જમ્મુ: પાકિસ્તાનની નાપાક હરકતો બંધ થવાનું નામ જ લેતી નથી. પાકિસ્તાન તરફથી ગત મોડી રાતે જમ્મુ અને કાશ્મીરના સાંભાના રામગઢ સેક્ટરના ચમલિયાલ પોસ્ટ પર થયેલા ફાયરિંગમાં બીએસએફના 3 જાબાંઝ ઓફિસરો સહિત એક જવાન શહીદ થઈ ગયાં. આ ઉપરાંત 3 જવાનો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ગત રાતે જમ્મુ કાશ્મીરના ચમલિયાલ પોસ્ટ પર પાકિસ્તાની રેન્જર્સે ફાયરિંગ  કર્યું. મળતી માહિતી મુજબ રાતે 10.20 વાગે પાકિસ્તાને નાના આર્મ્સ અને મોર્ટાર છોડ્યાં હતાં.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હુમલામાં બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડેન્ટ જતિન્દર સિંહ, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર રામ નિવાસ, એક સબ ઈન્સ્પેક્ટર અને એક જવાન શહીદ થઈ ગયાં. હુમલામાં 3 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બાજુ ભારતીય સેનાના જવાનો પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યાં છે. અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાન તરફથી સીઝફાયરના ભંગની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. શનિવારે પણ પાકિસ્તાન રેન્જર્સના જવાનોએ અખનૂરના પરગવાલ સેક્ટરમાં ભારે ફાયરિંગ કર્યું હતું. જેના કારણે બીએસએફના બે જવાનો જવાબી કાર્યવાહી દરમિયાન શહીદ થઈ ગયા હતાં.



અત્રે જણાવવાનું કે હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ સ્તર પર સરહદે શાંતિ બહાલ કરવાની દિશામાં પગલું લેવાયું હતું અને આવા સમયે જ પાકિસ્તાન દ્વારા સતત સરહદ પર સીઝફાયરનો ભંગ થઈ રહ્યો છે. શનિવાર અને રવિવારના પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ અપાયા બાદ પાકિસ્તાન ઘૂંટણિયે પડ્યું હતું અને ત્યારબાદ સોમવારે સાંજે આરએસપુરા સ્થિત પાકિસ્તાન-ભારત સરહદ પર ફ્લેગ મિટિંગનું આયોજન થયું હતું.


આ બેઠકમાં બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સના વરિષ્ઠ અધિકારીઓ સામેલ થયા હતાં. બેઠકમાં ભારતે પાકિસ્તાનના અધિકારીઓને સીઝફાયરના ભંગની ઘટનાઓ પર વિરોધ જતાવતા શાંતિ બહાલ કરવા માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની વાત કરી હતી. પાકિસ્તાને પણ ત્યારે તો વચન આપ્યું હતું પરંતુ લાગે છે કે પાકિસ્તાનને શાંતિ ગમતી નથી.