4 મહિના ચાલી હતી દેશની પ્રથમ લોકસભા ચૂંટણી, 45.67 ટકા થયું હતું મતદાન, જાણો રસપ્રદ આંકડા
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેરાત કરવાની સાથે દેશમાં ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે અમે આજે તમને દેશમાં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણીની માહિતી આપીશું.
નવી દિલ્હીઃ વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ભારતમાં લોકસભા ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે અને 1 જૂન સુધી તમદાન થશે. સાત ફેઝમાં યોજાનારી ચૂંટણીનું પરિણામ 4 જૂને આવશે. પરંતુ તે વાત ધ્યાન આપવા જેવી છે કે આ વખતે લોકસભા ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા 44 દિવસમાં પૂરી થશે, જે 1951-52ની પ્રથમ સંસદીય ચૂંટણી બાદ મતદાનનો સૌથી લાંબો સમયગાળો હશે. નોંધનીય છે કે પ્રથમ ચૂંટણીમાં મતદાન ચાર મહિના કરતા વધુ સમય ચાલ્યું હતું. આ વખતે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની જાહેરાતથી લઈને મતગણતરી થવા સુધી ચૂંટણી પ્રક્રિયા કુલ 82 દિવસમાં પૂર્ણ થશે.
1951માં શરૂ 1952માં સમાપ્ત
પરંતુ ચૂંટણીના માહોલ વચ્ચે અમે તમને ભારતની પ્રથમ સંસદીય ચૂંટણી સાથે જોડાયેલી રોચક વાતો જણાવી રહ્યાં છીએ. દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી 25 ઓક્ટોબર 1951થી લઈને 21 ફેબ્રુઆરી 1952 સુધી ચાલી હતી. એટલે કે ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી શરૂ થઈ અને પૂર્ણ થઈ તો વર્ષ બદલાઈ ગયું હતું. આ સમયગાળાની દ્રષ્ટિએ ભારતની સૌથી લાંબી ચૂંટણી હતી. તો દેશમાં સૌથી ઓછા સમયમાં લોકસભા ચૂંટણી 1980માં થઈ હતી, જ્યારે માત્ર ચાર દિવસમાં મતદાન સમાપ્ત થઈ ગયું હતું. પ્રથમ ચૂંટણીમાં મતદાન ચાર મહિના કરતા વધુ સમય ચાલ્યું હતું.
1951માં પણ હતી દુનિયાની સૌથી મોટી ચૂંટણી
વર્ષ 1951માં ભારતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં વિશ્વની વસ્તીનો આશરે 17 ટકા ભાગ મતદાન કરવાનો હતો. ભારતની પ્રથમ લોકસભા ચૂંટણી ત્યારે પણ તે સમયની સૌથી મોટી ચૂંટણી હતી અને આજે પણ દુનિયાનું સૌથી મોટું મતદાન છે. આ દરમિયાન અલગ-અલગ તારીખોમાં કુલ 17 દિવસ મતદાન થયું હતું. ત્યારે ચૂંટણી પંચે દેશભરમાં 1,96,084 મતદાન કેન્દ્રો સ્થાપિત કર્યાં હતા.
આ પણ વાંચોઃ દિલદાર દાદા...ઘોડિયામાં રમતાં પૌત્રને બનાવી દીધો બિલેનિયર,ગિફ્ટ કર્યા 240 કરોડના શેર
સુકુમાર સેને કરાવી હતી પ્રથમ લોકસભા ચૂંટણી
ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા, જેમણે આઝાદ ભારતની પ્રથમ ચૂંટણી કરાવી હતી. અહીં ધ્યાન આપવા જેવી વાત છે કે 1951માં દેશમાં યોજાયેલી પ્રથમ ચૂંટણી દરમિયાન ન તો દેશના મતદાતાઓની પાસે ચૂંટણીનો કોઈ પૂર્વ અનુભવ હતો અને ન ચૂંટણી પંચની પાયે કોઈ પાયાની સુવિધા. ભારતમાં પ્રથમ લોકસભા ચૂંટણી 25 ઓક્ટોબર, 1951થી શરૂ થઈ અને ત્યારબાદ 17 એપ્રિલ 1952ના દેશમાં પ્રથમ લોકસભાની રચના થઈ હતી. ત્યારે જવાહર લાલ નેહરૂ પ્રથમ ચૂંટાયેલા પ્રધાનમંત્રી બન્યા અને ત્યારબાદ તેમણે પોતાના મંત્રીમંડળની રચના કરી હતી.
499 સીટો પર યોજાઈ હતી ચૂંટણી
વર્ષ 1951-1952માં પ્રથમ લોકસભા ચૂંટણી દરમિયાન ભારતની કુલ વસ્તી 36 કરોડ હતી. પ્રથમ સામાન્ય ચૂંટણીમાં 10 કરોડ 59 લાખ મતદાતાઓએ મતદાન કર્યું હતું. 1951-52 ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં કુલ 45.67 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં દેશભરમાં 499 સીટો પર મતદાન કરવામાં આવ્યું હતું અને 1874 ઉમેદવારો મેદાનમાં હતા. 1951-52 ની ચૂંટણીમાં કુલ 53 પાર્ટીઓ ચૂંટણી મેદાનમાં હતી, જેમાં 14 રાષ્ટ્રીય પાર્ટીઓ અને 39 પ્રાદેશિક પાર્ટીઓ હતી.