નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસથી ભારતનાં કોર્પોરેટ જગતમાં જે ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે, તેનાથી ભારતનાં ટોચનાં બે અબજોપતિઓએ પીછેહઠ કરવી પડી છે. ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી દુનિયાનાં ટોચનાં 10 અબજોપતિઓની યાદીમાંથી બહાર થઈ ગયા છે. 24 જાન્યુઆરીનાં રોજ અમેરિકાની રિસર્ચ કંપની હિન્ડનબર્ગનો રિપોર્ટ સામે આવ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીઓનાં શેરની કિંમતમાં સતત કડાકો જોવા મળી રહ્યો છે. જેની અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પણ પડી છે. અને તેઓ ટોચનાં ધનિકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અદાણીની નેટવર્થમાં સૌથી મોટો ઘટાડો
હિન્ડનબર્ગનાં રિપોર્ટ બાદ ગૌતમ અદાણીની નેટવર્થમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્ષ અનુસાર, ગૌતમ અદાણીની કુલ સંપત્તિ ઘટીને હવે ફક્ત 84.4 અબજ ડોલર રહી ગઈ છે. આ નેટવર્થ સાથે તેઓ દુનિયાનાં 11મા સૌથી ધનિક વ્યક્તિ છે. 


આ પણ વાંચોઃ ગૌતમ અદાણી કેવી રીતે પૈસા કમાય છે, તેમના ગ્રુપની કંપની શું-શું કામ કરે છે? જાણો


3 દિવસમાં 5.5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ 
અદાણી ગ્રુપની સાત કંપનીઓનાં શેરનાં ભાવમાં જે કડાકો બોલી ગયો છે, તેનાથી ગ્રુપની કુલ માર્કેટ કેપમાં ત્રણ જ દિવસમાં 5.5 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જીના શેરમાં સૌથી વધુ 20 ટકા સુધીનો કડાકો બોલ્યો છે. અદાણી પોર્ટસ અને અદાણી વિલ્મરનાં શેર પણ તૂટ્યા છે. હજુ શેર ક્યાં સુધી તૂટશે, તે અંગે નિષ્ણાતો પણ કંઈ કહી શકતા નથી.


હિન્ડનબર્ગના રિપોર્ટમાં શું છે? 
હવે સવાલ એ ઉભો થાય છે કે આખરે અમેરિકન રિસર્ચ કંપની હિન્ડનબર્ગના રિપોર્ટમાં એવું છે શું. આ રિપોર્ટમાં કહેવાયું છે કે અદાણીની કંપનીઓ શોર્ટ પોઝિશન પર છે. રિપોર્ટમાં અદાણીની તમામ કંપનીઓએ લીધેલી લોન સામે પણ સવાલ ઉભા કરાયા છે. રિપોર્ટનું માનીએ તો અદાણી ગ્રુપની 7 મુખ્ય લિસ્ટેડ કંપનીઓ 85 ટકાથી વધુ ઓવરવેલ્યૂડ છે. રિપોર્ટમાં અદાણી ગ્રુપને 88 સવાલ પૂછવામાં આવ્યા છે. રિપોર્ટથી ભારતીય રોકાણકારોનાં સેન્ટિમેન્ટ બદલાઈ ગયા છે. જો કે અદાણી ગ્રુપે આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે.


આ પણ વાંચોઃ Budget 2023: જ્યારે દેશ પર આવ્યું હતું મોટું સંકટ, ત્યારે રજૂ થયું હતું બ્લેક બજેટ


મુકેશ અંબાણી 12મા ક્રમે
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી હવે દુનિયાનાં ધનિકોની યાદીમાં 12મા ક્રમે પહોંચી ગયા છે. તેમની કુલ નેટવર્થ 82.2 અબજ ડોલર છે. અંબાણી અને અદાણીની નેટવર્થ વચ્ચેનું અંતર પણ ઘણું ઓછું એટલે કે 2 અબજ ડોલર જેટલું રહી ગયું છે. 2022માં અદાણી દુનિયાનાં બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. 


2023માં અદાણીને સૌથી વધુ નુકસાન
2022માં જ્યાં અદાણીનું નસીબ ચમક્યું હતું, ત્યાં 2023ની શરૂઆત તેમનાં માટે જરા પણ સારી નથી રહી. આ વર્ષે તેઓ સૌથી વધુ સંપત્તિ ગુમાવવામાં ટોચ પર આવી ગયા છે. એક મહિનામાં તેમણે 36 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે.


આ પણ વાંચોઃ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, બજેટમાં થઈ શકે છે મહત્વની જાહેરાત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube