી માટે પાણી સૌથી મોટો મુદ્દો રહેશે. એક તરફ જ્યાં શહેરનો મોટો ભાગ પાણીમાં ગરકાવ છે. પાણીને નીકળવા માટે જગ્યા નથી મળી રહી, ત્યાં ફરી શરૂ થયેલા વરસાદે દિલ્લીના લોકોની મુશ્કેલી વધારી છે. જો આ વરસાદ લાંબો સમય સુધી યથાવત રહેશે, તો દિલ્લીમાં ભરાયેલા પાણીનું સ્તર વધી શકે છે, જેનું નુકસાન લાખો લોકોએ ભોગવવું પડશે.
શનિવારે શરૂ થયેલા વરસાદના નવા રાઉન્ડ વચ્ચે દિલ્લી સરકાર તુરંત એક્શનમાં આવી અને સરકારના 6 મંત્રીઓને એક એક પૂરગ્રસ્ત જિલ્લાની જવાબદારી સોંપી દેવાઈ. દરેક મંત્રી પોતાના જિલ્લામાં પુનર્વસન અને રાહતની કામગીરી પર નજર રાખશે.
નીચાણવાળા વિસ્તારો ઉપરાંત ઉંચાઈ પર આવેલા વિસ્તારો પણ પાણીમાં ગરકાવ છે. રહેણાંક વિસ્તારોમાં હોડીઓ ચાલી રહી છે. પાણી નીકળવાની જગ્યા નથી. મકાનોમાં પણ પાણી ભરાયેલા છે. મેટ્રો સ્ટેશનો પણ પાણીને હવાલે છે.
આ પણ વાંચોઃ મોદી સરનેમ વિવાદ', હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ રાહુલ ગાંધીએ કરી સુપ્રીમમાં અરજી
દિલ્લીમાં ઠેર ઠેર ભરાયેલા પાણીમાં હવે લોકોએ મનોરંજન શોધી લીધું છે. પાણી વચ્ચે રહેવાની લાચારી છે, ત્યારે લોકોએ પરિસ્થિતિને સ્વીકારી લીધી છે. જ્યાં ત્યાં ભરાયેલા પાણીમાં બાળકો મસ્તી કરતાં નજરે પડે છે. થોડા સમય પહેલા જે રસ્તા વાહનવ્યવહારથી જામ રહેતા હતા, ત્યાં લોકો વોટર પાર્ક જેવો અનુભવ લઈ રહ્યા છે. જો કે લોકોને તંત્ર અને સરકાર સામે ફરિયાદ તો છે જ.
એક તરફ જ્યાં દિલ્લી પર જળસંકટ વધી રહ્યું છે, ત્યાં બીજી તરફ દિલ્લી સરકારનો એલજી અને અધિકારીઓ સામેનો ગજગ્રાહ યથાવત્ છે. સરકારે પોતાની ફરજ ચૂકેલા અધિકારીઓ સામે કાર્યવાહીની એલજી સમક્ષ માગ કરી છે.
દિલ્લીના લોકોએ હાલાકી હજુ કેટલા દિવસ વેઠવી પડશે, તે અંગે હાલ કંઈ કહી શકાય તેમ નથી. એવામાં રાજકારણથી તેમની હાલાકીમાં વધારો ન થાય તે જોવું જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube