ગૌતમ અદાણી કેવી રીતે પૈસા કમાય છે, તેમના ગ્રુપની કંપની શું-શું કામ કરે છે? જાણો દરેક વિગત

ઘરના રાશનથી લઈને સીમેન્ટ, રેલવે અને એરપોર્ટ સુધી દરેક જગ્યાએ ગૌતમ અદાણીનું સામ્રાજ્ય ચાલે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અદાણી ગ્રુપે અનેક નવા બિઝનેસમાં પણ કારોબાર શરૂ કર્યો છે. પરંતુ હિંડનબર્ગના રિપોર્ટ બાદ સતત અદાણી ગ્રુપ ચર્ચામાં છે. 
 

ગૌતમ અદાણી કેવી રીતે પૈસા કમાય છે, તેમના ગ્રુપની કંપની શું-શું કામ કરે છે? જાણો દરેક વિગત

નવી દિલ્લી: હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટ પછી અદાણી ગ્રૂપના શેર ધડામ લઈને નીચે પડ્યા. છેલ્લા 3 દિવસમાં અદાણી ગ્રૂપને 66 બિલિયન ડોલર એટલે 5.38 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેની સીધી અસર ગૌતમ અદાણીની નેટવર્થ પર પડી અને એક ઝટકામાં જ તે દુનિયાના ટોપ-10 અમીરોની યાદીમાં ચોથા સ્થાનેથી ગબડીને સાતમા નંબરે પહોંચી ગયા છે. ત્યારે આવો જાણીએ કે ગૌતમ અદાણી જે કંપનીમાંથી કમાણી કરે છે તે શું કામ કરે છે.

1. અદાણી એન્ટરપ્રાઈસિસ લિમિટેડ:
ગૌતમ અદાણીએ 1988માં અદાણી એન્ટરપ્રાઈસિસ લિમિટેડ બનાવીને બિઝનેસની દુનિયામાં પગ મૂક્યો હતો. અદાણી એન્ટરપ્રાઈસિસ લિમિટેડ ધાતુ, કૃષિ ઉત્પાદન અને કપડાં જેવા ઉત્પાદનના કોમોડિટી અને ટ્રેડિંગનું કામ કરે છે.

2. અદાણી પોર્ટ્સ:
 વર્ષ 1995માં ગૌતમ અદાણીએ પોર્ટના બિઝનેસમાં એન્ટ્રી કરી. હાલના સમયે ભારતના 7 સમુદ્રી રાજ્યોમાં 13 પોર્ટમાં અદાણીનું પોર્ટ આવેલું છે. અદાણી ગ્રૂપનું મુંદ્રા પોર્ટ આજે ભારતનું સૌથી મોટું પ્રાઈવેટ પોર્ટ છે. ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી છે.

3. અદાણી પાવર: 
અદાણી પાવરની શરૂઆત 22 ઓગસ્ટ 1996માં થઈ હતી. અદાણી પાવર લિમિટેડ વિદ્યુત ઉર્જાના ઉત્પાદનથી સંબંધિત પરિયોજનાઓ પર કામ કરે છે. તેનું મુખ્યાલય ગુજરાતના અમદાવાદમાં છે. કંપનીએ દેશના 6 રાજ્ય ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થા અને ચંડીગઢમાં 12,410 મેગાવોટ કેપેસિટીનું થર્મલ પાવર લગાવ્યું છે. અદાણી પાવર દેશનું સૌથી મોટું પ્રાઈવેટ થર્મલ પાવર પ્રોડ્યુસર છે.

4. અદાણી-વિલ્મર: 
અદાણી ગ્રૂપે જાન્યુઆરી 1999માં વિલ્મર, વિલ એગ્રી બિઝનેસ ગ્રૂપ સાથે મળીને ખાદ્ય તેલના વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો. દેશમાં આજે અદાણી-વિલ્મર કંપની સૌથી વધુ વેચાતા ફોર્ચ્યુન તેલનું ઉત્પાદન કરે છે. તેલ ઉપરાંત અદાણી વિલ્મર રાશન માટે જરૂરી લગભગ દરેક વસ્તુનું ઉત્પાદન કરે છે. અદાણી વિલ્મરના શેર આસમાને છે, પરંતુ 'હિંડનબર્ગ રિસર્ચ'ના રિપોર્ટ બાદ તેની હાલત પણ ખરાબ છે.

