લખનઉ/નવી દિલ્હી: પૂર્વાંચલના કુખ્યાત ડોન પ્રેમ પ્રકાશ ઉર્ફે મુન્ના બજરંગીની બાગપત જેલમાં હત્યા કરી દેવાઈ છે. જેલમાં માફિયા ડોનની હત્યાથી અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. મુન્ના બજરંગીની પત્નીએ થોડા દિવસ પહેલા જ પતિની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. આવામાં જેલની અંદર જ હત્યા થયા બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યાં છે. પોલીસે સમગ્ર મામલે તપાસમાં લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક દિવસ પહેલા જ મુન્ના બજરંગીને ઝાંસી જેલથી બાગપત જેલ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. પૂર્વ બસપા ધારાસભ્ય લોકેશ દીક્ષિત પાસે ખંડણી માંગવાના આરોપમાં આજે મુન્ના બજરંગીની બાગપત કોર્ટમાં પેશી હતી. મુન્ના બજરંગીની ગણતરી પૂર્વાંચલના કુખ્યાત અપરાધીઓમાં થાય છે. અનેક મોટી અપરાધિક વારદાતોમાં બજરંગીનું નામ સામે આવ્યું હતું. મુન્ના બજરંગીના પરિજનોએ અગાઉ આશંકા વ્યક્ત કરી હતી કે બાગપત જેલમાં તેની હત્યા થઈ શકે છે. 29 જૂનના રોજ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મુન્ના બજરંગીની પત્નીએ સીમા સિંહે કહ્યું હતું કે જેલમાં તેના પતિના જીવને જોખમ છે. 


આ અગાઉ મુન્ના બજરંગીની પત્ની સીમા સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સુરક્ષાની ગુહાર લગાવતા કહ્યું હતું કે યુપી એસટીએફ અને પોલીસના ઉચ્ચાધિકારીઓ તેના પતિને નકલી એન્કાઉન્ટરમાં મારી શકે છે. સીમા સિંહે કહ્યું કે તેના પતિ મુન્ના બજરંગને જીવનું જોખમ છે. સીમાના કહેવા મુજબ મુન્ના બજરંગી પર ઝાંસીની જેલમાં અનેકવાર જીવલેણ હુમલા થઈ ચૂક્યા છે. 


સીમા સિંહે આરોપ લગાવ્યો હતો કે મારા પતિને કેટલાક પ્રભાવશાળી લોકોએ કાવતરા હેઠળ અનેકવાર મારવાની કોશિશ કરી છે. આ પ્રયત્ન અગાઉ અનેકવાર થઈ ચૂક્યો છે. તેમના કહેવા મુજબ આ મામલે અનેક જવાબદાર અધિકારીઓને ફરિયાદ પણ કરવામાં આવી પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.