ફાની ચક્રવાત: રેલવે, વિમાન સેવાને ભારે અસર, ટ્રેન અને ફ્લાઇટ રદ
ફાની ચક્રવાતને કારણે ઓરિસ્સા સહિતના પંથકમાં હાહાકાર મચી ગયો છે. ફાની વાવાઝોડાથી આ વિસ્તારમાં જનજીવન અસરગ્રસ્ત થયું છે સાથોસાથ આ વિસ્તારની રેલવે અને વિમાન સેવાને ભારે અસર પડી છે. ઘણી ટ્રેન અને ફ્લાઇટ રદ કરવામાં આવી છે. તોફાનને પગલે ભુવનેશ્વર એરપોર્ટ પર 24 કલાક માટે ઉડાન રોકી દેવામાં આવી છે. કોલકત્તામાં શુક્રવારે બપોર 3થી શનિવાર સવારે 8 વાગ્યા સુધીની તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે
નવી દિલ્હી: ફાની ચક્રવાતને પગલે ઓરિસ્સામાં તોફાની વાવાઝોડા સાથે ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. વાવાઝોડાને પગલે વહીવટી તંત્ર સાબદુ બન્યું છે અને રાહત બચાવની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવાઇ છે. ફાની પ્રભાવિત વિસ્તારમાંથી અંદાજે 11 લાખથી વધુ લોકોને સલામત રીતે સ્થળાંતર કરી દેવાયા છે. આ ઉપરાંત ફાની ચક્રવાતને પગલે આ વિસ્તારમાં રેલવે અને વિમાન સેવાને ભારે અસર પડી છે. ઘણી ટ્રેનો અને ફ્લાઇટના શિડ્યૂલ રદ કરવામાં આવ્યા છે.
ફાની ચક્રવાતને પગલે આ વિસ્તારમાં તબાહી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ ભુવનેશ્વર અને કોલકત્તા એરપોર્ટ પર અવરજવર કરનારા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં લેતાં તાકીદનું જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. ભુવનેશ્વર એરપોર્ટ પર શુક્રવાર દરમિયાન તમામ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે જ્યારે કોલકત્તામાં પણ શુક્રવાર બપોરથી શનિવાર સવાર સુધી વિમાન સેવા રદ કરવામાં આવી છે.
ફાની ચક્રવાત: લેટેસ્ટ ન્યૂઝ જાણવા ક્લિક કરો
IMDના અધિકારીએ જણાવ્યું કે 1999ના સુપર સાઈક્લોન બાદ પહેલીવાર એવું બનશે કે જ્યારે રાજ્ય આટલા ભીષણ તોફાનનો સામનો કરશે. 1999માં આવેલા સુપર સાઈક્લોનમાં 10,000 લોકોના જીવ ગયા હતાં. લોકોને હાલ ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. ઓડિશાના 17 જિલ્લામાં ફાની તોફાનને લઈને અલર્ટ જાહેર કરાઈ છે. આ સાથે જ તમામ શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ જાણવા જુઓ LIVE TV