5. અદાણી ટોટલ ગેસ:
અદાણી ટોટલ ગેસ વાહનોને સીએનજી અને ઘર-કારખાનાઓમાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)નું છૂટક વેચાણ કરે છે. અદાણી ટોટલ ગેસ પાસે ગેસ મીટર બનાવતી સ્માર્ટ મીટર્સ ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ (SMTPL)માં 50 ટકા હિસ્સો છે. અદાણી ટોટલ ગેસ ગુજરાતમાં વડોદરા અને અમદાવાદ, હરિયાણાના ફરીદાબાદ અને ઉત્તર પ્રદેશમાં ખુર્જામાં વિતરણ નેટવર્ક ધરાવે છે. આ સિવાય અલાહાબાદ, ચંડીગઢ, એર્નાકુલમ, પાણીપત, દમણ, ધારવાડ અને ઉદ્યમ સિંહ નગરમાં ગેસ વિતરણનું કામ અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડની પાસે છે. 

6. અદાણી ગ્રીન એનર્જી: 
અદાણી ગ્રીન એનર્જી દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની છે. જેની કુલ ક્ષમતા 12.3 ગીગાવોટ (GW) છે. અદાણી ગ્રીન એનર્જી તેના પોર્ટફોલિયોમાં પવન અને સૌર ઉર્જા પ્લાન્ટ સાથે જૂથની ઉર્જા શાખા છે. અદાણી ગ્રીન એનર્જી વર્ષ 2025 સુધીમાં 25 ગીગાવોટની ક્ષમતા પૂર્ણ કરવા માંગે છે.

7.અદાણી ટ્રાન્સમિશન:
અદાણી ટ્રાન્સમિશન લિમિટેડ ભારતની સૌથી મોટી ખાનગી વિજળી વિતરણ કંપની છે. તેની સ્થાપના 2006માં થઈ હતી. અદાણી ટ્રાન્સમિશન લિમિટેડની ઓફિસ ગુજરાતના અમદાવાદમાં છે. જે ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી વિજળી ટ્રાન્સમિશન કંપનીઓમાંથી એક છે. તેની હાજરી ભારતના દરેક વિસ્તારમાં છે.

8. અદાણી એરપોર્ટ:
2019માં અદાણી જૂથે એરપોર્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો. ગૌતમ અદાણીનો પુત્ર કરણ અદાણી આ કામ જુએ છે. તેઓ આ કંપનીના ડાયરેક્ટર છે. અદાણી ગ્રુપ અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં છ એરપોર્ટના આધુનિકીકરણ અને સંચાલન કરે છે. 

9. અદાણી સિમેન્ટ:
વર્ષ 2022માં અદાણી ગ્રૂપે અંબુજા સિમેન્ટ્સમાં 63.15 ટકા અને એસીસીમાં 56.69 ટકા ભાગીદારી ખરીદી હતી. અંબુજા સિમેન્ટ અને એસીસી લિમિટેડની સંયુક્ત ક્ષમતા 66 મિલિયન ટન વાર્ષિક છે. આ ડીલ પછી અદાણી એક ઝટકામાં ભારતમાં સિમેન્ટ સેક્ટરના બીજા સૌથી મોટા ખેલાડી બની ગયા. અંબુજા સિમેન્ટના દેશમાં 6 સિમેન્ટ પ્લાન્ટ છે. જ્યારે 8 સિમેન્ટ ગ્રાઈન્ડિંગ યુનિટ છે. અંબુજા સિમેન્ટની એકમાત્ર પ્રોડક્શન કેપેસિટી 3.1 કરોડ ટન છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news