Farmers Protest: કિસાનોની દિલ્હી માર્ચ પર લાગી બ્રેક, SKMએ કહ્યું- 29 માર્ચે લેશું નિર્ણય
કેન્દ્ર સરકાર પાસે પોતાની માંગોને પૂરી કરાવવા માટે પંજાબના કિસાન શંભુ બોર્ડર પર પ્રદર્શન કરી રહ્યાં છે. કિસાન આ વખતે દિલ્હી માર્ચની જાહેરાત કરી આંદોલન માટે નિકળ્યા છે. પરંતુ તેમની દિલ્હી માર્ચ પર થોડા દિવસની બ્રેક લાગી છે. આવો જાણીએ શું છે મામલો..
નવી દિલ્હીઃ ખેડૂતો પોતાની માંગોને પૂરી કરાવવા માટે દિલ્હી તરફ માર્ચ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેના કારણે શંભુ બોર્ડર પર ખેડૂતો અને હરિયાણા પોલીસ વચ્ચે મહાસંગ્રામ છેડાયો છે. પરંતુ છેલ્લા બે દિવસથી ખેડૂતોની દિલ્હી ચલો માર્ચ અટવાયેલી છે અને આજે સાંજે સંયુક્ત કિસાન મોર્ચાએ દિલ્હી માર્ચ પર મોટી જાહેરાત કરી છે. સંયુક્ત કિસાન મોર્ચાએ કહ્યું કે, 29 ફેબ્રુઆરી સુધી દિલ્હી ચલો માર્ચ સ્થગિત કરી દેવામાં આવી છે. કિસાન યુનિયન નેતા સરવન સિંહ પંઢેરે જણાવ્યું કે આંદોલનની આગળની રણનીતિ માટે 29 ફેબ્રુઆરીએ જાહેરાત કરવામાં આવશે. આ સાથે કિસાન નેતાએ યુવા ખેડૂત શુભકરણ સિંહના મોત પર એફઆઈઆર દાખલ કરવાની માંગ કરી છે. નોંધનીય છે કે બુધવારે કિસાન નેતા સ્વર્ણ સિંહ પંઢેરે બે દિવસ માટે દિલ્હી માર્ચને સ્થગિત કરી હતી.
શું છે ખેડૂતોનો આગળનો પ્લાન
સંયુક્ત કિસાન મોર્ચાએ ભલે દિલ્હી ચલો માર્ચ થોડા દિવસ રોકી દીધી છે. પરંતુ આ વચ્ચે ખેડૂતો પોતાનું વિરોધ પ્રદર્શન યથાવત રાખશે. કિસાન નેતા પંઢેરે કહ્યુ કે અમે અમારા યુવા ખેડૂતને ગુમાવ્યો છે. અમે નિર્ણય કર્યો છે કે 24 ફેબ્રુઆરીએ કેન્ડલ માર્ચ કાઢીશું. તો 25 ફેબ્રુઆરીએ શંભુ અને ખિનૌરી બોર્ડર પર અમે સેમિનાર કરીશું અને ડબલ્યૂટીઓનું પુતળા દહન કરીશું. કિસાન નેતા પંઢેરે આગળ કહ્યું કે 27 ફેબ્રુઆરીએ કિસાન યુનિયનો સાથે બેઠક કરીશું અને પછી 29 ફેબ્રુઆરીએ અમે અમારા આગળના નિર્ણયની જાહેરાત કરીશું.
આ પણ વાંચોઃ હવે એકલી મહિલા પણ માતા બની શકશે, કેન્દ્ર સરકારે સરોગસીના નિયમોમાં કર્યા ફેરફાર
આજે કિસાન નેતાઓએ મનાવ્યો બ્લેક ફ્રાઇડે
હરિયાણા અને પંજાબને જોડતી ખિનૌરી બોર્ડર પર એક કિસાન આંદોલનકારીનું મોત થઈ ગયું હતું. જેના કારણે આજે સંયુક્ત કિસાન મોર્ચાએ બ્લેક ફ્રાઇડે મનાવ્યો હતો. આ દરમિયાન એસકેએમની પોલિટિકલ વિંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અનિલ વિજના પુતળાનું દહન કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
સરકાર જલ્દી કરશે પાંચમાં રાઉન્ડની વાતચીત
કિસાન આંદોલનના દિલ્હી માર્ચ પહેલાથી જ કેન્દ્ર સરકારના મંત્રી અને કિસાન નેતા બેઠક કરી રહ્યાં છે. અત્યાર સુધી સરકાર અને કિસાનો વચ્ચે ચાર વખત વાતચીત થઈ છે. પરંતુ આ બેઠકોનું કોઈ પરિણામ આવ્યું નથી. પરંતુ હજુ સરકાર કિસાનો સાથે વાતચીત દ્વારા સમાધાન કાઢવા ઈચ્છે છે. તેવામાં બંને પક્ષે જલ્દી પાંચમાં તબક્કાની વાતચીત થઈ શકે છે.