કોલકત્તાઃ આસામમાં રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી)નો પ્રથમ ડ્રાફ્ટ જાહેર થયા બાદ શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ લેતો નથી. આ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે જે લોકોના નામ એનઆરસીમાં સામેલ નથી તેના પર ખોટા કેસ કરવામાં આવી રહ્યાં છે અને તેને હેરાન કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકત્તામાં મીડિયાને સંબોધિત કરતા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે જે લોકોના નામ એનઆરસીમાંથી બહાર છે તેના પર ખોટા કેસ દાખલ થઈ રહ્યાં છે અને તેમને દબાવવામાં આવી રહ્યાં છે. પહેલાથી જ 1200 લોકો ડિટેન્શન કેમ્પમાં છે. મમતાએ સવાલ કર્યો કે ક્યા ઉદ્દેશથી આસામમાં સુરક્ષાદળોની 400 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. 


એનઆરસી પર બોલતા મમતા બેનર્જીએ કહ્યું કે, આ હિન્દુ કે મુસ્લિમનો મુદ્દો નથી. લોકોને તેની ભાષાના આધારે લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે અને ભાજપના નેતા એનઆરસીના ડ્રાફ્ટને યોગ્ય ગણાવીને છાતી ઠોકી રહ્યાં છે. 


ઉલ્લેખનીય છે કે કોલકત્તાના મેયો રોડમાં એક રેલીને સંબોધિત કરતા ભાજપ અધ્યક્ષ અમિત શાહે આરોપ લગાવ્યો હતો કે મમતા બેનર્જી ઘૂષણખોરોને બંગાળ અને આસામમાં રાખવા માંગે છે. શાહે મમતાને સવાલ કર્યો કે, તે નક્કી કરે કે તેના માટે દેશની સુરક્ષા જરૂરી છે કે વોટબેન્ક. 


મહત્વનું છે કે, આસામમાં જારી રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટરના ડ્રાફ્ટમાંથી કુલ 3.29 કરોડ અરજીકર્તાઓમાંથી 40 લાખ કરતા વધુ લોકોને બહાર કરતા તેમની નાગરિકતાને લઈને અનિશ્ચિતતાનો માહોલ ઉભો થયો છે. તેની સાથે રાષ્ટ્રવ્યાપી રાજકીય વિવાદ પણ પેદા થયો છે. આ ડ્રાફ્ટમાં 2.89 કરોડ અરજીકર્તાઓને મંજૂરી આપી દેવામાં આવી છે.