આજે દેવપોઢી અગિયારસ, ચાતુર્માસની પણ શરૂઆત, ખાસ રાખો આ સાવધાની

અષાઢ સુદ અગિયારસ એ દેવપોઢી અગિયારસ તરીકે પણ ઓળખાય છે. આ તિથિ હરિશયની કે `પદ્મનાભ` નામથી પણ પ્રસિદ્ધ છે. હિન્દુ પંચાંગ મુજબ આ દિવસથી ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે.
અમદાવાદ: અષાઢ સુદ અગિયારસ એ દેવપોઢી અગિયારસ તરીકે પણ ઓળખાય છે. આ તિથિ હરિશયની કે 'પદ્મનાભ' નામથી પણ પ્રસિદ્ધ છે. હિન્દુ પંચાંગ મુજબ આ દિવસથી ચાતુર્માસનો પણ પ્રારંભ થાય છે. આજના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે. ભગવાન પોઢી જવાના કારણે આજથી ચાર માસ સુધી શુભ માંગલિક કાર્યો પણ વર્જિત ગણાય છે. ચાર મહિના બાદ 8 નવેમ્બરે જ્યારે દેવઉઠી એકાદશી આવે ત્યારે ચાતુર્માસ પૂરા થશે અને માંગલિક પ્રસંગો માટે મુહૂર્ત જોવા મળશે.
પૂજાનું શુભ મુહૂર્ત
આ વર્ષે દેવપોઢી એકાદશી 11 જુલાઈના રોજ વહેલી સવારે 3.08 કલાકથી 12 જુલાઈના રોજ રાતે 1.55 મિનિટ સુધી રહેશે. પ્રદોષ કાળ સાંજે સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધી રહેશે. કહેવાય છે કે આ દરમિયાન કરાયેલી આરતી, દાનપુણ્યનો વિશેષ લાભ ભક્તોને મળે છે. દેવપોઢી એકાદશીના દિવસે ભગવાનને નવા વસ્ત્રો પહેરાવીને નવી પથારી પર સુવડાવવામાં આવે છે કારણ કે આ દિવસ બાદ ભગવાન સૂવા માટે જતા રહે છે.
આજના દિવસે રાખો આ સાવધાની
ધરમાં તામસી ભોજન જેમ કે લસણ, ડુંગળીનું સેવન ન કરો.
અગિયારસની પૂજા સ્વચ્છ કપડાં પહેરીને જ કરો અને બની શકે તો કાળા વાદળી કપડાંનો ઉપયોગ ન કરો.
દેવપોઢી એકાદશીન વ્રત વિધાનમાં પરિવારમાં શાંતિપૂર્ણ માહોલ રાખો.
તમામ પ્રકારની પૂજા પાઠની સામગ્રી શુદ્ધ અને સ્વચ્છ જ ઉપયોગમાં લો.
પૂજામાં પીળા ફૂલ અને ફળનો ઉપયોગ અવશ્ય કરો.
મનોવાંછિત ફળ મેળવવા માટે આ મહાઉપાય કરો
દેવપોઢી એકાદશી પર કોઈ પણ વિષ્ણુ મંદિરમાં જઈને બંને હાથથી પીળા ફળ ફૂલ ભગવાન વિષ્ણુને અર્પણ કરો.
ભગવાન વિષ્ણુ મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવીને તેમની સામે મનની ઈચ્છા કહો.
કોઈ આસન પર બેસીને ॐ क्लीं कृष्णाय नमः મંત્રનો જાપ 108 વાર કરો.
ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં જે પણ જરૂરિયાતવાળી વ્યક્તિ પહેલા મળે તેને પીળા ફળ કે મીઠાઈ જરૂર આપો.
ચાતુર્માસ આજથી શરૂ
આજથી ચાર મહિનાનો સમયગાળો ચાતુર્માસ તરીકે ઓળખાય છે. આ ચાર મહિના દરમિયાન શુભ પ્રસંગો થતા નથી. હવે 8 નવેમ્બરે દેવઉઠી એકાદશી સાથે ચાતુર્માસ પૂરા થશે અને શુભ માંગલિક પ્રસંગોની શરૂઆત થશે.
ચાતુર્માસ દરમિયાન ધાર્મીક, આધ્યાત્મિક સત્સંગ જેવા કાર્યક્રમો યોજાય છે. ખાસ નિયમો સાથે જાતકો બ્રહ્મચર્યની ઉપાસના કરીને ભક્તિમાર્ગ અપનાવે છે. આ સમયગાળા દરમિયાન જપ, તપ, દાન વગેરેનું ખુબ મહત્વ છે.
આખા વર્ષમાં જે 24 એકાદશી હોય છે તેમાં આ એકાદશીનું આગવું મહત્વ છે. કારણ કે ભગવાન વિષ્ણુ ક્ષીર સાગરમાં શયન કરે છે અને આથી જ તે દેવપોઢી એકાદશી કહેવાય છે. ચાતુર્માસ દરમિયાન હિંડોળા પણ થાય છે. આ વખતે 18 જુલાઈથી હિંડોળાનો પ્રારંભ થશે. ઠાકોરજીને અલગ અલગ હિંડોળામાં સજાવીને ભક્તોને દર્શનનો લ્હાવો અપાય છે.