જમ્મુ-કાશ્મીર : પાકિસ્તાન કરી રહ્યું છે જોરદાર ફાયરિંગ, BSF આપી રહ્યું છે જડબાતોડ જવાબ
છેલ્લા કેટલાક દિવસથી બોર્ડર વિસ્તારમાં પાકિસ્તાન જબરદસ્ત ફાયરિંગ કરી રહ્યું છે જે રોકાઈ નથી રહ્યું
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરના અરનિયા, આરએસ પુરા અને રામગઢ સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ગત રાત્રે જબરદસ્ત ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ફાયરિંગ છેલ્લા કેટલાક દિવસથી સતત ચાલુ છે જેનો બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના જવાનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે. આ ફાયરિંગના કારણે બોર્ડર વિસ્તારનું સામાન્ય જનજીવન બહુ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
અમદાવાદમાં કોઈ તમને આપે 100 કે 500 રૂ.ની નોટ તો બે વાર ચેક કરજો કારણ કે...
આ પહેલાં રવિવારે પાકિસ્તાની સૈનિકોએ કરેલા ફાયરિંગ અને મોર્ટાર હુમલામાં એક આઠ મહિનાના બાળકનું મોત થઈ ગયું તેમજ વિશેષ પોલીસ અધિકારી સહિત છ લોકો ઘાયલ થયા હતા. જોકે ભારતીય જવાનો પણ આ ફાયરિંગનો જવાબ આપી રહ્યા હતા. આ ઘટનાની વિગતો જોઈએ તો આઠ મહિનાનો નિતિન કુમાર નિયંત્રણ રેખા પર આવેલા પલ્લનવાલા સેક્ટરમાં પોતાના પરિવાર સાથે ઘરની બહાર સુતેલો હતો ત્યારે પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં તેનું મૃત્યુ થયું હતું.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબબા મુફ્તીએ આ ફાયરિંગની ઘટનાઓને ‘‘દુર્ભાગ્યપૂર્ણ’’ ગણાવી છે. નોંધનીય છે કે રાજ્ય સરકારે રમઝાન મહિનામાં રાજ્યમાં ફાયરિંગ પર એકતરફી પ્રતિબંધ મૂકી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ફાયરિંગના મામલે કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે રમઝાનના પવિત્ર મહિનામાં લોકોના જીવ લઈને પાકિસ્તાને આ મહિનાનો અનાદર કર્યો છે.
આ ફાયરિંગની ઘટનાઓ વિશે બીએસએફ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે રવિવારે સવારે લગભગ સાત વાગ્યાથી મોર્ટારના હુમલા શરૂ કરવામાં આવ્યા હતા જેના કારણે વિક્રમ, ચિનાજ અને જબોવાલાની ચોકી પ્રભાવિત થઈ હતી. ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો અને બંને વચ્ચેનું ફાયરિંગ લગભગ બપોરે 2 વાગ્યે અટક્યું હતું. જોકે પાકિસ્તાને થોડાક વિરામ પછી ફાયરિંગ શરૂ કરી દેતા બીએસએફ દ્વારા પણ વળતો જવાબ આપવામાં આવ્યો હતો.