શ્રોતાઓને મંત્રમુગ્ધ કરીને લાખોની કમાણી કરતી કિશોરી, નાની ઉંમરમાં કઈ રીતે એક સાધ્વી બની ગઈ સેલિબ્રિટી
મૂળ રાજસ્થાનની રહેવાસી જયા શર્મા આજે દેશભરમાં સાધ્વી જયા કિશોરીના નામથી લોકપ્રિય થઈ ચૂકી છે. તેમને લાખો લોકો ફોલો કરે છે. જયા કિશોરીને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. જયા કિશોરી અત્યંત નાની ઉંમરમાં જે જગ્યાએ પહોંચી છે તેનો શ્રેય તે પિતા શિવશંકર શર્માને આપે છે. પિતા શિવશંકર શર્મા રાજસ્થાનના સુઝાનગઢના એક અત્યંત સાધારણ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે.
ઝી બ્યૂરો, અમદાવાદઃ જયા કિશોરી આજે દેશનું ચર્ચિત નામ બની ચૂક્યું છે. માત્ર 22 વર્ષની ઉંમરમાં આ યુવા સાધ્વીએ ખૂબ લોકપ્રિયતા મેળવી લીધી છે. દેશભરમાં જયા કિશોરીના પ્રવચન અને કથા વાચનના કાર્યક્રમ થાય છે. તેમની કર્ણપ્રિય કથા અને પ્રવચન સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે. જયા કિશોરીનો કાર્યક્રમ કરાવવા માટે એક નક્કી રકમ ખર્ચ કરવાની હોય છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જયા કિશોરીના એક પ્રોગ્રામની ફી 9 લાખ 50 હજાર રૂપિયા છે. પ્રોગ્રામ કરાવનારાએ કુલ ફીની અડધી રકમ એડવાન્સ તરીકે આપવાની હોય છે અને બાકીની રકમ કાર્યક્રમ પૂરી થયા પછી આપવાની હોય છે. દેશભરમાં થતાં આવા અનેક કાર્યક્રમોથી જયા કિશોરીની સારી એવી કમાણી થાય છે. આ કમાણીનો હિસાબ તેના પિતા રાખે છે.જયા કિશોરીના પિતા શિવશંકર શર્મા તેના કાર્યક્રમના સંયોજક અને મેનેજર તરીકે કામ કરે છે.
જયા કિશોરીના પિતા શિવશંકર શર્મા રાજસ્થાનના સુઝાનગઢના એક અત્યંત સાધારણ બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. લગ્ન પછી તે સુઝાનગઢથી કામ-કાજ માટે કોલકાતા ચાલ્યા ગયા. ત્યાં જયા કિશોરીનો જન્મ થયો. પુત્રીના જન્મ પછી શિવશંકર શર્માનું જીવન બદલાઈ ગયું. પુત્રી જયા જ્યારે 10 વર્ષની થઈ ત્યારે પિતાએ પોતાનો તમામ સમય પુત્રીની સાથે પસાર કરવાનું શરૂ કર્યું. જયા કિશોરીને ભજન ગાવા અને શીખવાનો શોખ હતો. જેને શિવશંકર શર્માએ પૂરો કર્યો. તેમના પરિવારમાં વેસ્ટર્ન ડાન્સને સારો માનવામાં આવતો નથી. તેમ છતાં જયાને ડાન્સની ટ્રેનિંગ પણ અપાવી.
પુત્રી માટે પિતાએ પોતાનો વેપાર પણ બંધ કરી દીધો. હવે તે હંમેશા પુત્રીની સાથે રહે છે. કામની વાત કરીએ તો તે એક કુશળ મેનેજરની જેમ પુત્રીના તમામ કામને સંભાળે છે. જયા કિશોરી પણ પોતાના પિતાને જ મેન્ટોર માને છે. તે કહે છે કે જે પણ પોતાની ખામીઓને બતાવવા અને તેને સુધારવામાં તમારી મદદ કરે તે જ તમારા સાચા ગુરુ છે. જયા કિશોરી પિતાની સાથએ ઘણું સારું બોન્ડિંગ ધરાવે છે. તે પબ્લિક પ્લેસ પર પણ પોતાના પિતાનો હાથ પકડીને ચાલે છે.
જયા કિશોરી સોશિયલ મીડિયામાં અવારનવાર પોતાના પિતાની સાથે તમામ તસવીરો પોસ્ટ કરે છે. જયા કિશોરીની જેટલી પણ આવક થાય છે તેનો અડધો ભાગ તે મહારાષ્ટ્રના નારાયણ સેવા સંસ્થાનને દાન કરી દે છે. આ સંસ્થા ગરીબો અને વિકલાંગો માટે કામ કરે છે. તે ઉપરાંત જયા કિશોરીની પોતાની પણ એક સંસ્થા છે, જે જરૂરિયાતમંદો માટે કામ કરી રહી છે. જયા પોતાની કમાણીનો મોટો ભાગ આ સંસ્થામાં પણ ખર્ચ કરે છે. જયા કિશોરીએ પોતે જાહેરાત પણ કરી છે કે તે આવનારા સમયમાં લગ્ન પણ કરશે. પોતાની કમાણીનો કેટલોક ભાગ તે પોતાના ભવિષ્ય માટે બચાવીને પણ રાખે છે.