નવી દિલ્હીઃ ભારતને પોતાના 15મા રાષ્ટ્રપતિ મળી ગયા છે. રામનાથ કોવિંદ બાદ રાષ્ટ્રપતિ પદ માટે 18 જુલાઈએ મતદાન થયું હતું. તો આજે સંસદ ભવનમાં મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને પરાજય આપ્યો છે. આ સાથે દેશને પ્રથમ આદિવાસી અને બીજા મહિલા રાષ્ટ્રપતિ મળી ગયા છે. દ્રૌપદી મુર્મૂ પહેલા પ્રતિભા પાટિલ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા. પરંતુ શું તમે જાણો છો દ્રૌપદી મુર્મૂ કોણ છે? તેમનું અત્યાર સુધીનું જીવન કેવું રહ્યું છે? દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ મુર્મૂની લાઇફસ્ટાઇલ કેવી છે? તેમના ઘર પરિવારમાં કોણ છે? આવો જાણીએ દ્રૌપદી મુર્મૂની લાઇફસ્ટાઇલ વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દ્રૌપદી મુર્મૂનો જીવન પરિચય
ઓડિશાના આદિવાસી મહિલા નેતા અને ઝારખંડના રાજ્યપાલ રહી ચુકેલા દ્રૌપદી મુર્મૂનો જન્મ 20 જૂન 1958ના ઓડિશાના મયૂરભંજ જિલ્લામાં થયો હતો. મુર્મૂના પિતાનું નામ બિરંચી નારાયણ ટુડૂ હતું. તેઓ ગામના સરપંચ હતા. તેમણે પોતાના પૈતૃક જિલ્લામાં શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ ભુવનેશ્વરની રામાદેવી મહિલા મહાવિદ્યાલયમાંથી સ્નાતકની ડિગ્રી હાસિલ કરી હતી. રાજનીતિમાં પ્રવેશ બાદ પાર્ષદ, ધારાસભ્ય અને રાજ્ય સરકારમાં મંત્રી બન્યા હતા. ત્યારબાદ 2015મા ઝારખંડના રાજ્યપાલ બન્યા હતા. 


દ્રૌપદી મુર્મૂની દિનચર્યા
મીડિયા રિપોર્ટ પ્રમાણે દ્રૌપદી મુર્મૂ એક સામાન્ય જીવન જીવે છે. તેઓ સવારે વહેલા ઉઠી વોકિંગ, ધ્યાન અને યોગ કરવાનું ક્યારેય ભૂલતા નથી. દ્રૌપદી મુર્મૂ સવારે 3.30 કલાકે ઉઠી જાય છે. ત્યારબાદ તે ચાલવા જાય છે. ઘર પર યોગ કરે છે. સમયને લઈને મુર્મૂ ખુબ ચોક્સાઈ રાખે છે. કહેવામાં આવે છે કે તે કોઈ જગ્યાએ ક્યારેય વિલંબથી પહોંચતા નથી. 


આ પણ વાંચોઃ Presidential Election Result: દ્રૌપદી મુર્મૂએ રચ્યો ઈતિહાસ, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેળવી શાનદાર જીત  


સાથે રાખે છે બે પુસ્તકો
દ્રૌપદી મુર્મૂ હંમેશા પોતાની સાથે બે પુસ્તકો રાખે છે. એક ટ્રાન્સલેટ અને બીજી ભગવાન શિવનું પુસ્તક. તેઓ કોઈ જગ્યાએ જાય તો વાતચીતમાં મુશ્કેલી ન થાય તે માટે ભાષાંતર બુક રાખે છે. સાથે તેમનું ધ્યાન ન તૂટે એટલા માટે તે શિવ પુસ્તિકાના પાઠ કરે છે. 


આ રીતે ડિપ્રેશનમાંથી બહાર આવ્યા
દ્રૌપદી મુર્મૂના જીવનમાં એક સમય એવો આવ્યો જ્યારે તેમના પરિવારના ત્રણ સભ્યો એક બાદ એક તેમને છોડીને જતા રહ્યા. તેમના બે પુત્ર અને પતિનું નિધન થઈ ગયું છે. આ મોત બાદ દ્રૌપદી મુર્મૂ ભાંગી પડ્યા હતા. રિપોર્ટ પ્રમાણે દ્રૌપદી મુર્મૂના એક પુત્રનું નિધન રહસ્યમયી રીતે થયું હતું. તેના નિધન બાદ મુર્મૂ છ મહિના ડિપ્રેશનમાં રહ્યાં હતા. પરંતુ ત્યારબાદ તેઓ આ આઘાતમાંથી બહાર આવ્યા. ત્રણ વર્ષ બાદ તેમના નાના પુત્રનું પણ નિધન થઈ ગયું હતું. તેના એક વર્ષ બાદ મુર્મૂના પતિનું પણ નિધન થયું હતું. દ્રૌપદી મુર્મૂએ ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે ધ્યાનનો સહારો લીધો હતો. 


આ પણ વાંચોઃ આંખો દાન કરી છે... બે પુત્રો અને પતિને ગુમાવ્યા, આવી છે દેશના સર્વોચ્ચ પદ પર પહોંચનાર મુર્મૂની કહાની


દ્રૌપદી મુર્મૂની સંપત્તિ
મુર્મૂનું પોતાનું ઘર છે, જ્યાં તેઓ લગ્ન બાદ પતિ સાથે રહેતા હતા. પરંતુ બાળકો અને પતિના મોત બાદ મુર્મૂએ પોતાના ઘરને સ્કૂલ બનાવી દીધી. જે રૂમમાં મોટા પુત્રનું નિધન થયું હતું ત્યાં વિદ્યાર્થીઓ માટે ત્યાં આવાસ બનાવી દીધુ. દર વર્ષે પુત્રો અને પતિની વરસી પર મુર્મૂ સ્કૂલમાં જરૂર જાય છે અને વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube