નવી દિલ્હી : મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ટીકિટ વહેંચણી મુદ્દે કોંગ્રેસમાં આંતરિક લડાઇ લાંબા સમયથી ચાલી રહી હતી. જો કે બુધવારે મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં સ્પષ્ટ રીતે સામે આવી હતી. રિપોર્ટ અનુસાર બેઠકમાં કોંગ્રેસ સાંસદજ્યોતિરાદિત્ય અને વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહનો આંતરિક વિખવાદ સામે આવ્યો. મળતી માહિતી અનુસાર બંન્ને નેતાઓ વચ્ચે ગરમા ગરમી ચાલી રહી હતી ત્યારે રાહુલ ગાંધી પણ બેઠકમાં હાજર હતા. મધ્યપ્રદેશમાં વિનાવિવાદ એક થઇને ચૂંટણી લડવાનાં રાહુલના મનસુબા માટે આ એક મોટા આધાત સમાન છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ કોંગ્રેસના આંતરિક વિખવાદમાં વિનાવિલંબ રાજનીતિક લાભ ખાટી જવા માટે ભાજપે પણ શાબ્દિક પ્રહારો ચાલુ કર્યા, ભાજપે વ્યંગ કરતા રાહુલ ગાંધીના નેતૃત્વ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.

ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર બુધવારો મોડી રાત્રે કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં પોત પોતાનાં સમર્થકોને ટીકિટ અપાવવા માટે દિગ્વિજયસિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની વચ્ચે ગરમા ગરમી થઇ હતી. આ વિવાદ લાંબો સમય ચાલ્યો અને ગર્માગર્મી વધતી ગઇ. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ આ અંગે વ્યંગ કરતા કહ્યું કે, બંન્ને નેતાઓમાં ઝપાઝપી પણ થઇ હતી અને રાહુલ ગાંધી માત્ર જોતા રહ્યા. 

રાહુલ ગાંધીએ ગિન્નાઇને ત્રણ સભ્યોની કમિટી બનાવી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે થયેલી શાબ્દિક ટપાટપીના કારણે રાહુલ ગાંધી ખુબ જ ગિન્નાયા હતા. તેમણે આ સમગ્ર વિવાદને ઉકેલવા માટે કોંગ્રેસના ત્રણ વરિષ્ઠ નેતાઓની કમિટી બનાવી છે. આ કમિટીમાં અશોક ગહલોત, અહેમદ પટેલ અને વીરપ્પા મોઇલીનો સમાવેશ થાય છે. બુધવારે મોડી રાત સુધી કમિટીએ આ વિવાદને ઉકેલવા માટેનો પ્રયાસ કર્યો, જો કે આંતરિક વિખવાદ શાંત નથી થઇ રહ્યો. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ મહિને 28 તારીખે મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ભાજપ 15 વર્ષથી મધ્યપ્રદેશમાં સત્તા પર છે. આ વખતે કોંગ્રેસે ભાજપ પાસેથી તેનો ગઢ છીનવવા માટે સંપુર્ણ પ્રયાસો કર્યા છે. રાહુલ ગાંધીએ આ માટે પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી છે. જો કે કોંગ્રેસના આ ચૂંટણી અભિયાન દરમિયાન 10 વર્ષ સુધી એમપીના મુખ્યમંત્રી રહેલા દિગ્વિજય સિંહ ગાયબ છે.