પોલીસ તપાસમાં વર્તી રહી છે ઢિલ: દાતી અને તેના સાથી આચરતા દુષ્કર્મ
દાતીએ અનેક યુવતીઓ સાથે આચર્યું છે દુષ્કર્મ પરંતુ અન્ય યુવતીઓને ધમકાવીને દબાવી દેવામાં આવી છે
નવી દિલ્હી : દાતી મહારાજની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવનારી પીડિતાએ મીડિયા સમક્ષ આવીને કહ્યું કે, દાતી મહારાજ અને તેનાં સાથીઓએ જ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. જે કાવત્રા અને આર્થિક ડીલની વાત બાબા કહી રહ્યા છે, તે ખોટી છે. પીડિતાના અનુસાર તેની સમજમાં તે બાબત નથી આવી રહી કે પોલીસ આરોપીઓની ધરપકડ શા માટે નથી કરી રહી. પીડિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું કે, દાતી મહારાજની વિરુદ્ધ કાર્યવાહી નહી થાય તો બળાત્કારીઓ મુક્ત રીતે ફરતા રહેશે.
યુવતીએ કહ્યું કે, તેને આશ્રમથી કેમ ભાગવું પડ્યું તેની પણ તપાસ થવી જોઇએ. આર્થિક ડીલની વાત બાબા કહી રહ્યા છે જે ખોટી છે. તમે મારા ફોનનાં રેકોર્ડની તપાસ કરી શકો છો. પીડિત યુવતીનું કહેવું છે કે 15 વર્ષથી તે ત્યાં રહે છે. તેને ખબર છે કે બાબા અન્ય પણ ઘણી યુવતીઓ સાથે દુષ્કર્મ આચરી ચુક્યો છે. પરંતુ યુવતીઓ સામે નથી આવી રહી. પીડિતાના અનુસાર બાબા કહે છે કે તે જ ભગવાન છે. એક સમય એવો પણ હતો કે તે પોતે પણ બાબાને ભગવાન માનતી હતી.
યુવતીનું કહેવું છે કે દાતી મહારાજે કર્યું છે, તે ક્ષમા યોગ્ય નથી. તે ઇચ્છે છેકે અન્ય પીડિત યુવતીઓ પણ સામે આવે. આ કેસને દબાવવામાં આવી રહ્યો છે. પીડિતાએ માંગ કરતા કહ્યું કે, તેનાં આશ્રમમાં રહેતી યુવતીઓનાં મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવે. તમામ યુવતીઓ જે આશ્રમથી ભાગી છે તેની પણ તપાસ થાય. તેઓ શા માટે ભાગી છે તમામ વાત સામે આવી જશે.
પીડિતાએ દાવો કર્યો કે તેની હાલ ધમકીઓ પણ મળી રહી છે. તેણે ન્યાયની માંગ કરતા આ કેસમાં કોઇ ભેદભાવ ન થાય તેવી પણ માંગ કરી છે. બીજી તરફ દિલ્હીનાં સંયુક્ત પોલીસ આયુક્ત (જેસીપી) આલોક કુમારે કહ્યું કે, ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે પુછપરછ માટે દાતીને નોટિસ પાઠવી હતી. પહેલા દાતીએ 7 દિવસનો સમય માંગ્યો પરંતુ ત્યાર બાદ તે બીજા દિવસે જ હાજર થયો અને તેની લાંબી પુછપરછ પણ થઇ હતી.