જયા પ્રદા માટે વિવાદિત નિવેદન કરીને મોટી મુશ્કેલીમાં મુકાયા આઝમ ખાન, FIR દાખલ
શાહાબાદ મેજિસ્ટ્રેટ મહેશકુમાર ગુપ્તાની ફરિયાદ પર આ એફઆઈઆર નોંધાઈ છે.
રામપુર: લોકસભા ચૂંટણી 2019ના પ્રચાર દરમિયાન સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન દ્વારા ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીએ મોટા વિવાદનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે. આઝમ ખાન સામે એફઆઈઆર દાખલ થઈ છે. આઝમ ખાન વિરુદ્ધ રામપુરના શાહાબાદ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે. એવું કહેવાય છે કે શાહાબાદ મેજિસ્ટ્રેટ મહેશકુમાર ગુપ્તાની ફરિયાદ પર આ એફઆઈઆર નોંધાઈ છે. આઝમ ખાનના નિવેદન પર ભાજપના વરિષ્ઠ નેતા અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ કડક આપત્તિ વ્યક્ત કરતા મુલાયમ સિંહને સંબોધીને એક ટ્વિટ કરી હતી. સુષમાએ ટ્વિટ કરીને લખ્યું કે રામપુરમાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે, મુલાયમ સિંહ મૌન સાધવાની ભૂલ ન કરે.
સુષમા સ્વરાજે સોમવારે સવારે ટ્વિટ કરીને કહ્યું કે મુલાયમભાઈ, તમે સમાજવાદી પાર્ટીના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું ચીરહરણ થઈ રહ્યું છે. તમે ભીષ્મની જેમ મૌન સાધવાની ભૂલ ન કરો. સુષમા સ્વરાજે આ ટ્વિટમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમના પત્ની ડિમ્પલ યાદવ અને જયા બચ્ચનને પણ ટેગ કર્યા છે.
શું કહ્યું હતું આઝમ ખાને?
અત્રે જણાવવાનું કે ઉત્તરપ્રદેશના રામપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમખાને આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી જયાપ્રદા અંગે અત્યંત વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે જયાપ્રદા વિશે ટિપ્પણી કરવામાં તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે.
આઝમખાને રામપુરમાં એક રેલીમાં સંબોધન દરમિયાન જણાવ્યું કે, "આપણે જેને આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે જેને 10 વર્ષ સુધી તમારા પ્રતિનિધિ બનાવ્યા, તેની અસલિયત જાણવામાં તમને 17 વર્ષ લાગી ગયા. હું 17 દિવસમાં જ ઓળખી ગયો હતો કે તેમના અંદરનું અંડરવિયર ખાખી રંગનું છે."
ઉલ્લેખનીય છે કે, જયાપ્રદાએ વર્ષ 2004 અને 2009ની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર આ બેઠક પરથી વિજય મેળવ્યો હતો. 2010માં તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ રહેવા અને અમર સિંહ સાથે સંપર્કમાં રહેવાને કારણે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.
આખરે જયા પ્રદાએ કેમ કહેવું પડ્યું, ‘અખિલેશ તમારા પણ સંસ્કાર મરી ગયા છે...’
જયા પ્રદાએ કર્યો વળતો પ્રહાર
આઝમ ખાનના નિવેદનનો જવાબ આપતા જયા પ્રદાએ પુરાનેગંજમાં એક સભા દરમિયાન આઝમ ખાનને ભાઈ સંબોધિત કરતા કહ્યું કે, "મેં ક્યારેય તમને અભદ્ર શબ્દ કહ્યા નથી. આ મારા સંસ્કાર છે. હું તમારી સામે આવીને પણ બોલી શકું છું કે તમે જૂઠ્ઠા છો. તમે જૂઠ બોલીને ભ્રમ ફેલાવો છો, જેથી હું રામપુરમાંથી ભાગી જાઉં."આઝમ ખાન હંમેશાં તેમના વિવાદિત નિવેદનને મુદ્દે ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જ આઝમ ખાને જયા પ્રદાને એક નાચનારી જણાવી હતી.
જુઓ LIVE TV