યાદગાર દિવસને આડે હવે ગણતરીના કલાકો બાકી, રામ મંદિરને ફૂલો અને લાઈટિંગનો શણગાર
પ્રાણ પ્રતિષ્ઠા પહેલા અયોધ્યામાં ભરપૂર રોનક છે. રામ મંદિર રંગબેરંગી રોશનીથી જગમચી રહ્યું છે. 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા રામ મંદિરનો એક વીડિયો સામે આવ્યો છે.
અયોધ્યાઃ અયોધ્યા નગરી આમ તો છેલ્લા ઘણા સમયથી રામમય બની ચૂકી છે, પણ પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પહેલાં માહોલ અનોખો છે. રામ મંદિરને ફૂલો અને લાઈટિંગનો શણગાર કરવામાં આવ્યો છે. આમંત્રિતો આવવાના શરૂ થઈ ગયા છે. સલામતી માટે અભૂતપૂર્વ વ્યવસ્થા કરાઈ છે.
એ ઘડી હવે દૂર નથી જ્યારે અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. રામલલાની પ્રતિમાના દર્શન આખી દુનિયા કરી ચૂકી છે, હવે પ્રતિમામાં પ્રાણ પૂરાય તેની રાહ જોવાઈ રહી છે.
22 ડિસેમ્બર 2024ના રોજ દેશ આ ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનશે...આ યાદગાર દિવસને આડે હવે ગણતરીના કલાકો બાકી છે... ત્યારે રામ મંદિર આ અવસર માટે તૈયાર છે. મંદિરને શિખરથી લઈને ભોંયતળિયા સુધી ફૂલથી શણગારવામાં આવ્યું છે...રંગબેરંગી ફૂલોથી મંદિરની સુંદરતામાં વધારો થયો છે...
મંદિરની અંદરના દ્રશ્યો પણ અદભૂત છે. સફેદ રંગના માર્બલ અને ફૂલોના સંગમથી મંદિર દીપી ઉઠ્યું છે. મંદિરમાં લાઈટિંગનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. દૂરથી જોતાં મંદિરનો નજારો અદભૂત લાગે છે.. પ્રાણ પ્રતિષ્ઠા સુધી મંદિરનું આ મનમોહક સ્વરૂપ જોઈ શકાશે.
રામલલા માટે પ્રસાદ અને ભેટનો ભંડાર, હૈદરાબાદથી આવ્યો 1265 કિલોનો લાડુ
રામ મંદિર પરિસરની સુરક્ષા માટે યુપી પોલીસે ડ્રોન અને એન્ટી ડ્રોન સિસ્ટમની મદદ લીધી છે...પોલીસે તૈયાર કરેલા ગરુડ નામના ડ્રોનની ખાસિયત એ છે કે તેનાથી લોકોને સંબોધન પણ કરી શકાય છે.
22મી જાન્યુઆરી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પણ જાહેર કરાયો છે. તેઓ સવારે 10 વાગીને 25 મિનિટે અયોધ્યા એરપોર્ટ પહોંચશે. ત્યારબાદ 10.55 કલાકે રામજન્મભૂમિ મંદિર જશે. બપોરે 12 વાગીને 5 મિનિટે પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા શરૂ થશે, જે 12 વાગીને 55 મિનિટ સુધી ચાલશે. આ અનુષ્ઠાનમાં હાજરી આપ્યા બાદ પીએમ કાર્યક્રમ સ્થળે મંચ પર પહોંચશે. 2 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે. બપોરે 2 વાગીને 10 મિનિટે પીએમ કુબેર ટીલા પરના શિવ મંદિરના દર્શન અને પૂજા કરશે. અઢી વાગ્યાની આસપાસ કાર્યક્રમ પૂર્ણ થશે.