દિલ્હીમાં લાખો ખેડૂત-મજૂરો કાઢી રહ્યા છે રેલી, નવી અને મધ્ય દિલ્હીમાં ચક્કાજામ
ડાબેરી પક્ષોનું કહેવું છે કે રામલીલા મેદાનમાં આયોજિત કિસાન રેલીની તર્જ પર આવનારા દિવસોમાં આવી બીજી રેલીઓ થશે.
નવી દિલ્હી: વામદળોના સમર્થનવાળા ખેડૂત તથા મજૂર સંગઠનો દ્વારા આજે દિલ્હીમાં એક મોટી રેલી કાઢવામાં આવી રહી છે. મજદૂર કિસાન સંઘર્ષ રેલી સવારે લગભગ 10 વાગે રામલીલા મેદાનથી શરૂ થઇ, જેમાં સામેલ લાખો ખેડૂર-મજૂર સંસદ ભવન તરફ કૂચ કરી રહ્યા છે. આ રેલીના લીધે દિલ્હી ગેટથી એલએનજેપી રોડ સુધી લાંબો જામ લાગી ગયો છે. અહીં લગભગ એક કલાક સુધી ટ્રાફિક રોકી રાખવામાં આવ્યો હતો. બીજી તરફ લક્ષ્મી નગરથી આઇટીઆઇ સુધીના માર્ગ પર પણ ભારે ચક્કાજામ થયો હતો. ખેડૂત-મજૂરની માર્ચના લીધે નવી દિલ્હી અને મધ્ય દિલ્હીના બધા જ મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. જેથી લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
આ રેલીને મજદૂર કિસાન સંઘર્ષ રેલીનું નામ આપવામાં આવ્યું છે. આ રેલીમાં દેશભરમા6થી 4 લાખથી વધુ ખેડૂત-મજૂરો દિલ્હીમાં એકઠા થશે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ રેલી રામલીલા મેદાનથી શરૂ થઇને સંસદ ભવન સુધી માર્ચ કરશે.
ડાબેરી પક્ષોનું કહેવું છે કે રામલીલા મેદાનમાં આયોજિત કિસાન રેલીની તર્જ પર આવનારા દિવસોમાં આવી બીજી રેલીઓ થશે. રેલીના આયોજકોએ જણાવ્યું કે માકપાના બેનર હેઠળ આયોજિત કિસાન-મજૂર રેલીઓના માધ્યમથી દેશમાં ખેડૂતો અને મજૂરોની બદતર સ્થિતિના મુદ્દાઓ સતત ઉઠાવવામાં આવશે અને તેની શરૂઆત બુધવારે રામલીલા મેદાનમાં આયોજિત રેલીથી કરવામાં આવી રહી છે.
ડાબેરી સમર્થિત મજૂર સંગઠન સીટૂના મહાસચિવ તપન સેને જણાવ્યું કે ડાબેરી પક્ષો અને તમામ ખેડૂત સંગઠનોના જોઈન્ટ મંચ તરીકે રચાયેલા 'મજૂર કિસાન સંઘર્ષ મોર્ચા' રામલીલા મેદાનથી ભવિષ્યના આંદોલનોની રૂપરેખા જાહેર કરશે. સેને કહ્યું કે આઝાદ ભારતમાં પહેલીવાર સરકાર સામે આયોજિત કરાયેલી રેલમાં ખેડૂતો અને મજૂરો એકજૂથ થઈને ભાગ લેશે.
તેમણે કહ્યું કે આ છેલ્લી નહીં પરંતુ પહેલી રેલી હશે. જેમાં સરકારની ખેડૂત મજૂરો વિરોધી નીતિઓ વિરુદ્ધ આંદોલનના બીજા તબક્કાની કાર્યયોજનાથી અવગત કરાવવામાં આવશે. સેને કહ્યું કે હાલની કેન્દ્ર સરકાર ફક્ત ધની અને કોર્પોરેટ પરિવારોના હિતોને સાધનારી નીતિઓ બનાવી રહી છે. તેની સીધી અસર ગરીબ મજૂરો અને ખેડૂતો પર થઈ રહી છે.
સેને જણાવ્યું કે રેલીમાં ભાગ લેવા માટે દેશભરના ખેડૂતો અને કામદારોના દિલ્હી પહોંચવાનો સિલસિલો છેલ્લા કેટલાક દિવસથી ચાલુ છે. જેમાં ડાબેરી પક્ષો અને ખેડૂત મજૂર સંગઠનોના નેતાઓ ભાગ લેશે.