ગોપીનાથ મુંડેની હત્યા કરાઈ હતીઃ EVM હકિંગનો દાવો કરનારા સૈયદ શુજાનો ખુલાસો
શુજાએ દાવો કર્યો કે, 2014માં ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેની હત્યા થઈ હતી, કેમ કે તેઓ EVM હેકિંગનું રહસ્ય જાણતા હતા, જોકે તેમણે આ અંગેનો કોઈ પુરાવો રજૂ કર્યો નથી
લંડનઃ લોકસભા ચૂંટણી પહેલા EVM હેકિંગનું ભૂત ફરીથી ધૂણ્યું છે. આ વખતે વિદેશમાં આ ભૂત ધૂણ્યું છે. સોમવારે લંડનમાં એક અમેરિકન સાયબર એક્સપર્ટ સૈયદ શુજાએ દાવો કર્યો છે કે, વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં EVMમાં ગરબડ કરવામાં આવી હતી. અમેરિકામાં રાજકીય આશરો માગનારા એક ભારતીય સાયબર નિષ્ણાત સૈયદ શુજાએ સોમવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ભારતમાં 2014ની લોકસભા ચૂંટણીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા 'ગરબડ' આચરવામાં આવી હતી. સાથે જ એવો દાવો પણ કર્યો કે EVM હેક કરી શકાય છે.
સૈયદ શુજાએ આ પત્રકાર પરિષદમાં વધુ એક સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે, વર્ષ 2014ની ચૂંટણીમાં ભાજપના વરિષ્ઠ નેતા ગોપીનાથ મુંડેની હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કારણ એ હતું કે તેઓ EVM હેકિંગ કૌભાંડ અંગે જાણતા હતા. જોકે, આ અંગે શુજાએ કોઈ પુરાવા રજૂ કર્યા નથી.
લંડનમાં EVM હેકિંગનો દાવો, 2014માં ગોટાળો થયાનો આક્ષેપ, ECએ કહ્યું સંપૂર્ણ સુરક્ષિત
સૈયદ શુજાએ દાવો કર્યો છે કે, ટેલિકોમ ક્ષેત્રની એક મોટી કંપનીએ ઓછી ફ્રીકવન્સીના સિગ્નલ્સ મેળવવામાં ભાજપને મદદ કરી હતી, જેથી EVM હેક કરી શકાય. શુજાએ જણાવ્યું કે, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં ભાજપ ચૂંટણી જીતી જતી, જો તેમની ટીમે આ ત્રણ રાજ્યોમાં ટ્રાન્સમિશન હેક કરવાના ભાજપના પ્રયાસોમાં હસ્તક્ષેપ કર્યો ન હોત.
આ વિસ્ફોટક અને ધમાકેદાર ખુલાસો અત્યંત ગુપ્ત રીતે કરવામાં આવ્યો છે. જોકે, હાલ તેની કોઈ પુષ્ટિ પણ કરી શકાઈ નથી. તેમણે દાવો કર્યો છે કે, તેઓ એક જાહેર ક્ષેત્રની ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (ECIL)ની ટીમમાં હતા, જેણે EVM મશીનની ડિઝાઈન તૈયાર કરીહતી. તેણે ભારતીય પત્રકાર સંઘ (યુરોપ) દ્વારા આયોજિત એક પત્રકાર પરિષદમાં ભાગ લીધો હતો. જોકે, તે સ્કાઈપ દ્વારા પડદા પર જ જોવા મળ્યો હતો અને તેના ચહેરા પર એક નકાબ હતો.
BUDGET 2019 : મધ્યમ વર્ગને મળશે મોટી રાહત, ટેક્સ છૂટની મર્યાદા થઈ શકે છે 5 લાખ
જોકે, ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ આ મહિનાની શરૂઆતમાં જ કહ્યું હતું કે, EVM સાથે છેડછાડ શક્ય નથી અને તેની કાર્યપદ્ધતિ પર એક વિશેષજ્ઞ સમિતિ નજર રાખી રહી છે. અરોરાએ જણાવ્યું કે, સિસ્ટમ અંગે કોઈ શંકા ન થવી જોઈએ. તેમણે જણાવ્યું કે, EVMની સંપૂર્ણ કાર્યપદ્ધતિ પર એક ઉચ્ચ તાલીમપ્રાપ્ત યોગ્ય ટેક્નિકલ સમીતી સતત નજર રાખી રહી છે.