મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ખરાબ પ્રદર્શનની જવાબદારી લીધી અને રાજીનામાની રજૂઆત કરી છે. તેમણે બુધવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમારે મહાવિકાસ અઘાડીની ત્રણ પાર્ટીઓ સિવાય એક નેરેટિવ સામે પણ લડવું પડ્યું. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે હું નેતૃત્વ પાસે માંગ કરીશ કે મને સરકારના કામકાજમાંથી મુક્ત કરવામાં આવે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું- હું ભાગનારો વ્યક્તિ નથી. હું આ હારની જવાબદારી સ્વીકારૂ છું. જનતાની વચ્ચે જઈશ અને ફરી કામ કરીશ. ફડણવીસે કહ્યું કે હું ઈચ્છુ છું કે ભાજપના ગઠબંધનને મજબૂત કરવાનું કામ કરૂ. દેવેન્દ્ર ફડણવીસે ભાજપના મહારાષ્ટ્ર એકમની બેઠક બાદ આ વાત કહી છે. બુધવારે ભાજપના નેતાઓની બેઠક યોજાઈ હતી, જેમાં લોકસભા ચૂંટણીમાં આવેલા પરિણામો પર મંથન કરવામાં આવ્યું હતું. 



રાજ્યમાં ભાજપને માત્ર 9 સીટ પર જીત મળી છે, જ્યારે 2019માં ભાજપે રાજ્યની 23 સીટ જીતી હતી. ભાજપને આ વખતે લોકસભા ચૂંટણીમાં 240 સીટો મળી છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બંગાળ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં ભાજપને ઝટકો લાગ્યો છે. આ રાજ્યોમાં ઝટકાને કારણે ભારતીય જનતા પાર્ટી બહુમતથી પણ દૂર રહી છે. આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસ સિવાય પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે પણ હાજર રહ્યાં હતા.


એનડીએએ રાખ્યો હતો 45 સીટનો ટાર્ગેટ
બેઠકમાં હારના કારણો પર ચર્ચા થઈ હતી. આ વખતે રાજ્યમાં ભાજપ અને તેના સહયોગી દળોએ મળી 17 સીટો જીતી છે. 48 સીટ ધરાવતા મહારાષ્ટ્રમાં આ સીટ ખુબ ઓછી છે.  તો ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને કોંગ્રેસે સારૂ પ્રદર્શન કર્યું છે. ત્રણેય પાર્ટીએ મળી 30 સીટો જીતી છે. ઉલ્લેખનીય છે કે એનડીએએ 45 સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો. કોંગ્રેસને મહારાષ્ટ્રમાં કુલ 13 સીટ મળી છે, જે 2019માં તેના પ્રદર્શનને જોતા મોટી સફળતા છે.