એક નહીં ચાર ચાર ગોલ્ડ મેડલ જીત્યા બાદ પણ કલાઇમણીની સ્થિતિ જાણી તમે ચોંકી ઉઠશો
દેશને ગૌરવ અપાવનાર મહિલા ખેલાડીએ સરકારને મદદ માટે અપીલ કર્યા બાદ પણ ખાસ કંઇ મદદ ન મળતાં છેવટે ગુજરાન માટે ચા વેચી રહી છે.
નવી દિલ્હી : એક તરફ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં ચાલી રહેલા 21મા કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ સોનાનો વરસાદ કરી રહ્યા છે ત્યારે દેશમાં જોવા મળી રહેલી વાસ્તવિકતા ચોંકાવનારી છે. જેણે દેશ માટે પરસેવો વહાવી મેડલ અપાવ્યા છે એવા ઘણા ખેલાડીઓની સ્થિતિ ઘણી કફોડી છે. બે ટંકનું પેટીયું રળવા માટે ન જાણે કેવી મજબૂરીમાં મુકાઇ રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો તમિલનાડુમાં જોવા મળી રહ્યો છે.
એક સમયે જેના નામનો ડંકો વાગતો હતો એવી દોડવીર આજે જીંદગીના જંગમાં બે પગે ઉભી રહી શકતી નથી. ગરીબી અને આર્થિક કંગાળ સ્થિતિ વચ્ચે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મથામણ કરી રહી છે. 45 વર્ષિય રાજ્યકક્ષાની જાણીતી એથ્લેટ કલાઇમણી પરિવાર માટે ચા વેચી રહી છે.
કોમનવેલ્થ ગેમ્સ 2018 : ભારતીય ખેલાડીઓએ કર્યો સોનાનો વરસાદ
કલાઇમણીએ પોતાની કેરિયરમાં ચાર ગોલ્ડ મેડલ મેળવી નામ રોશન કર્યું હતું. ફોનેક્સ રનર્સ ટીમ સાથે 41 કિલોમીટર મેરેથોન દોડમાં ભાગ લઇ રહી છે. આ માટે તે કડી મહેનત પણ કરી રહી છે. સાથોસાથ પોતાના ત્રણ બાળકો અને પરિવારના ગુજરાન માટે કોઇમ્બતુર શહેરમાં ચા વેચી રહી છે. ચાની દુકાન જાણે એનો સહારો બન્યો છે.
સમાચાર સંસ્થા એએનઆઇ સાથે વ્યથા ઠાલવતાં તેણીએ કહ્યું કે, સરકાર તરફથી મને કોઇ મદદ મળી નથી. ચા વેચી હુ દિવસના 400થી 500 રૂપિયા કમાઉ છું જેનાથી પરિવારનું ગુજરાન ચાલે છે. પરિવારની જવાબદારીઓને પગલે તેણી ભલે રમતમાં પોતાનો પુરો સમય આપી શકતી નથી. પરંતુ કલાઇમણી સવારે વહેલી ઉઠીને પોતાનું વર્ક આઉટ ક્યારેય ચૂકતી નથી. આવી સ્થિતિ વચ્ચે પણ તે રોજનું 21 કિલોમીટર દોડે છે.