દિલ્હી: આજે લગભગ 4 લાખ ખેડૂતો-મજૂરોની રેલી, સંસદભવન સુધી કરશે માર્ચ
ડાબેરી પક્ષોના સમર્થનવાળા ખેડૂત અને મજૂર સંગઠનો તરફથી આજે દિલ્હીમાં એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
નવી દિલ્હી: ડાબેરી પક્ષોના સમર્થનવાળા ખેડૂત અને મજૂર સંગઠનો તરફથી આજે દિલ્હીમાં એક મોટી રેલી કાઢવામાં આવી રહી છે. મજૂર કિસાન સંઘર્ષ રેલી સવારે લગભગ 10 વાગે રામલીલા મેદાનથી શરૂ થઈ. જેમાં સામેલ લાખો ખેડૂતો અને મજૂરો સંસદ ભવન તરફ કૂચ કરી રહ્યાં છે. આ રેલીના કારણે દિલ્હી ગેટથી એલએનજેપી રોડ સુધી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. લગભગ એક કલાક સુધી ટ્રાફિકને રોકવામાં આવ્યો. આ બાજુ લક્ષ્મીનગરથી આઈટીઆઈ સુધીના રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો. ખેડૂતો અને મજૂરોની આ કૂચના કારણે દિલ્હી અને મધ્ય દિલ્હીના તમામ મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ છે. જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ડાબેરી પક્ષોનું કહેવું છે કે રામલીલા મેદાનમાં આયોજિત કિસાન રેલીની તર્જ પર આવનારા દિવસોમાં આવી બીજી રેલીઓ થશે. રેલીના આયોજકોએ જણાવ્યું કે માકપાના બેનર હેઠળ આયોજિત કિસાન-મજૂર રેલીઓના માધ્યમથી દેશમાં ખેડૂતો અને મજૂરોની બદતર સ્થિતિના મુદ્દાઓ સતત ઉઠાવવામાં આવશે અને તેની શરૂઆત બુધવારે રામલીલા મેદાનમાં આયોજિત રેલીથી કરવામાં આવી રહી છે.
ડાબેરી સમર્થિત મજૂર સંગઠન સીટૂના મહાસચિવ તપન સેને જણાવ્યું કે ડાબેરી પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોના જોઈન્ટ મંચ તરીકે રચાયેલા 'મજૂર કિસાન સંઘર્ષ મોર્ચા' રામલીલા મેદાનથી ભવિષ્યના આંદોલનોની રૂપરેખા જાહેર કરશે. સેને કહ્યું કે આઝાદ ભારતમાં પહેલીવાર સરકાર સામે આયોજિત કરાયેલી રેલમાં ખેડૂતો અને મજૂરો એકજૂથ થઈને ભાગ લેશે.
તેમણે કહ્યું કે આ છેલ્લી નહીં પરંતુ પહેલી રેલી હશે. જેમાં સરકારની ખેડૂત મજૂરો વિરોધી નીતિઓ વિરુદ્ધ આંદોલનના બીજા તબક્કાની કાર્યયોજનાથી અવગત કરાવવામાં આવશે. સેને કહ્યું કે હાલની કેન્દ્ર સરકાર ફક્ત ધની અને કોર્પોરેટ પરિવારોના હિતોને સાધનારી નીતિઓ બનાવી રહી છે. તેની સીધી અસર ગરીબ મજૂરો અને ખેડૂતો પર થઈ રહી છે.
સેને જણાવ્યું કે રેલીમાં ભાગ લેવા માટે દેશભરના ખેડૂતો અને કામદારોના દિલ્હી પહોંચવાનો સિલસિલો છેલ્લા કેટલાક દિવસથી ચાલુ છે. જેમાં ડાબેરી પક્ષો અને ખેડૂત મજૂર સંગઠનોના નેતાઓ ભાગ લેશે.